કોમોડિટી : સોનામાં બેતરફી વધઘટથી જ્વેલરો અને રિટેલ ગ્રાહકો અવઢવમાં
-રમેશ ગોહિલ
વીતેલા સપ્તાહના આરંભમાં વિશ્વમાં ઈઝરાયલ-લેબેનોનના હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વિરામના સંકેતો અને અમેરિકાના નવાં ચૂંટાયેલા પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની વેપાર અને વેરાની નીતિ ફુગાવા પ્રેરિત હોવાની શક્યતાને ધ્યાનમાં લજતા ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતની ગતિ ધીમી પાડે તેવી ભીતિ સપાટી પર આવતા સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા.
જોકે, ત્યાર બાદ રશિયાએ યુક્રેનનાં એનર્જી માળખા પર હુમલો કરવાની સાથે બેલાસ્ટિક મિસાઈલ વડે વધુ હુમલાઓ કરવાની ચેતવણી આપતાં સોનામાં પુન: સલામતી માટેની માગ ખૂલતાં ભાવમાં આગેકૂચ જોવા મળી હતી. આમ મધ્ય સપ્તાહ પછીથી ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવા છતાં માસિક ધોરણે સોનાના ભાવમાં એક વર્ષનો સૌથી મોટો ત્રણ ટકા જેટલો ઘટાડો આવ્યો હતો.
વધુમાં સ્થાનિક સ્તરે પણ વિશ્ર્વ બજારને અનુસરતા સપ્તાહના આરંભે ભાવમાં નરમાઈ અને ત્યાર બાદ ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. તેમ છતાં ભાવમાં સાપ્તાહિક ધોરણે ઘટાડો નોંધાયો હતો.
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ૧૦ ગ્રામદીઠ વેરારહિત ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત બાવીસમી નવેમ્બરના રૂ. ૭૭,૭૮૭ના બંધ ભાવ સામે નરમાઈના અન્ડરટોને રૂ. ૭૬,૬૯૮ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૭૫,૪૫૧ અને ઉપરમાં રૂ. ૭૭,૦૮૧ની રેન્જમાં અથડાઈને અંતે રૂ. ૭૬,૭૪૦ની સપાટીએ બંધ રહ્યા હતા.
આમ ભાવમાં સાપ્તાહિક ધોરણે ૧.૩૪ ટકાનો અથવા તો રૂ. ૧૦૪૭નો ઘટાડો નોંધાયો હતો. તેમ જ માસિક ધોરણે ૩.૬૪ ટકાનો અથવા તો ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૮૮૯નો ઘટાડો નોંધાયો હતો. આ બેતરફી વધઘટના માહોલમાં સ્થાનિક ઝવેરી બજારમાં ગત સપ્તાહના આરંભે નીચા મથાળેથી માગ પ્રબળ રહી હતી, પરંતુ ત્યાર બાદ ભાવ વધી આવતા માગ મંદ પડી હોવાનું પૂના સ્થિત જ્વેલર પીએન ગાડગીલ ઍન્ડ સન્સના ચીફ એક્ઝિક્યુટીવ અમીત મોદકે જણાવ્યું હતું.
વધુમાં મુંબઈ સ્થિત એક ડીલરે જણાવ્યું હતું કે હવે દેશમાં લગ્નસરાની મોસમ શરૂ થઈ હોવાથી ધીમે ધીમે માગમાં વૃદ્ધિ થવાનો આશાવાદ બજારમાં સજવાઈ રહ્યો છે. જોકે, હાલ સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ત્રણ ડૉલર આસપાસના પ્રીમિયમમાં ટકેલા ધોરણે ક્વૉટ કરી રહ્યા હતા.
વધુમાં સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે ગત સપ્તાહે ઊંચા મથાળેથી નિરસ માગ વચ્ચે ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૧૯થી ૨૧ ડૉલર આસપાસના ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા. હૉંગકૉંગ સ્થિત વિન્ગ ફંગ પ્રીસિયસ મેટલ્સનાં ડીલિંગ વિભાગના હેડ પીટર ફંગે જણાવ્યું હતું કે હાલમાં સોનામાં ખરીદી માટે અમને કોઈ ઉતાવળ નથી.
ટ્રમ્પનો શાસનકાળ શરૂ થયા બાદ સોનાનું ચિત્ર સ્પષ્ટ થતાં નવી ખરીદી અંગે વિચારણા કરવાનું હિતાવહ છે. વધુમાં ગ્રેટર ચાઈના સ્થિત એમકેએસ પીએએમપીનાં રિજિનલ ડિરેક્ટર બર્નાર્ડ સિને જણાવ્યું હતું કે તાજેતરમાં સોનાના ભાવમાં જોવા મળેલો ઉછાળો મુખ્યત્વે રશિયા-યુક્રેન વચ્ચેના વિવાદ અને અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની અપેક્ષિત નવી ટેરિફ યોજનાઓને આભારી છે.
