દેશમાં હમણાં હિંદુ ધર્મસ્થાનોને તોડીને મસ્જિદ સહિતનાં મુસ્લિમોનાં ધર્મસ્થાનો બનાવાયાં તેના વિવાદ ચગેલા છે. ઉત્તર પ્રદેશના સંભલની જામા મસ્જિદને ભગવાન વિષ્ણુ એટલે કે હરહરના મંદિરને તોડીને બનાવાઈ હતી એવી દલીલ સાથેની હિંદુ પક્ષની અરજી પર નીચલી કોર્ટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) પાસે સર્વે કરવાનો આદેશ આપ્યો તેના કારણે સંભલમાં હિંસા થઈ ગઈ અને ચાર લોકો મરી ગયાં. આ વિવાદ શમ્યો નથી ત્યાં અજમેર દરગાહમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) દ્વારા સર્વે કરાવવાની અરજીને પણ નીચલી કોર્ટે સ્વીકારી લીધી છે.
સંભલની જામા મસ્જિદ સર્વે કેસની શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ તેમાં કોર્ટે મસ્જિદના સર્વે રિપોર્ટને નહીં ખોલવાનો આદેશ આપ્યો છે અને ચંદૌસીની ટ્રાયલ કોર્ટને ૮મી જાન્યુઆરી સુધી આ કેસમાં કોઈ કાર્યવાહી ન કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે શાહી ઇદગાહ કમિટી હાઇ કોર્ટમાં ન જાય ત્યાં સુધી કોઈ કાર્યવાહી નહીં કરવા પણ કહ્યું છે પણ સુપ્રીમ કોર્ટનું આ વલણ ક્યાં સુધી ટકશે એ સવાલ છે એ જોતાં આજે નહીં તો કાલે આ મુદ્દો પાછો ચગવાનો જ છે. અલબત્ત સુપ્રીમના આદેશના કારણે સંભલના કેસમાં ટેબ્લો પડ્યો છે ત્યાં અજમેરનો વિવાદ ચગ્યો જ છે.
હિંદુ સેનાએ રાજસ્થાનમાં અજમેરની કોર્ટમાં અરજી કરીને દાવો કર્યો છે છે કે, ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ એક શિવમંદિર પર બની છે. અજમેર વેસ્ટ સિવિલ જજ સિનિયર ડિવિઝન મનમોહન ચંદેલની કોર્ટે આ અરજી માન્ય રાખીને નોટિસો ફટકારી છે. હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ રિટાયર્ડ જજ હરબિલાસ સારદાના પુસ્તકના ઉલ્લેખ સહિત ત્રણ બાબતોના આધારે મંદિર હોવાનો દાવો કરીને મંદિરમાં પૂજા-પાઠ કરવાની અનુમતિ આપવાની માગ કરી છે.
વિષ્ણુ ગુપ્તાએ દરગાહમાં મંદિર હોવાના જે કહેવાતા આધાર રજૂ કર્યા છે તેમાં પહેલો આધાર હરબિલાસ સારદાના પુસ્તકનો છે. અંગ્રેજ શાસનકાળમાં અજમેર નગરપાલિકા ના કમિશનર રહી ચૂકેલા હરબિલાસ સારદાએ ૧૯૧૧માં પોતાના પુસ્તકમાં દરગાહ મંદિર પર બની હોવાનો ઉલ્લેખ કર્યો હોવાનો તેમનો દાવો છે.
હિંદુ સેનાએ પોતાની રીતે તપાસ કરીને દરગાહની અંદર જઈ જોયું તો દરગાહની સંરચના હિંદુ મંદિરને તોડીને બનાવાઈ હોવાનું લાગે છે એવો દાવો પણ કર્યો છે. તેમના દાવા પ્રમાણે, દરગાહની દીવાલો અને દરવાજાઓ પર જોવા મળતાં નક્શીકામો હિંદુ મંદિરની યાદ અપાવે છે. ત્રીજો આધાર એ છે કે, અમારા પૂર્વજો કહેતા હતા કે અહીં શિવલિંગ હતું અને હિંદુ મંદિર હતું.
વિષ્ણુ ગુપ્તાના કહેવા પ્રમાણે દરગાહમાં બનેલાં ભોયરાંનો સર્વે થાય તો સત્ય સામે આવશે. કોર્ટને આ દલીલો વજનદાર લાગી તેથી અરજી સ્વીકારી લીધી. અજમેર દરગાહના મુખ્ય કારભારી અને ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના વંશજ સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ અરજીને સસ્તી લોકપ્રિયતા મેળવવાનો ‘સ્ટંટ’ ગણાવી છે પણ હિંદુ પક્ષકારોની આક્રમકતા જોતાં આ વિવાદ ચગશે એ નક્કી છે.
સંભલ અને અજમેર બંને અંગેના દાવા કોર્ટમાં છે તેથી તે અંગે કંઈ પણ કહેવું યોગ્ય નથી પણ સંભલ અને અજમેર બંનેનો ઘટનાક્રમ ચિંતાજનક છે. ચિંતાજનક એ રીતે કે તેના કારણે ધીરે ધીરે દેશમાં બીજે બધે પણ આ પ્રકારની માગોનો સિલસિલો શરૂ થશે. ભારતમાં મુસ્લિમ આક્રમણખોરો આવ્યા ત્યારે તેમણે ઠેર ઠેર હિંદુ ધર્મસ્થાનો તોડીને મસ્જિદો બનાવી હતી. મુસ્લિમ બાદશાહોના સૂબાઓએ પણ ધર્મસ્થાનો તોડ્યાં હતાં ને મસ્જિદો બનાવી હતી.
