અનામત વિરુદ્ધ બોલવું ગુનો ના ગણી શકાય, HCએ મહિલાને આપી રાહત
મુંબઇઃ જાતિ આરક્ષણ પર બોલવું એ કોઈ પણ સમુદાય વિરુદ્ધ ગણી શકાય નહીં અને આવા કિસ્સામાં SC-ST એક્ટ હેઠળ કેસ નોંધી શકાય નહીં. બોમ્બે હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન આવો આદેશ આપ્યો હતો.
ઘટનાની વિગત મુજબ એક મહિલાએ તેના બોયફ્રેન્ડ સાથેના સંબંધોનો અંત લાવીને તેને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો. બોયફ્રેન્ડે એવો દાવો કર્યો હતો કે મહિલાએ તેને વોટ્સએપ પર જાતિ વિષયક ટીપ્પણી કરતો મેસેજ મોકલ્યો હતો. ઉપરાંત મહિલાએ આરક્ષણ વિરુદ્ધ ટિપ્પણી પણ કરી હતી. તેના પર હાઈકોર્ટે કહ્યું કે વોટ્સએપ પર બે લોકો વચ્ચેની વાતચીત અને ખાસ કરીને મેસેજ ફોરવર્ડ કરવાને SC-ST એક્ટ હેઠળ લઈ શકાય નહીં.
આ પણ વાંચો: ટ્રમ્પના આગમન સાથે ભારતને મોટો ફટકો પડી શકે છે, ટ્રમ્પે આવી ચીમકી ઉચ્ચારી
આ કેસની સુનાવણી દરમિયાન બેન્ચે કહ્યું હતું કે મહિલાના કથિત મેસેજમાં જાતિ આધારિત આરક્ષણ પર ટિપ્પણી કરવામાં આવી હતી અને તે ફોરવર્ડ મેસેજ હતો. આ રીતે, અનામત પર માત્ર ટિપ્પણી કરવી અને તે પણ વ્યક્તિગત વાતચીતમાં – તેને SC-ST એક્ટના દાયરામાં ન લઇ શકાય. કોર્ટે મહિલા સામે નોંધાયેલા કેસને ખતમ કરવાના નીચલી અદાલતના નિર્ણયને યથાવત રાખ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે મહિલાએ જાહેરમાં કોઈ જાતિની ટિપ્પણી કરી નથી. કોઇ વ્યક્તિનું અપમાન કરવામાં આવ્યું ન હતું કે મેસેજમાં એસસી-એસટી કેટેગરીના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવું કંઈ નહોતું.
જસ્ટિસ ઉર્મિલા જોશી-ફાળકેએ જણાવ્યું હતું કે, ‘જો આપણે આખો મામલો સમજીએ તો એ સ્પષ્ટ થઈ જાય છે કે વોટ્સએપ પર મોકલવામાં આવેલો મેસેજ જાતિ આધારિત આરક્ષણ આપવા વિશે હતો. આ મેસેજમાં એવું કંઈ નહોતું જેનાથી કહી શકાય કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના લોકોનું અપમાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એવું લાગે છે કે મહિલાનો આ મેસેજ ફરિયાદી માટે જ હતો, પરંતુ મહિલાએ મેસેજમાં એવું કંઈ લખ્યું નથી જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અપમાનજનક ગણાય અથવા તેમના પ્રત્યે નફરત પેદા કરવાનો પ્રયાસ હોય.
આ પણ વાંચો: BZ ગ્રુપની ઝપેટમાં ડૉક્ટરો પણ આવ્યા, 200 કરોડનું રોકાણ કર્યાની શંકા!
આ મામલો નાગપુરનો છે. અહીંના એક 29 વર્ષના સોફ્ટવેર એન્જિનિયરના 28 વર્ષની મહિલા સાથે સંબંધ હતા. બંને મધ્યપ્રદેશના રહેવાસી છે. રિલેશનશિપ બાદ બંનેએ એક મંદિરમાં ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા. તેઓએ આ સંબંધ તેમના પરિવારથી છુપાવ્યો હતો. જો કે, જ્યારે મહિલાને ખબર પડી કે તે વ્યક્તિ અનુસૂચિત જાતિનો છે ત્યારે તેમના સંબંધ બગડી ગયા. મહિલાએ તેની સાથે બોલવાનું પણ બંધ કરી દીધું. જ્યારે સંબંધ બગડ્યો ત્યારે મહિલાએ તે વ્યક્તિને મેસેજ કર્યો હતો, જેના આધારે તે વ્યક્તિએ કેસ નોંધ્યો હતો અને મહિલાના પિતાને પણ આરોપી બનાવ્યો હતો.