દેવેન્દ્ર ફડણવીસે લગાવી ફિલ્ડિંગ?, મહત્વપૂર્ણ બેઠક પહેલાં પડદા પાછળની મોટી હિલચાલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી થઈ ગઈ છે અને લોકોએ મહાયુતિને ભરપૂર સમર્થન આપ્યું છે. મહાગઠબંધન દ્વારા સત્તાની સ્થાપના માટે તૈયારીઓ ચાલી રહી છે અને શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના છે. જો કે મુખ્ય પ્રધાન કોણ હશે તેનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. શરૂઆતમાં એવું કહેવાતું હતું કે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસનું નામ ચાલી રહ્યું છે. જો કે, એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરીને મુખ્ય પ્રધાનપદ માટે પોતાનો દાવો છોડી દીધો હતો. હવે એ વાત લગભગ સ્પષ્ટ થઈ ગઈ છે કે ભાજપનો મુખ્ય પ્રધાન બનશે. પાંચમીએ શપથ ગ્રહણ સમારોહ પહેલા મહાયુતિના નેતાઓની બેઠક યોજાશે.
શપથ ગ્રહણ સમારોહમાં માત્ર મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન જ શપથ લેશે અથવા પ્રધાનો પણ સાથે શપથ લેશે તે પણ હજી નક્કી કરવાનું બાકી છે. ભાજપે હજુ સુધી તેના વિધાનસભ્ય પક્ષના નેતાનું નામ જાહેર કર્યું નથી. અજિત પવારે શનિવારે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન ભાજપના હશે જ્યારે નાયબ મુખ્ય પ્રધાન બંને સહયોગી પક્ષોમાંથી હશે. એવું પણ કહેવાય છે કે શપથ ગ્રહણ સમારોહ પહેલાં ભાજપના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાશે. દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બનશે તે લગભગ સ્પષ્ટ છે. ભાજપની આ મહત્વની બેઠક ત્રણ કે ચાર તારીખે યોજાશે.
આ પણ વાંચો : Maharashtra CM: આજે એકનાથ શિંદે મુંબઈ આવશે, જાહેર કરી શકે છે મોટો નિર્ણય
જો કે હાલમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ ચર્ચામાં છે પરંતુ વિનોદ તાવડેનું નામ પણ મુખ્ય પ્રધાનપદની રેસમાં જોવા મળી રહ્યું છે. એનસીપી નેતા છગન ભુજબળે કહ્યું હતું કે, શપથ ગ્રહણ સમારોહને લઈને કોઈ માહિતી આપવામાં આવી નથી. અમારા નેતાઓ અજિત પવાર, પ્રફુલ પટેલ અને સુનિલ તટકરેએ અમને કોઈ માહિતી આપી નથી, એમ તેમણે કહ્યું હતું.
હવે તમામની નજર ભાજપની બેઠક પર છે. એટલું જ નહીં, વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટો પક્ષ બની ગયો છે અને ભાજપનો મુખ્ય પ્રધાન બનશે તે સ્પષ્ટ છે, ત્યારે હજુ સુધી મુખ્ય પ્રધાનના નામની જાહેરાત કરવામાં આવી નથી. શું દેવેન્દ્ર ફડણવીસ જ બનશે મુખ્ય પ્રધાન? કે ભાજપ હજુ બીજા ક્યા વિકલ્પો પર વિચાર કરી રહી છે તે આગામી બે દિવસમાં સ્પષ્ટ થવાની શક્યતા જોવાઈ રહી છે.