આપણું ગુજરાત

ગુજરાતમાં દિવ્યાંગો માટે મોટી જાહેરાત, સંતસુરદાસ યોજનામાંથી આ જોગવાઈ કરવામાં આવી દુર

ગાંધીનગરઃ ગુજરાતમાં દિવ્યાંગો માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓ અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં ૬.૨૦ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૬૫૦ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. દિવ્યાંગોને કલ્યાણકારી યોજનાઓનો લાભ મળવાથી તેઓ વધુ સશકત બન્યા છે. દિવ્યાંગો આત્મસન્માનથી જીવતા થાય તેવો સરકારનો અભિગમ આ યોજનાઓ થકી સાર્થક થયો છે.

રાજ્ય સરકારના દિવ્યાંગો માટેના વિવિધ કલ્યાણકારી નિર્ણયો

ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગોના સામાજિક, આર્થિક વિકાસ માટે અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગજનો માટેની વિશેષ ઓળખ અને સુવિધા માટે ‘યુનિવર્સલ આઈ.ડી કાર્ડ’ આપવામાં આવ્યું છે. આ આઈ.ડી. કાર્ડના માધ્યમથી દિવ્યાંગ વ્યક્તિઓ એસ.ટી બસમાં મફતમાં મુસાફરી કરી શકે છે. તેમનો આ પાસ પણ હવેથી જીવનભર માન્ય રાખવામાં આવ્યો છે.

*સંતસુરદાસ યોજનામાં આ જોગવાઇ દુર કરવામાં આવી

સંતસુરદાસ યોજનામાં ૮૦%થી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને આ યોજનાનો લાભ મેળવવા માટે બી.પી.એલ કાર્ડ ધારક તથા ૦ થી ૧૭ વર્ષની ઉંમર હોવી જરૂરી હતી જેને દુર કરવામાં આવી છે. દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી બસમાં મફત મુસાફરી આપવાની યોજના હેઠળ પાર્કિન્સન, હિમોફિલીયા, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમીયા, ક્રોનીક ન્યુરોલોજીકલ જેવી દિવ્યાંગતામાં તેમના સહાયકને ૧૦૦% મફત મુસાફરીનો લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમીયા, ક્રોનીક ન્યુરોલોજીકલ સ્થિતી જેવી ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંજનને માસિક રૂ.૧૦૦૦ સહાય આપવામાં આવે છે.

Also Read – કચ્છમાં આવી ગયા છે યુરોપ, મોંગોલિયા સહિતના મહેમાનોઃ જોવા જાશો કે નહીં?

એસ.ટી બસમાં મુસાફરીનો પાસ તથા દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આજીવન માન્ય

દિવ્યાંગ વ્યક્તિઓને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ પ્રકારની બસોમાં રાજ્યની અંદર તેમજ રાજ્ય બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટના રાજ્ય બહાર આવેલા અંતિમ સ્ટેશન સુધી મફત મુસાફરીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ પાસ હવે જીવનભર માન્ય રહેશે. આ પહેલા દિવ્યાંગોને વિકલાંગતા પ્રમાણપત્ર માટે વારંવાર મેડિકલ ચેકઅપ માટે જવું પડતું હતું અને હાડમારી વેઠવી પડતી હતી પણ હવે સંપૂર્ણ સંવેદનાથી દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આજીવન માન્ય કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. દિવ્યાંગ વ્યક્તિઓને એસ.ટી બસમાં મુસાફરી માટે મળતો પાસ પણ હવેથી જીવનભર માન્ય રહેશે.

3 ડિસેમ્બરે ઉજવાય છે ‘આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ’

દર વર્ષે તા. ૩ ડિસેમ્બરને ‘આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૨૪ની થીમ ‘સમાવિષ્ટ અને ટકાઉ ભવિષ્ય માટે દિવ્યાંગ વ્યક્તિઓના નેતૃત્વને વધુ વિસ્તૃત બનાવવું’ રાખવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button