આપણે ટ્રાફિકના નિયમોની ઐસીતેસી કરીએ છીએ તેનો આ છે પુરવો! અકસ્માતોમાં ભારત પહેલા ક્રમે
લખનઉ: આપણે લગભગ દરરોજ માર્ગ અકસ્માતના સમાચાર સાંભળતા કે વાંચતા હોઈએ છીએ, અકસ્માતોમાં દર વર્ષે લાખો જિંદગીઓ હોમાય જાય છે. એવામાં રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલય (Ministry of Road Transport & Highways)ના પ્રધાન નીતિન ગડકરીએ (Nitin Gadkari) ઉત્તર પ્રદેશના લખનઉમાં યોજાયેલા એક કાર્યક્રમમાં માર્ગ આકસ્માતો અંગેના ચોંકાવનારા આંકડા રજુ કર્યા હતાં. જેમાં જાણવા મળ્યું કે વાહનચાલકોની બેદરકારીને કારણે મોટાભાગના અકસ્માત થાય છે.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે ભારતમાં રોડ અકસ્માત અંગેનો 2023નો રિપોર્ટ હજુ બહાર પાડ્યો નથી. લખનઉમાં માર્ગ સુરક્ષા પર એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે ગડકરીએ આ નિવેદન આપ્યું હતું. તેમણે એ પણ ખુલાસો કર્યો કે અકસ્માતમાં કુલ મૃત્યુ પૈકી લગભગ 10,000 મૃતકો સગીર છે.
એક વર્ષમાં આટલા અકસ્માતો નોંધાયા:
રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલયના પ્રધાન નીતિન ગડકરીએ શનિવારે જણાવ્યું હતું કે ગયા વર્ષે દેશમાં 4.80 લાખથી વધુ માર્ગ અકસ્માતો નોંધાયા હતા, જેમાં 1.72 લાખથી વધુ લોકોના મોત થયા હતા. 2022ના માર્ગ અકસ્માતોના ડેટા સાથે સરખામણી કરવામાં આવે તો, અકસ્માતોમાં 4.2% નો વધારો થયો છે અને મૃત્યુમાં 2.6% નો વધારો થયો છે. 2022માં 4.61 લાખથી વધુ માર્ગ અકસ્માતો થયા હતાં અને 1.68 લાખથી વધુ જાનહાનિ થઈ હતી.
આ રાજ્યમાં સૌથી મોત:
કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીએ કહ્યું કે સૌથી મહત્વની વાત એ છે કે વિશ્વમાં સૌથી વધુ માર્ગ અકસ્માતમાં મૃત્યુ ભારતમાં થાય છે અને તેમાંથી સૌથી વધુ મૃત્યુ ઉત્તર પ્રદેશમાં થાય છે. યુપીમાં 44000 માર્ગ અકસ્માતો થયા છે અને તેમાંથી 23,650 મૃત્યુ થયા છે. તેમાંથી 1,800 મૃત્યુ 18 વર્ષથી ઓછી વયના લોકોના છે અને 10,000 રાહદારીઓ અને ટુ-વ્હીલર્સના છે. ઓવર સ્પીડને કારણે 8,726 લોકોના મોત થયા છે.
વાહન ચાલકોની બેદરકારી:
ગડકરીએ કહ્યું કે આ અકસ્માતો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે લોકોમાં કાયદાનું પાલન નથી કરતા. તેમણે આંકડા આપતા જણાવ્યું કે શાળાઓ અને કોલેજોની બહારના વિસ્તારોમાં 35,000 અકસ્માતો થયા હતાં અને 10,000 લોકોના મોત થયા છે. અકસ્માતોને કારણે કુલ 35,000 રાહદારીઓના મોત થયા છે. કુલ 54,000 મોત હેલ્મેટ ન પહેરવાને કારણે થયા છે અને 16,000 મોત સીટ બેલ્ટ ન પહેરવાના કારણે થયા છે. ઓવરલોડ વાહનોના કારણે કુલ 12,000 મોત થયા છે. માન્ય લાયસન્સ વિના ડ્રાઇવિંગ કરતા લોકોએ લગભગ 34,000 અકસ્માત માટે જવાબદાર છે. બાકીના મૃત્યુ જૂના વાહનો, જૂની ટેક્નોલોજી જેમ કે બ્રેક ન લાગવી જેવા કારણે થાય છે ”
અકસ્માતો ના ઘટ્યા:
તેમણે કહ્યું કે કંપનીઓને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં સુધારો કરવા સૂચના આપવામાં આવી છે. આ સાથે ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ કાર્યક્રમ પણ ચલાવવામાં આવી રહ્યો છે.
નીતિન ગડકરીએ કહ્યું કે “અમે એવો પ્રયાસ કરી રહ્યા છીએ કે રાજ્ય સરકાર શાળાના અભ્યાસક્રમમાં ટ્રાફિક નિયમોનો સમાવેશ કરે. અમે 2024 સુધીમાં અકસ્માતોમાં 50 ટકા સુધી ઘટાડો કરવાની વાત કરી હતી, પરંતુ તે ઘટ્યા નથી. આનો અર્થ એ છે કે આપણે વધુ કામ કરવાની જરૂર છે,”
Also Read – તમિલનાડુ અને પુડ્ડુચેરી પર ચક્રવાત ‘ફેંગલ’ત્રાટક્યા બાદ હાલ કેવી છે સ્થિતિ? જાણો
બધા રોડ્સ મારા હેઠળ નથી:
ગડકરી કહ્યું કે “અકસ્માત માટે ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે, પરંતુ સૌથી મોટું કારણ લોકોની માનસિકતા અને વર્તન છે. એ પણ સાચું છે ઘણી જગ્યાએ રસ્તાઓ પર ખાડા છે. અન્ડરપાસ અને ફૂટ ઓવર બ્રિજનો અભાવ છે. અમે આ રોડ એન્જિનિયરિંગ સમસ્યામાં બ્લેક સ્પોટ્સ શોધી કાઢ્યા છે અને લગભગ 40,000 કરોડ રૂપિયા ખર્ચીને નેશનલ હાઈવે પર આવા સ્પોટ્સને સુધારવામાં આવી રહ્યા છે. બધા રોડ્સના કામ મારા હેઠળ નથી, હું માત્ર નેશનલ હાઈવેનો પ્રદાન છું. ઘણા રાજ્ય હાઈવે અને જિલ્લા માર્ગો છે. તે રાજ્ય સરકાર હસ્તક છે. અકસ્માતનું કારણ શોધી શકાય છે અને સ્થિતિ સુધારી શકાય છે.”