મૂડીબજારનું નિયમન તંત્ર ‘સેબી’ (સિકયોરિટીઝ એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા) રોકાણકારોની રક્ષા કરવા અને એમને જોખમોથી દૂર રાખવા માટે સમયાંતરે પગલાં લેતું રહે છે. આમ છતાં, જો રોકાણકારોને (અહીં રોકાણકારોને સ્થાને ટ્રેડર્સ અથવા સ્પેકયુલેટર્સ વાંચવું) પોતે જ જોખમ લેવા માગતા હોય તો ‘સેબી’ પણ શું કરી શકે?
રોકાણકાર- ટ્રેડર્સ- સટોડિયાઓ કહો કે ‘હાર્યા જુગારી બમણું રમે’ એવી માનસિકતા ધરાવતા લોકો ઈન્વેસ્ટમેન્ટ જગતમાં વારંવાર અમુક ભૂલ અચુક કરતા રહે છે. કેટલાક દાખલા જોઈએ… ડબ્બા ટ્રેડિંગમાં આજે પણ છે સક્રિય…
દેશમાં સત્તાવાર શૅરબજાર આજે નિયમિત પારદર્શકરૂપે ચાલતું હોવા છતાં આજે પણ ગુજરાત સહિત દેશના અમુક શહેરોમાં ડબ્બા ટ્રેડિંગ પુરજોશમાં ચાલે છે, જેમાં માત્ર અને માત્ર સટ્ટો જ થાય છે. આ એવા લોકો હોય છે, જેમને કાળા નાણાંમાં રમવું હોય છે.
નિયમન તંત્ર કે આવકવેરાના દાયરામાં એ આવતું હોતું નથી. આ લોકો આવકવેરાથી અને ‘સેબી’ તેમ જ શૅરબજારના નીતિ-નિયમોથી બચવા ડબ્બા ટ્રેડિંગના સોદામાં પડે છે, પરંતુ આ લોકો એ જાણતા- સમજતા નથી કે આ સોદાઓમાં જો એ કયાંય ફસાયા તો એમની કાયદેસર રક્ષા કરવી મુશ્કેલ થશે.
આજે આ બિનસત્તાવાર ટ્રેડિંગ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે તેની જાણ ‘સેબી’ ને હોવા છતાં એ તેમાં કોઈ પગલાં લઈ શકતું નકકર કદમ ભરી શકતું નથી. કયારેક પોલીસ દરોડા પાડે તો ઠીક, બાકી આ ધંધો બેરોકટોક ચાલતો રહે છે. જોખમ લેનારા જોખમ લીધા કરે છે.
ચેતવણી છતાં એફ એન્ડ ઓ પુરજોશમાં… જયાં રોકાણકારો – ટ્રેડર્સ ભૂલ કરે યા ફસાય છે એવું બીજું મંચ ‘એફ એન્ડ ઓ’ (ફયુચર્સ- ઓપ્શન્સ) ટ્રેડિંગનું છે.
આ મામલે ‘સેબી’ અને સ્ટોક એકસચેંજની સતત ચેતવણી છતાં યુવાથી માંડી અનુભવી વર્ગ સુદ્ધાં આમાં સતત વ્યસ્ત રહે છે, જેને કારણે આ સેગમેન્ટનું વોલ્યુમ કૂદકે ને ભૂસકે વધ્યા કરે છે. આજની તારીખમાં ‘સેબી’એ ‘એફ એન્ડ ઓ’ સેગમેન્ટમાં નુકસાની કરનારના આંકડા બહાર પાડીને જણાવ્યું છે કે દસમાંથી નવ લોકો અહીં નાણાં ગુમાવે છે. આમ છતાં, આ સોદાની રકમ મર્યાદા વધારવા છતાં- લોકોને આમાં સટ્ટો કરવો જ છે.
Also Read – વ્યંગ ઃ ચૂંટણી હારેલા ઉમેદવારે આ શું કર્યું?
રોજેરોજના કસીનો ખેલાડીઓ.. આવા જ દાખલા શૅરબજારની દુનિયામાં ‘ઈન્ટ્રા ડે ટ્રેડિંગ’ના છે, જ્યાં વરસોથી ટ્રેડર્સ વર્ગ સક્રિય છે. આમાં બે પ્રકારના વર્ગ છે, એક સમયાંતરે લે-વેચ કરે છે, જેને ‘શોર્ટેસ્ટ ટ્રેડર્સ’ કહે છે અને અમુક પણ બહુ મોટો વર્ગ ‘ડે ટ્રેડર્સ’નો છે, જે રોજે-રોજ મિનિટે-મિનિટે લે-વેચ કરતા રહે છે. આ બધા પાકકા જુગારી ગણાય. એ બધા કસીનો-જુગારખાનામાં રમતા હોય એમ શૅરબજારમાં રમે છે. આવા લોકોને કારણે શૅરબજાર પણ ઘણે અંશે કસીનો બની ગયું છે. ઝટપટ નાણાંની કમાણીની લાલચમાં તેમાં કસીનો કલ્ચર સતત વિકસી રહ્યું છે. ઘણાં માટે તો આ જ રોજી રોટી છે.
અલબત્ત, આમાં કંઈ ખોટું છે એવું કહેવાનો આશય નથી. આવા ટ્રેડર્સની માર્કેટને પણ જરૂર હોય છે. પ્રવાહિતા લાવવામાં-વધારવામાં આ વર્ગ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
સાયબર દુનિયા ને સોશિયલ મીડિયાની ઠગ ટોળકી… આ વિશે એવું દઢપણે કહી શકાય કે અનેક લોકો પોતાના પગને કુહાડી પર પછાડે છે ને એમ ન હોય તો કુહાડીવાળાઓને બોલાવી પોતાના પગ આગળ કરી કહે છે: ‘માર મારા પગ પર કુહાડી…!’
આજકાલ સોશિયલ મીડિયાના માધ્યમથી સાયબર ઠગની ટોળકી લોકોને લલચાવીને જે કૌભાંડ કરે છે તે જાહેરમાં આવતા રહે છે. તેમ છતાં લોકોને સમજતા નથી. આવી ટોળકી પોતાને ‘એકસપર્ટ’ તરીકે પેશ કરી ફોન પર સારી -સારી આકર્ષક વાતો કરી, ઊંચી કમાણીના પ્રલોભન આપી છેતરતા રહે છે.
આ લોકોની ‘મોડસ ઓપરેન્ડી’ -કાર્ય પદ્ધતિ વ્યકિતદીઠ જુદી-જુદી રહે છે. હા, એમની ચાલાકીમાં એક વાત કોમન છે: બસ, લોકોને ઊંચી કમાણીની લાલચ આપો.
‘ઈન્વેસ્ટમેન્ટ ડબલ-ટ્રિપલ થઇ જશે, ૨૦૦ થી ૪૦૦ ટકા વળતર છૂટશે’ વગેરે પ્રલોભનો કામ કરી જાય છે. એમની વાત-વાયદા સાંભળી મૂર્ખાઓ મહા-મુરખ બનવા તૈયાર જ હોય છે. આવા લોકોને હાજરાહજૂર હોય ત્યારે ‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે’ એ જૂની કહેવતને બદલીને હવે એમ કહેવું પડે કે ‘લોભિયા હોય ત્યાં ધુતારા જલસા કરે…!’