ઑનલાઈન ઑર્ડર કરાયેલી વસ્તુઓ ભરેલી ડિલિવરી બૉયની બૅગ ચોરનારો પકડાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઑનલાઈન પોર્ટલ પરથી ઑર્ડર કરવામાં આવેલી વસ્તુઓ ભરેલી ડિલિવરી બૉયની આખેઆખી બૅગ ચોરીને રફુચક્કર થઈ જનારા શખસની પોલીસે ધરપકડ કરી હતી. દક્ષિણ મુંબઈના પૉશ વિસ્તાર મલબાર હિલમાં આવી ઉપરાછાપરી ત્રણ ઘટના બનતાં પોલીસ તપાસમાં લાગી હતી.
આ પણ વાંચો : ઈવીએમ હૅક કરી શકવાનો યુવાનનો દાવો: સાયબર પોલીસે ગુનો નોંધ્યો
મલબાર હિલ પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ લખન નારાયણ વાઘમારે (35) તરીકે થઈ હતી. તેની પાસેથી ચોરીની મતા હસ્તગત કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ઑનલાઈન પોર્ટલ પરથી વિવિધ વસ્તુઓ ઑર્ડર કરવામાં આવ્યા પછી એ વસ્તુઓ ગ્રાહકોનાં ઘર સુધી ડિલિવરી બૉય પહોંચતા હોય છે. મલબાર હિલમાં ગયા મહિને ડિલિવરી બૉયની બૅગ ચોરી થયાની ત્રણ ઘટના બની હતી.
ફરિયાદ અનુસાર ડિલિવરી બૉય ફ્લૅટમાં વસ્તુ પહોંચાડવા જાય ત્યારે તેની બૅગ બિલ્ડિંગ નીચે સ્કૂટર પર હોય છે. આ બૅગમાં ડિલિવરી માટેની અનેક વસ્તુઓ હોય છે. ડિલિવરી બૉય બિલ્ડિંગમાંથી નીચે ઊતરે તે પહેલાં વાઘમારે તક ઝડપી બૅગ લઈને ફરાર થઈ જતો હતો.
આ પણ વાંચો : સોલાપુરમાં ગૅસ કટરથી એટીએમ કાપ્યા પછી 23 લાખની લૂંટ, એટીએમ સેન્ટરનો એલાર્મ વાગ્યા છતાં કોઈ દરકાર ન કરી
ઉપરાછાપરી ચોરીની ઘટનાઓ નોંધાતાં પોલીસની એક ટીમ આરોપીની શોધમાં લાગી હતી. ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાને આધારે પોલીસે આરોપીને ઓળખી કાઢ્યો હતો. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે વરલીની પ્રેમનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા વાઘમારેને તેના ઘરમાંથી તાબામાં લીધો હતો. પૂછપરછમાં વાઘમારેએ ગુના કબૂલ્યા હોવાનો દાવો પોલીસે કર્યો હતો.