ઈવીએમ હૅક કરી શકવાનો યુવાનનો દાવો: સાયબર પોલીસે ગુનો નોંધ્યો
મુંબઈ: મશીન ફ્રિક્વન્સીસને શોધીને ઈલેક્ટ્રોનિક વૉટિંગ મશીન (ઈવીએમ) પોતે હૅક કરી શકે છે, એવો ખોટો દાવો કરનારા સૈયદ શુજા નામના યુવાન વિરુદ્ધ મુંબઈ સાયબર પોલીસે એફઆઈઆર નોંધ્યો હતો.
આ પ્રકરણે મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી અને સુજાનો દાવો પાયાવિહોણો અને આધાર વિનાનો હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો: ઈવીએમ હેક કરવાનું ડેમોન્સ્ટ્રેશન જોયું ત્યારે ભરોસો નહોતો પરંતુ હવે…
દક્ષિણ મુંબઈના સાયબર પોલીસ સ્ટેશનમાં 30 નવેમ્બરે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો તેમ જ આઈટી ઍક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો. રાજ્યની ચૂંટણીઓ દરમિયાન પોતે ઈવીએમમાં ચેડાં કરી શકે છે, એવો દાવો કરતો શુજાનો વીડિયો વાયરલ થયા પછી તેની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ચૂંટણી પંચ દ્વારા વાયરલ વીડિયોમાં શુજાને ઓળખી કાઢવામાં આવ્યો હતો અને તેના દાવા સંપૂર્ણપણે ખોટા છે એ વાત પર ભાર મુકાયો હતો. 2019માં પણ ચૂંટણી પંચે નવી દિલ્હીમાં આવા જ આરોપ માટે શુજા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. તે સમયે પણ તેણે ઈવીએમમાં પોતે ચેડાં કરી શકે છે એવો દાવો કર્યો હતો.
આ પણ વાંચો: જે બસમાં ઈવીએમ લઈ જવામાં આવ્યા હતા એમાં એવું શું મળ્યું કે બધા ચોંકી ઉઠ્યા?
મુંબઈ અને દિલ્હી પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. આ મામલે શુજાના કોઈ સાથીની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ચૂંટણી પંચે ભારપૂર્વક જણાવ્યું છે કે ઈવીએમ સુરક્ષિત છે. આ મશીન વાય-ફાઈ કે બ્લુટૂથ સહિત કોઈ પણ નેટવર્ક સાથે જોડી શકાય નહીં અને તેની સાથે ચેડાં કરવાં શક્ય નથી. સુપ્રીમ કોર્ટે પણ વારંવાર ઈવીએમની વિશ્ર્વસનીયતાને માન્ય રાખી છે.