ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ટ્રમ્પે ગુજરાત મૂળના અમેરિકનને મોટી જવાબદારી સોંપી, FBIના નવા ડિરેક્ટર બનાવ્યા

વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જીત (Donald Trump) થઇ હતી, જાન્યુઆરી મહિનામાં તેઓ ઓવલ ઓફીસ સંભાળશે. એ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ મહત્વના હોદ્દાઓ માટે સક્ષમ વ્યક્તિઓને નિયુક્ત કરી રહ્યા છે, જેમાં મૂળ ભારતીયોને પણ સ્થાન મળ્યું છે. ભારતીય મૂળના વધુ એક વ્યક્તિને અમેરિકામાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ટ્રમ્પે કાશ પટેલને FBIના ડાયરેક્ટર તરીકે નોમિનેટ કર્યા છે. કાશ પટેલના માતાપિતા મૂળ ગુજરાતના છે.

ટ્રમ્પે ગઈ કાલે શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું, “મને એ જાહેરાત કરતાં ગર્વ અનુભવાય છે કે કશ્યપ ‘કાશ’ પટેલ ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) ના આગામી ડિરેક્ટર તરીકે સેવા આપશે.”

ટ્રમ્પે કાશ પટેલના ભરપુર વખાણ કર્યા:
ટ્રમ્પે લખ્યું કે, “કાશ એક તેજસ્વી વકીલ, ઈન્વેસ્ટીગેટર અને અમેરિકા ફર્સ્ટ ફાઇટર છે જેમણે તેમની કારકિર્દી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં, ન્યાયનો બચાવ કરવામાં અને અમેરિકન લોકોની સુરક્ષા કરવામાં વિતાવી છે.”

પહેલા પણ નિભાવી ચુક્યા છે આ જવાબદારી:
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન પણ કાશ પટેલને ઘણી મહત્વની જવાબદારીઓ સોંપી હતી. તેણે આતંકવાદી સંગઠન ISIS, અલ-બગદાદી અને કાસિમ અલ-રિમી જેવા અલ-કાયદાના નેતાઓને ખતમ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત કાશ પટેલે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને હાઉસ પરમેનન્ટ સિલેક્ટ કમિટી ઓન ઈન્ટેલિજન્સ માટે વરિષ્ઠ સલાહકાર તરીકે પણ કામ કર્યું હતું.

કાશ પટેલનું ગુજરાત કનેક્શન:
કાશ પટેલના માતા-પિતા મૂળ ગુજરાતના છે અને પૂર્વ આફ્રિકાના દેશ યુગાન્ડાથી કેનેડા થઈને તેઓ અમેરિકામાં સ્થાયી થયા હતા. રાજકીય અસ્થિરતાને કારણે તેમના માતા-પિતાએ 1970માં યુગાન્ડા છોડીને યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થાયી થવાનું નક્કી કર્યું. 1988માં કાશ પટેલના પિતાને અમેરિકન નાગરિકતા મળી હતી. કાશ પટેલે ગાર્ડન સિટી હાઇસ્કૂલ, લોંગ આઇલેન્ડમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો.

Also Read – અમેરિકન યુનિવર્સિટીઓ શા માટે ટ્રમ્પના શપથ લે તે પહેલા વિદેશી વિદ્યાર્થીઓને યુએસ પાછા ફરવાની અપીલ કરી રહી છે?

કાશ પટેલે 2002માં યુનિવર્સિટી ઓફ રિચમંડમાંથી ક્રિમિનલ જસ્ટિસ એન્ડ હિસ્ટ્રીમાં ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ, 2004માં તેણે યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી આંતરરાષ્ટ્રીય કાયદાનું પ્રમાણપત્ર મેળવ્યું અને 2005માં તેણે પેસ યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોમાંથી જ્યુરીસ ડોક્ટરેટની ડિગ્રી મેળવી. કાશ પટેલે કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વકીલ તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button