સોનાના બદલે હવે શેર બજાર તરફ આકર્ષાઈ ગુજરાતી મહિલાઓ, આંકડો 25 લાખને પાર
અમદાવાદઃ ગુજરાતના શેર બજારમાં વધુને વધુ મહિલાઓ રોકાણકાર તરીકે આગળ આવી રહી છે. રાજયમાં મહિલા રોકાણકારની સંખ્યા પ્રથમ વખત 25 લાખને પાર થઈ ગઈ છે અને તે 27.4 ટકા વધી છે. ઘણી મહિલા રોકાણકારો તેમની બચત અથવા કમાણીને આઇપીઓમાં ભાગ લે છે અને ઘણીવાર લાંબા ગાળાનું રોકાણ કરી રહી છે.
ગુજરાતમાં મહિલા રોકાણકારની સંખ્યામાં કેટલો થયો વધારો?
નેશનલ સ્ટોક એકસચેંજના ડેટા મુજબ 2022 બાદ ગુજરાતમાં મહિલા રોકાણકારની સંખ્યામાં 59 ટકાનો મોટો વધારો થયો છે. સામાન્ય રીતે ગુજરાતી મહિલાઓ તેમની નાની બચત પહેલા ઘરમા રાખતી હોય છે. ત્યાર બાદ થોડી વધે તો બેન્કમાં બાંધી મુદત થાપણ કરાવે છે અને તેઓએ બચત વધે તો પછી સોનું ખરીદે છે. જોકે હવે સોનાનો ભાવનો ભાવ પહોંચ બહાર વધતા નાની બચત કરતી મહિલાઓના નાણા શેરબજારમાં રોકાઈ રહ્યા છે. આઈપીઓમાં લીસ્ટીંગ ગેઈન વ્યાપક ચર્ચાનો વિષય બન્યા બાદ મહિલા રોકાણકારોનો શેર બજારમાં રસ વધ્યો છે.
આ પણ વાંચો…જીડીપી વૃદ્ધિ તળિયે જતાં આરબીઆઇની મુંઝવણ વધી: બુધવારે શું નિર્ણય લેશે?
દેશમાં કુલ કેટલી મહિલા શેર બજારમાં કરે છે રોકાણ?
નાણાકીય વર્ષ 2022 ના અંતે, દેશના કુલ નોંધાયેલા રોકાણકારોમાં મહિલાઓનો હિસ્સો 22.6 ટકા હતો. ઓક્ટોબર 2024 સુધીમાં તેમનો હિસ્સો વધીને 23.9 ટકા થયો હતો. મોટા રાજ્યોમાં, દિલ્હી (29.8 ટકા), મહારાષ્ટ્ર (27.7 ટકા) અને તમિલનાડુ (27.5 ટકા) રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે મહિલાઓનું પ્રતિનિધિત્વ ધરાવે છે, જ્યારે બિહાર (15.4 ટકા), ઉત્તર પ્રદેશ (18.2 ટકા) અને ઓડિશા (19.4 ટકા) મહિલાઓની સંખ્યા પ્રમાણમાં ઓછી છે.