એક કરોડવાળો 13 વર્ષનો વૈભવ સૂર્યવંશી એક જ રનમાં આઉટ!
દુબઇ: 13 વર્ષની ઉંમરના બિહારના પ્રતિભાશાળી જુનિયર ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રોયલ્સે હજી છ દિવસ પહેલાં આઈપીએલ-ઑક્શનમાં 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને પાકિસ્તાન સામેની શનિવારની એશિયા કપ અન્ડર-19 વન-ડે મૅચમાં તેની પાસે મોટી ઇનિંગ્સની આશા રખાઈ હતી, પણ તે ફક્ત એક રન બનાવ્યા બાદ વિકેટ ગુમાવી બેઠો હતો.
શનિવારે દુબઈમાં એશિયા કપની પ્રથમ લીગ મૅચમાં ભારતનો પાકિસ્તાન સામે રોમાંચક મુકાબલામાં 43 રનથી પરાજય થયો હતો. ખરેખર તો ભારતીય ટીમ લડત આપ્યા પછી પરાજિત થઈ હતી.
પાકિસ્તાને બૅટિંગ લીધા બાદ 50 ઓવરમાં સાત વિકેટે 281 રન બનાવ્યા હતા જેમાં શાહઝૈબ ખાનના 159 રન સામેલ હતા.
ભારત વતી સમર્થ નાગરાજે ત્રણ તેમ જ મુંબઈના આયુષ મ્હાત્રેએ બે વિકેટ લીધી હતી.
ભારતીય ટીમ લડત આપ્યા બાદ 47.1 ઓવરમાં 238 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી જેમાં એક માત્ર નીખિલ કુમારની હાફ સેન્ચુરી (67 રન) સામેલ હતી.
ઓપનર વૈભવ સૂર્યવંશી ટૅલન્ટેડ બૅટર છે. જોકે શનિવારની મૅચમાં તે નવમા બૉલ પર આઉટ થઈ ગયો હતો. ભારતની કુલ નવ વિકેટ લેનાર અલી રઝાના બૉલ પર તે કેપ્ટન-વિકેટકીપર સાદ બૈગના હાથમાં કૅચઆઉટ થયો હતો. મુંબઈના ઓપનર આયુષ મ્હાત્રે (20 રન) પછી વૈભવ પણ 28 રનના ટીમ-સ્કોર પર આઉટ થઈ ગયો હતો.
ભારતે આ ટૂર્નામેન્ટમાં દસમાંથી આઠ વખત ફાઇનલ જીતીને ટ્રોફી પર કબજો કર્યો છે એટલે ભારત આ વખતે પણ ચેમ્પિયનપદ માટે ફેવરિટ છે. મોહમ્મદ અમાન ભારતનો કેપ્ટન છે.
આ સ્પર્ધામાં ભારતના ગ્રૂપ એ'માં યુએઇ તથા જાપાન પણ છે. ગ્રૂપ
બી’માં શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળ સામેલ છે. હવે ભારતની મૅચ સોમવાર, બીજી ડિસેમ્બરે (સવારે 10.30 વાગ્યાથી) જાપાન સામે રમાશે.