૧૯૮૦ના દાયકામાં જ્યારે અયોધ્યાના રામમંદિરનો મુદ્દો ગરમ થયો ત્યારે હિંદુવાદી સંગઠનો દાવો કરતાં હતાં કે, મુસ્લિમ આક્રમણખોરોએ ૩૦૦૦ જેટલાં હિંદુ ધર્મસ્થાનોને તોડીને મસ્જિદો બનાવી છે.
આ દાવામાં અતિશયોક્તિ હોય તો પણ હજારેક મસ્જિદો સહિતનાં મુસ્લિમોનાં ધર્મસ્થાનો તો એવાં હશે જ કે જે મંદિરો કે હિંદુઓનાં બીજાં ધર્મસ્થાનો તોડીને બનાવાયાં હોય. આ ઈતિહાસ છે ને તેને કોઈ નકારી શકે તેમ નથી તેથી તેમનો વિવાદ ચગવાનો છે તેમાં મીનમેખ નથી. હિંદુઓ વરસો સુધી ચૂપ હતા કેમ કે રાજકીય રીતે માહોલ અનુકૂળ નહોતો. હવે ભાજપ સત્તામાં છે ને દેશભરમાં હિંદુત્વની લહેર છે તેથી હિંદુઓ ચૂપ રહેવાના નથી એટલે આ વિવાદ ચગશે જ.
આ વિવાદ દેશના હિતમાં નથી કેમ કે તેના કારણે હિંસા જ થવાની છે. અયોધ્યા વિવાદ વખતે દેશભરમાં થયેલી હિંસામાં સેંકડો લોકો મરાયાં હતાં ને અત્યારે સંભલમાં પણ એ જ થયું છે એ જોતાં ધાર્મિક વિવાદો લોકોનો ભોગ તો લેશે જ. હિંસાના કારણે થતું બીજું નુકસાન ધ્યાનમાં ન લઈએ તો પણ લોકોની હત્યાઓ થાય છે એ નુકસાન પણ બહુ મોટું છે.
આ નુકસાન રોકવું જરૂરી છે ને એ કામ સરકાર તથા ન્યાયતંત્ર કરી શકે. અત્યારે વિવાદો ઊભા થઈ રહ્યા છે તેનું કારણ અદાલતો દ્વારા મુસ્લિમ મસ્જિદો સહિતનાં ધર્મસ્થાનોના સર્વેને અપાતી મંજૂરી છે. અદાલતો આ મંજૂરી આપવાનું બંધ કરી શકે છે કેમ કે વર્શિપ એક્ટ ૧૯૯૧ હેઠળ દેશભરમાં ધર્મસ્થાનો ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭માં જે સ્થિતિએ હતાં એ સ્થિતિ જાળવવી જરૂરી છે. આ એક્ટ હેઠળ કોઈ પણ ધર્મના, કોઈ પણ પૂજાસ્થળની સ્થિતિ બદલી શકાય નહીં.
અદાલતો આ કાયદાનો ઉપયોગ કરીને મસ્જિદો સહિતનાં મુસ્લિમોનાં ધર્મસ્થાનોના સર્વે બંધ કરાવે ને બીજી તરફ સરકાર વર્શિપ એક્ટ નાબૂદ કરવાની ક્વાયત કરે. વર્શિપ એક્ટ વાહિયાત જ છે કેમ કે નરસિંહરાવની કૉંગ્રેસ સરકારે મુસ્લિમ તુષ્ટિકરણ માટે આ કાયદો બનાવ્યો હતો. હિંદુઓ ભવિષ્યમાં મંદિરો તોડીને બનાવાયેલાં ધર્મસ્થાનો પર દાવો ના કરે એટલે આ કાયદો બનાવેલો. આ કાયદો કચરાટોપલીમાં જવો જ જોઈએ.
જોકે સવાલ ભાજપ સરકારની દાનતનો પણ છે. મોદી સરકાર છેલ્લાં ૧૦ વર્ષથી સત્તામાં છે પણ આ કાયદાને રદ કરવા તેણે કશું ના કર્યું. હિંદુઓને અન્યાયકર્તા અને મુસ્લિમોને પંપાળવા બનાવાયેલો આ કાયદો રદ કરવા સહિતનાં પગલાં પહેલાં જ લેવાં જરૂરી હતાં પણ મોદી સરકારે એ કામ ના કર્યું. એ વખતે ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હતી એ જોતાં સરળતાથી આ કાયદો રદ થઈ શકે તેમ હતો.
મોદી સરકાર હિંદુ મંદિરો તોડાયાં તેનો સર્વે કરવાનો આદેશ પણ આપી શકી હોત પણ ૧૦ વર્ષમાં એ ના કર્યું ને અત્યારે પણ મોદી સરકાર એ દિશામાં કશું કરવા આતુર છે કે નહીં એ ખબર નથી. તેના કારણે વિવાદો ઊભા થશે પણ નિરાકરણ નહીં આવે.