PMJAYમાં ખોટા ઓપરેશન કરતા હો તો ચેતી જજો, સરકારે કર્યો આ બદલાવ
અમદાવાદઃ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે લોકોના ખોટા ઓપરેશન બાદ સફળી જાગેલી સરકારે હવે પીએમજેએવાયના નિયમોમાં ફેરફાર કર્યો છે. સરકારે આ યોજના સાથે સંકળાયેલી માર્ગદર્શિકા તૈયાર કરી છે. જેનો ટૂંક સમયમાં અમલ કરવામાં આવશે. જે મુજબ એન્જિયોપ્લાસ્ટી, એન્જિયોગ્રાફીની સર્જરીનો વીડિયો અપલોડ કરવો પડશે. આ યોજનાના અમલીકરણ માટે નવું પોર્ટલ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
હોસ્પિટલની વિઝિટ કરી રિપોર્ટ મંગાવવામાં આવશે
આ ઉપરાંત બાળ રોગ, રેડિયો અને કિમોથેરાપી, કાર્ડિયોવાસ્ક્યુલર જેવા રોગની સારવારના સંદર્ભમાં પણ નવા નિયમો લાગુ પડશે. વિવિધ હોસ્પિટલોમાં થતાં કૌભાંડને ડામવા સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટને વધુ સુદ્રઢ બનાવવા રાષ્ટ્રીય એન્ટી ફ્રોડ યુનિટની મદદ લેવાશે. રાજ્ય-જિલ્લા સ્તરે નવી ટીમ બનાવી સમયાંતરે હોસ્પિટલની વિઝિટ કરી રિપોર્ટ મંગાવવામાં આવશે. સ્ટેન્ટ અને ઈમ્પ્લાન્ટ્સ ગુણવત્તાની ચકાસણી કરાશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થને ઓછામાં ઓછી બે પીએમજેએવાય હોસ્પિટલોની ઓડિટ વિઝિટ કરવી પડશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પેટેલે એક સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં ઉપરોક્ત મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
આરોપીઓને જેલમાં મોકલવામાં આવ્યા
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પકડાયેલા પાંચ આરોપી મેહુલ જૈન, સીઈઓ ચિરાગ રાજપૂત, પ્રતીક ભટ્ટ, પંકિલ પટેલ, મિલિન્દ પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તમામને જેલમાં મોકલવા આદશે કર્યો હતો. જ્યારે સંજય પટોલિયા અને રાજશ્રી કોઠારીએ આગોતરા જામીન અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે ખ્યાતિ મલ્ટિ સ્પેશિયાલિટી હૉસ્પિટલનો માલિક કાર્તિક પટેલ ધરપકડથી બચવા ભાગી રહ્યો છે.પહેલા ઑસ્ટ્રેલિયા વેકેશન માણવા ગયા પછી ત્યાંથી ન્યૂઝીલેન્ડ જતો રહ્યો હતો અને હવે કતારમાં છુપાયો હોવાની આશંકા છે.
Also Read – ગુજરાતમાં ઠંડી ભુક્કા બોલાવશે, સરકારે જાહેર કરી ગાઈડલાઈન
હૉસ્પિટલની 70 ટકા આવક સરકારી યોજનામાંથી થતી
ડૉક્ટર પ્રશાંતની ધરપકડ બાદ પકડાયેલા આરોપીની પૂછપરછમાં ક્રાઈમ બ્રાંચને જાણવા મળ્યું કે, હોસ્પિટની 70 ટકા આવક સરકારી યોજનામાંથી અને 30 ટકા આવક જનરલ ઓપીડી તથા સર્જરીથી થતી હતી. સરકાર યોજનાના માધ્યમથી હૉસ્પિટલે માર્ચ 2023થી ડિસેમ્બર 2024 સુધી 11 કરોડ રૂપિયા એક્ત્ર કર્યા હતા. ક્રાઈમ બ્રાંચને ખ્યાતિ હૉસ્પિટલમાંથી બે પ્રકારના રજિસ્ટર પણ મળ્યા છે. એકમાં પાકી અને બીજીમાં કાચી એન્ટ્રી થથી હતી. આ રેકોર્ડ સીઈઓ રાહુલ મેંટેન કરતો હતો.