રાજ્યમાં 3 ડિસેમ્બર સુધી કડકડતી ઠંડી! જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી
મુંબઈ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં લોકોને કડકડતી ટાઢનો અનુભવ થઈ રહ્યો છે. મુંબઈની વાત કરીએ તો અહીંના લોકો ગુલાબી ઠંડીની મજા માણી રહ્યા છે.
બંગાળની ખાડીમાં ઉદભવેલુ વાવાઝોડું ફેંજલ દક્ષિણ ભારતના દરિયાકાંઠે ત્રાટક્યું છે, જેના કારણે સમગ્ર દેશના હવામાનને અસર થઈ છે. રાજ્યમાં આગામી 3 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસ છવાયેલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ટાઢા પવનોને કારણે તાપમાનનો પારો 3 થી 5 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા છે. જોકે, હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 4 ડિસેમ્બર સુધી તાપમાનમાં તીવ્ર ઘટાડો થશે. છેલ્લા કેટલાક દિવસોથી ચક્રવાત ફેંજલની અસરને કારણે રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો મોટા પાયે ગગડ્યો છે. પુણે અને કોલ્હાપુર વિસ્તારમાં લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. લોકો તાપણું કરીને અને સ્વેટર,શાલ ઓઢીને બહાર નીકળી રહ્યા છે. મુંબઈમાં પણ લોકો આલ્હાદક ઠંડી માણી રહ્યા છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું જોર વધ્યું છે, કારણ કે ઉત્તર ભારતમાંથી ઠંડી હવા આવી રહી છે. શનિવારે બંગાળની ખાડીમાંથી આવેલા ચક્રવાત તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકતાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને નિચાણવાળા વિસ્તારોમાં ઠેકઠેકાણે પાણી ભરાઇ ગયેલા જોવા મળે છે.
ચક્રવાત ફેંજલ આગળ વધી રહ્યું છે અને તેની અસર પણ જોવા મળી રહી છે. ગઈકાલે એટલે કે શનિવાર બપોરથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ચક્રવાત તમિલનાડુ અને આંધ્રપ્રદેશના કિનારા તરફ આગળ વધી રહ્યું છે. તમિલનાડુના ઉત્તર કિનારે ભારે વરસાદ પડી રહ્યો છે. આંધ્રપ્રદેશમાં પણ વરસાદનું જોર વધ્યું હોવાનું જાણવા મળ્યું છે. ભારે વરસાદ અને પવનને કારણે ચેન્નાઈ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે અને હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
વાવાઝોડુ આજે સાંજ સુધીમાં પુડુચેરી અને ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા છે.
આજે દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત ફેંજલ પુડુચેરી નજીક કરાઈકલ અને મહાબલીપુરમ ઉપર 70-80 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે હાલમાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે.
Also Read….Maharashtra CM: આજે એકનાથ શિંદે મુંબઈ આવશે, જાહેર કરી શકે છે મોટો નિર્ણય
તમિલનાડુની વાત કરીએ તો
વાવાઝોડાને કારણે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટને અસર થઈ છે. ચક્રવાતને કારણે ચેન્નાઈ એરપોર્ટ પરની ઘણી ફ્લાઈટ્સ સ્થગિત કરી દેવામાં આવી છે.
કેટલીક ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે અને 18 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. સાવચેતીના પગલાંરૂપે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. NDRFની ટીમ ઘટનાસ્થળે હાજર છે. નાગરિકોને દરિયા કિનારાની નજીક ન જવાની અને ઘરમાં જ રહેવાની તાકીદ કરવામાં આવી છે. બધા જ પ્રવાસન સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે.