તો તમે કેવા ટેકનોસેવી? મુંબઈની શિક્ષિત યુવતી આ રીતે બની ડિજિટલ અરેસ્ટનો શિકાર
મુંબઇઃ મુંબઈમાં સાયબર ફ્રોડનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બોરીવલી ઈસ્ટમાં રહેતી અને ફાર્મા કંપનીમાં કામ કરતી 26 વર્ષીય મહિલાને સાયબર ગુનેગારોએ વીડિયો કૉલ પર તેના કપડાં ઉતારવા દબાણ કર્યું હતું અને પછી તેની સાથે રૂ.1.78 લાખની છેતરપિંડી કરી હતી.
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે 19 નવેમ્બરના રોજ કૌભાંડીઓએ તેને ફોન કર્યો હતો અને પોતાની ઓળખ દિલ્હી પોલીસ ઓફિસર તરીકે આપી હતી. તેઓએ તેને કહ્યું કે હાલમાં જેટ એરવેઝના સ્થાપક-ચેરમેન નરેશ ગોયલ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં તેમની તપાસ દરમિયાન તેનું નામ બહાર આવ્યું હતું.
કૌભાંડીઓએ મહિલાને ધરપકડની ધમકી આપી હતી. વાતચીત પછી વિડીયો કોલમાં ફેરવાઈ અને તેને કહેવામાં આવ્યું કે તે ‘ડિજિટલ અરેસ્ટ’ હેઠળ છે. ગુંડાઓએ ઘણા અલગ-અલગ મોબાઈલ નંબરો પરથી ફોન કરીને તેને ધમકાવીને હોટલનો રૂમ બુક કરાવવા કહ્યું હતું. ત્યાં તેઓએ મહિલા સાથે વીડિયો કોલ પર વાત કરી અને બેંક એકાઉન્ટ વેરિફિકેશનના નામે તેની પાસે રૂ1.78 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. આટલું જ નહીં કૌભાંડીઓએ ‘બોડી વેરિફિકેશન’ના બહાને મહિલાને તેના કપડાં ઉતારવા દબાણ કર્યું હતું. આ સમગ્ર ઘટનાથી મહિલા ખૂબ જ ડરી ગઈ હતી. પાછળથી ખબર પડી કે તેને છેતરવામાં આવી છે, અને બાદમાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : Maharashtra CM: આજે એકનાથ શિંદે મુંબઈ આવશે, જાહેર કરી શકે છે મોટો નિર્ણય
મહિલાએ દહિસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જે બાદમાં અંધેરી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે આ અજાણ્યા ગુનેગારોને શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ કિસ્સો ફરી એક વખત સવાલ ઊભો કરે છે કે સાયબર ગુનેગારો લોકોને ડરાવીને અને મૂંઝવણમાં મૂકીને કેવી રીતે છેતરપિંડી કરી રહ્યા છે.
જોકે, ડ્જીટલ અરેસ્ટનો આ કંઇ એકલદોકલ કેસ નથી. અગાઉ, છેતરપિંડી કરનારાઓએ નરેશ ગોયલના નામનો ઉપયોગ કરીને ટેક્સટાઇલ જાયન્ટ વર્ધમાન ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પોલ ઓસ્વાલને સાથે રૂ. 7 કરોડની છેતરપિંડી કરી હતી.
પોલીસ જણાવે છે કે કોઈપણ સરકારી એજન્સી તપાસ માટે ફોન કે વીડિયો કોલ દ્વારા કોઈ વ્યક્તિનો સંપર્ક કરતી નથી. સાયબર ક્રાઈમથી બચવા માટે કોઈ અજાણ્યા કોલ કે મેસેજ પર વિશ્વાસ ન કરવો જોઇએ. જો કોઈ પોલીસ અથવા અધિકારી હોવાનો ઢોંગ કરે અને પૈસા માંગે તો તરત જ પોલીસને જાણ કરો.
‘ડિજિટલ અરેસ્ટ’ શું છે?
‘ડિજિટલ ધરપકડ’ એ સાયબર છેતરપિંડીનું સૌથી નવું સ્વરૂપ છે જેણે આ વર્ષે 92,000 થી વધુ ભારતીયોને અસર કરી છે. કાયદા અમલીકરણ અધિકારીઓ તરીકે દેખાતા ગુનેગારો એવા લોકોને વિડિયો કૉલ્સ કરે છે કે જેઓ તેઓ માને છે કે તેઓ સંવેદનશીલ છે, ટેક્સ અથવા કાનૂની લેણાંના નિરાકરણની આડમાં ઑનલાઇન ટ્રાન્સફર દ્વારા મોટી રકમની ઉચાપત કરે છે.