એક રાતમાં રૅશ ડ્રાઈવિંગના 43 ગુના નોંધી 214 બાઈક જપ્ત
બેફામ રિક્ષા દોડાવનારાઓની પર હવે ખેર નથી: આજથી વિશેષ ઝુંબેશ

મુંબઈ: મુંબઈ પોલીસે વેસ્ટ રિઝનમાં વિશેષ ઝુંબેશ હાથ ધરી એક રાતમાં જ રૅશ ડ્રાઈવિંગ કરનારાઓ વિરુદ્ધ 43 ગુના નોંધી 214 બાઈક જપ્ત કરી હતી. હવે સોમવારથી બેફામ રિક્ષા દોડાવનારાઓ વિરુદ્ધ પણ વિશેષ ઝુંબેશ હાથ ધરવાની યોજના બનાવવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
બાઈકના સાઈલેન્સર મોડિફાય કરી મધરાતે રેસિંગ કરવામાં આવતી હોવાની ફરિયાદ પોલીસને મળી હતી. માહિતીને આધારે પોલીસે શનિવારની રાતે વેસ્ટ રિઝનમાં વિશેષ ઝુંબેશ હાથ ધરી ઠેર ઠેર નાકાબંધી કરી હતી.
આ પણ વાંચો: પોલીસની વિશેષ ઝુંબેશ: રૅશ ડ્રાઈવિંગના 85 ગુના નોંધી 153 વાહનો જપ્ત
કહેવાય છે કે મોટા ભાગે ખેરવાડી બાન્દ્રા પૂર્વમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ અને બાન્દ્રા બૅન્ડસ્ટેન્ડ ખાતે નાકાબંધી કરવામાં આવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ 43 ગુના નોંધી 214 બાઈક જપ્ત કરી હતી. એ સિવાય મોટર વેહિકલ ઍક્ટ હેઠળ 629 વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ બેફામ રિક્ષા ચલાવનારાઓ સામે પણ જૉઈન્ટ ઑપરેશન હાથ ધરવામાં આવશે. આ માટે આરટીઓ (નૉર્થ રિઝન) અને ટ્રાફિક પોલીસના ડીસીપી સાથે એક મીટિંગ થઈ હતી. સોમવારથી હાથ ધરાનારા આ વિશેષ ઝુંબેશ માટે અલગ અલગ ઠેકાણે પોલીસની બે ટીમ કામ કરશે. એક ટીમ દિવસે અને બીજી ટીમ રાતે રિક્ષાઓ પર નજર રાખશે.