હેમા ઉપાધ્યાય અને તેના વકીલની હત્યાના કેસમાં ચિંતન ઉપાધ્યાય સહિત ચારને આજીવન કેદ
મુંબઈ: અહીંની એક અદાલતે મંગળવારે કલાકાર ચિંતન ઉપાધ્યાયને તેની પત્ની હેમા ઉપાધ્યાયની હત્યાનું કાવતરું ઘડવા બદલ આજીવન કેદની સજા ફટકારી છે.
હેમા અને તેના વકીલ હરેશ ભંભાણીની ૧૧ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ હત્યા કરવામાં આવી હતી અને મૃતદેહોને કાર્ડબોર્ડ બોક્સમાં ભરીને મુંબઈના કાંદિવલી વિસ્તારમાં એક ખાઈમાં ફેંકી દેવામાં આવ્યા હતા.
દિંડોશી કોર્ટના એડિશનલ સેશન્સ જજ એસ. વાય. ભોસલેએ પાંચ ઑક્ટોબરે ચિંતનને તેની પત્નીની હત્યા માટે ઉશ્કેરણી અને કાવતરું ઘડવા બદલ દોષી ઠેરવ્યો હતો. અન્ય ત્રણ આરોપીઓ, ટેમ્પો ડ્રાઈવર વિજય રાજભર અને હેલ્પર પ્રદીપ રાજભર અને શિવકુમાર રાજભર ડબલ મર્ડર માટે દોષિત ઠર્યા હતા.
તેઓને આજીવન સખત કેદની સજા કરવામાં આવી હતી. હત્યાને અંજામ આપનાર આરોપી વિદ્યાધર રાજભર ફરાર છે. શનિવારે, સજા પર દલીલો દરમિયાન, ઉપાધ્યાયે કોર્ટને કહ્યું હતું, મારો અંતરાત્મા સ્પષ્ટ છે, મેં કોઈ ગુનો કર્યો નથી. હું નિર્દોષ છું. જો કે, કોર્ટે મને દોષિત ગણાવ્યો છે, કોર્ટ જે પણ સજા કરે તે હું સ્વીકારવા તૈયાર છું. (પીટીઆઈ)