અત્રે નોંધનીય બાબત એ છે કે તજેતરમાં ટ્રેડ વૉરની ભીતિ હેઠળ ચીને તેના ચલણ રેનેમ્બીમાં ઘસારા અને સોનાની માગને પ્રોત્સાહિત કરવા માટે ચીને સોનાની આયાત માટેનો ક્વૉટા જાહેર કર્યો હોવાના અહેવાલ હતા.
રશિયાએ યુક્રેનનાં ઊર્જાનાં માળખાકીય ક્ષેત્રમાં મોટો હુમલો કર્યા બાદ સોનાના ભાવમાં ચમકારો જોવા મળ્યો હોવા છતાં વૈશ્ર્વિક ભાવમાં સાપ્તાહિક ધોરણે બે ટકા જેટલો ઘટાડો નોંધાયો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતા ઉમેર્યું હતું કે ગત સપ્તાહે જાહેર થયેલા અમેરિકાના આર્થિક ડેટા બજારની અપેક્ષાનુસાર સારા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ આગામી ૧૭-૧૮ ડિસેમ્બરની બે દિવસીય નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૭૦ ટકા ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યાં છે.
જોકે, આગામી વર્ષ ૨૦૨૫માં ફેડરલ રિઝર્વ નાણાનીતિ અંગે કેવું વલણ અપનાવશે તેના અણસારો મેળવવા માટે રોકાણકારોની નજર અમેરિકાના આર્થિક ડેટાઓ પર મંડાયેલી રહેશે.
જોકે, અમેરિકાના મજબૂત આર્થિક ડેટાને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવામાં સાવચેતીનો અભિગમ અપનાવે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે અમારા મતાનુસાર આગામી સપ્તાહ દરમિયાન વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૨૫૭૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને ૨૭૨૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થશે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૩,૫૦૦થી ૭૭,૦૦૦ની રેન્જમાં જોવા મળે તેવી શક્યતા નકારી ન શકાય.
દરમિયાન ગત સપ્તાહના અંતે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને રાજકીય-ભૌગોલિક તણાવ વધતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૬૫૨.૭૧ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૨૬૮૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં ડૉનલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા બાદ તેની અપેક્ષિત વેપાર અને વેરાની નીતિ ફુગાવાલક્ષી હોવાની શક્યતા અને વધતા ફુગાવાના સંજોગોમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપની ગતિ ધીમી પાડે તેમ જણાતા સોનાના ભાવમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ સોનાના ભાવમાં પીછેહઠ જોવા મળતાં સોનામાં માસિક ધોરણે ભાવ ત્રણ ટકા જેટલા ઘટી આવ્યા હતા. જોકે, છેલ્લાં થોડા સત્રમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ જોવા મળી હોવા છતાં માસિક ધોરણે બે ટકા જેટલું મજબૂત વલણ રહ્યું હતું.
આગામી વર્ષ ૨૦૨૫માં અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ કેવી વેપાર નીતિ અપનાવશે તેની અનિશ્ર્ચિતતા અને પ્રવર્તમાન વૈશ્ર્વિક રાજકીય-ભૌગોલિક તણાવને ધ્યાનમાં લેતા સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળતો રહેશે, એમ કિટકો મેટલ્સના વિશ્ર્લેષક જિમ વાઈકોફે જણાવતાં ઉમેર્યું હતું કે ટ્રમ્પની ટેરિફ યોજનાઓથી શક્યત: આર્થિક વૃદ્ધિમાં ઘટાડો થતાં સોનામાં સલામતી માટેની માગનો ટેકો પણ મળી શકે છે. તે જ પ્રમાણે સાક્સો બૅન્કનાં કૉમૉડિટી સ્ટ્રેટેજિસ્ટ ઓલે હાસને જણાવ્યું હતું કે વૈશ્ર્વિક અનિશ્ર્ચિતતાના સંજોગોમાં સલામતી માટેની માગ જળવાઈ રહેશે.
Also Read : જીડીપીના નિયમોમા સરકાર દાયકા પછી આ સુધારો કરશે
અત્રે નોંધનીય બાબત એ છે કે ગત ગુરુવારે ઈઝરાયલી લશ્કરે દક્ષિણ લેબેનોનમાં શંકાસ્પદ હિલચાલ જોઈ હોવાથી ઈઝરાયલે લેબેનોન પર યુદ્ધ વિરામનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમ જ રશિયાએ પણ યુક્રેન પર મોટો હુમલો કર્યો હોવાથી સોનાને રાજકીય-ભૌગોલિક તણાવનો લાભ મળી રહ્યો હોવાથી આગામી સપ્તાહે સુધારાતરફી વલણ જળવાઈ રહેવાનો આશાવાદ બજાર વર્તુળો મૂકી રહ્યા છે.