અમદાવાદકચ્છ

Tourism: હવે રણોત્સવ જવા માટે અમદાવાદથી મળશે બસ સેવા!

અમદાવાદ: કચ્છના રણમાં ઉજવાતા રણોત્સવમાં દેશવિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે. તેઓ મોટાભાગે અમદાવાદ પહોંચીને અહીથી વાયા બસ, રેલવે કે હવાઈ મુસાફરી કરીને કચ્છ પહોંચતા હોય છે. જો કે અમદાવાદથી કચ્છ જવા માટે GSRTC અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજથી અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ, ધોરડો જવા માટે નવી વોલ્વો સીટર બસ સેવા શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: …તો કચ્છડામાં રણોત્સવ બારેમાસઃ પર્યટન વિભાગ કરી છે આ પ્રકારનું આયોજન

અમદાવાદથી ક્યારે ઉપડશે?

કચ્છ જિલ્લામાં ધોરડોમાં આયોજિત થતા રણોત્સવની મુલાકાત લેનારા મુસાફરોની મુસાફરી વધુ સરળ અને આરામદાયક બનાવવા માટે GSRTC અને પ્રવાસન વિભાગ દ્વારા 30 ઓકટોબરથી અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ, ધોરડો જવા માટે નવી વોલ્વો સીટર બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ સવારે 6 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી ઉપડશે જે વાયા કૃષ્ણનગર, ગીતામંદિર, નહેરૂનગર, સામખિયાળી, ભુજ રૂટ પર પસાર થઈને સાંજે 4 : 30 વાગ્યે ધોરડો પહોચશે.

કેટલું ચૂકવવું પડશે ભાડું?

અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ, ધોરડો જવાનું ભાડું ₹1,093+ GST છે. અમદાવાદ એરપોર્ટ પરત આવવા માટે રણોત્સવ, ધોરડોથી આ બસ બપોરે 12.00 કલાકે ઉપડશે જેનું ભાડું પણ ₹1,093 + GST છે. આ બસ સેવા દૈનિક ધોરણે સંચાલિત કરવામાં આવશે. આ બસ સેવાનો લાભ લેવા માટે નિગમની વેબસાઇટ www.gsrtc.in પર ઓનલાઇન રિઝર્વેશન પણ થઇ શકશે.

રણોત્સવના પ્રવાસીઓને મળશે આ સુવિધા

વધુમાં, ગુજરાતના પ્રવાસન વિભાગ અને GSRTC દ્વારા એક નવી પહેલ તરીકે, કચ્છના સ્થાનિક પ્રવાસન સ્થળોને એક્સપ્લોર કરવા માટે ધોરડો, રણોત્સવ ખાતે ‘ટુરિસ્ટ સર્કીટ બસ’ સેવાનો પણ પ્રારંભ કરવામાં આવશે. આ બસ સેવા થકી રણોત્સવ આવતા પ્રવાસીઓ, કચ્છના સુંદર અને આકર્ષક પ્રવાસન સ્થળો, જેવાં કે, માંડવીના પ્રવાસન સ્થળો, માતાનો મઢ, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા, નારાયણ સરોવર વગેરેની મુલાકાત લઇ શકશે.

ચાર રુટનો સમાવેશ

આ 2×2 સીટર વોલ્વો બસ સેવાના 4 રૂટ છે, જેમાં

1) ધોરડો – માતાનો મઢ – ધોરડો


2) ધોરડો – માંડવી – ધોરડો


3) ધોરડો – ધોળાવીરા – ધોરડો


4) ધોરડો–માતાનો મઢ–નારાયણ સરોવર–ધોરડોનો સમાવેશ થાય છે


રૂટ 1 અને 2 માટેનું ભાડું પ્રતિ વ્યક્તિ ₹700+ GST તેમજ રૂટ 3 અને 4 માટેનું ભાડું પ્રતિ વ્યક્તિ ₹800+GST છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા આ વર્ષે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન 3 મહિના માટે સફેદ રણ ખાતે આયોજિત થતો રણોત્સવ આજે દેશ-વિદેશના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. લાખો પ્રવાસીઓ સફેદ રણના સૌંદર્યને માણવા અને કચ્છી સંસ્કૃતિનો લ્હાવો લેવા માટે રણોત્સવ આવે છે. ત્યારે, પ્રવાસન વિભાગ અને GSRTC દ્વારા શરૂ કરવામાં આવેલી આ બસ સેવાઓ પ્રવાસીઓને વધુ સરળ પરિવહન સુવિધા પૂરી પાડશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button