કૅનબેરાની પ્રૅક્ટિસ વન-ડે માં કોહલી અને પંતને બૅટિંગમાંથી આરામઃ રોહિત ટેસ્ટમાં ચોથા નંબરે રમશે?
કૅનબેરાઃ અહીં રવિવારે પ્રાઇમ મિનિસ્ટર ઇલેવન સામેની પ્રૅક્ટિસ વન-ડેમાં ભારતીય ટીમ માટે છ બૅટર્સે વિજય આસાન બનાવ્યો હતો. જોકે એ છ બૅટરમાં વિરાટ કોહલી અને રિષભ પંત નહોતા. તેમને બૅટિંગમાંથી આરામ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : `એ ભાઈ, ગાર્ડન મેં ઘૂમ રહા હૈ કયા?’ મોહમ્મદ સિરાજ આવું ગુસ્સામાં કેમ અને કોને બોલ્યો?
ખરેખર તો ઑસ્ટ્રેલિયાના પ્રવાસે આવેલા તમામ ભારતીય ખેલાડીઓ આ મૅચમાં રમવા ઊતર્યા હતા.
યજમાન ટીમે 240 રન બનાવ્યા પછી ભારતીય ટીમને 241 રનનો લક્ષ્યાંક અપાવવામાં ખાસ કરીને ઈજામુક્ત થઈને પાછા રમવા આવેલા શુભમન ગિલ (50 રન રિટાયર્ડ આઉટ)ની ભૂમિકા હતી. તે ત્રીજા નંબરે રમ્યો હતો. તેની પહેલાં ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલ (45 રન) અને કેએલ રાહુલ (27 રન રિટાયર્ડ આઉટ)ને 75 રનની ભાગીદારીથી જીતનો પાયો નાખી આપ્યો હતો. કૅપ્ટન રોહિત શર્મા છેક ચોથા ક્રમે આવ્યો હતો અને ફક્ત ત્રણ રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
તે ઓપનિંગમાં કે વનડાઉનમાં ન આવ્યો અને છેક ચોથા નંબરે રમ્યો એના પરથી ચર્ચા થવા લાગી છે કે શુક્રવાર, છઠ્ઠી ડિસેમ્બરે ઍડિલેઇડમાં શરૂ થનારી પિન્ક બૉલ ડે/નાઇટ ટેસ્ટમાં પણ તે ચોથા સ્થાને રમશે. ઇલેવનમાં તેનો સમાવેશ દેવદત્ત પડિક્કલના સ્થાને થશે, જ્યારે ગિલનો સમાવેશ ધ્રુવ જુરેલના સ્થાને થશે.
આ પણ વાંચો : એક કરોડવાળો 13 વર્ષનો વૈભવ સૂર્યવંશી એક જ રનમાં આઉટ!
રવિવારની પ્રૅક્ટિસ વન-ડેમાં નીતિશ રેડ્ડી (42 રન) તથા વૉશિંગ્ટન સુંદર (42 અણનમ)ના પણ મહત્ત્વના યોગદાન હતા, જ્યારે રવીન્દ્ર જાડેજાએ 27 રન બનાવ્યા હતા.