ભુજ

Kutchમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસ વધતાં આરોગ્યતંત્ર એક્શનમાં

ભુજ: ગુજરાતના ચોમાસાની વિદાય બાદ શિયાળાની મોડી શરૂઆત થઈ છે. જોકે, આ દરમ્યાન બેવડી ઋતુના પગલે કચ્છમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. જેમાં  ડેન્ગ્યુ તાવના દર્દીઓમાં ગત વર્ષની તુલનાએ આ વર્ષે કચ્છમાં ત્રણ ગણો વધારો નોંધાતાં જિલ્લા આરોગ્યતંત્ર એક્શનમાં આવ્યું છે. આ ઉપરાંત  મચ્છરો દ્વારા સાદો અને ઝેરી મેલેરીયા, ચિકનગુનિયાના કેસોમાં  વધારો  થઇ રહ્યો છે ત્યારે  હવે ચોખ્ખા પાણીમાં થતા અને દિવસે કરડતા ‘એડીસ ‘ મચ્છરોનો ચિંતાજનક સ્તરે ઉપદ્રવ વધ્યો છે. જેમાં  ખાનગી અને સરકારી દવાખાનાઓમાં  ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા વધી રહી છે.

આ પણ વાંચો: બોલો, દુનિયાના આ દેશમાં નથી એક પણ મચ્છર, નામ જાણીને ચોંકી ઉઠશો…

આ વર્ષે ડેન્ગ્યુના 217 કેસ

જેમાં મળતી માહિતી મુજબ કચ્છમાં ગત વર્ષે 77 જેટલા ડેન્ગ્યુ તાવના દર્દીઓ સરકારી ચોપડામાં નોંધાયા હતા. તેની સામે આ વર્ષે આંક ત્રણ ગણો ઉંચકાઈને 217 થતા  આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં છે. તેમજ ડેન્ગ્યુના ઉપદ્રવને ઘટાડવા માટે જરૂરી કામગીરી શરૂ કરી છે.

કચ્છમાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ શહેરી વિસ્તારમાં

કચ્છમાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ શહેરી વિસ્તારમાં 19 છે. તેમાંથી ભુજમાં દશ છે. જિલ્લા મેલેરિયા અધિકારી ડો. કેશવકુમાર સિંધે ભુજ અને નખત્રાણામાં તાજેતરમાં આરોગ્ય કર્મચારીઓની બેઠક યોજી ડેન્ગ્યુ સામે નબળી કામગીરી થશે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી.  આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ નાથવા માટે મેલેરીયા વિભાગના કર્મચારીઓને દવા છંટકાવ,પોરાનાશક કામગીરી અને લોકોમાં મચ્છરો સામે જાગૃતિ લાવવાના પ્રયાસો વેગવાન બનાવવા તાકીદ કરાઈ રહી છે.

એડીસ  મચ્છરને ખુલ્લા પાત્રમાં ઈંડા મુકવા મોકળું મેદાન

આ દરમિયાન નર્મદાનું પૂરતું પાણી મેળવનારા કચ્છના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનું અપૂરતું વિતરણ થતું  હોવાથી લોકોને નાછૂટકે જરૂરત મુજબના પાણીનો સંગ્રહ કરવાની ફરજ પડી રહી  છે. આ સંગ્રહિત પાણી રોજિંદા વપરાશ માટે હોવાથી તેમાં પોરાનાશક દવા નાખી શકાતી નથી તેમજ લોકો તેને ચુસ્ત ઢાંકણથી બંધ કરતા. જેથી એડીસ  મચ્છરને ખુલ્લા પાત્રમાં ઈંડા મુકવા મોકળું મેદાન મળી રહે છે.

ડેન્ગ્યુથી બચવાના ઉપાયો

આ ઉપરાંત ડેન્ગ્યુથી બચવા માટે લોકોએ પણ સાવચેતી રાખવાની જરુર છે. જેમાં રેફ્રિજરેરની ટ્રે, એર કુલર, પક્ષીના કુંજ, વગેરે તેમજ જાજરૂમાં પાણી ભરી રખાયેલી ડોલમાંથી મુખ્યત્વે  ડેન્ગ્યુના મચ્છરના સેંકડો પોરા ઉત્પન્ન થતા હોય છે. ડેન્ગ્યુ માટે કોઈ ચોક્કસ સારવાર પણ નથી. ગંભીર કેસમાં હેમરેજીક થાય તો ચામડી નીચે કાળા ચકામા પડે દવાખાનામાં સારવાર લેવાથી બચી શકાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button