ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ટીમ ઇન્ડિયાને મળ્યા, ફોટા પડાવ્યા અને કૉમેન્ટેટરી આપવા ગયા, પણ…
ઍન્થનીએ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના મુકાબલાને ઍશિઝ કરતાં પણ વધુ ઉગ્ર ગણાવ્યો
કૅનબેરાઃ અહીં મૅનુકા ઓવલ સ્ટેડિયમમાં ભારત અને પીએમ ઇલેવન વચ્ચે શનિવારે સવારે બે દિવસીય પિન્ક બૉલ પ્રૅક્ટિસ મૅચનો પહેલો દિવસ વરસાદને લીધે સાવ ધોવાઈ ગયો હતો, પરંતુ એ પહેલાંની ઇવેન્ટ્સ રોમાંચક હતી. મૅચ પહેલાં ભારતીય ખેલાડીઓ સફેદ ટેસ્ટ-ડ્રેસમાં સજ્જ હતા અને ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની અલ્બાનેઝ તેમને મળવા આવ્યા હતા. બે દિવસ પહેલાં ઍન્થની ભારતીય ટીમને મળ્યા જ હતા, શનિવારે વૉર્મ-અપ મૅચ પહેલાંની બીજી મુલાકાત પણ રસપ્રદ રહી હતી.
આ પણ વાંચો : ભારત-પાકિસ્તાન વચ્ચે શરૂ થયો છે રોમાંચક ક્રિકેટ મુકાબલો… જાણી લો ક્યાં અને કઈ સ્પર્ધામાં…
ઍન્થનીએ ભારતીય ખેલાડીઓ સાથે (ખાસ કરીને વિરાટ કોહલી સાથે) વાતચીત કરી હતી, તેમની સાથે ફોટા પડાવ્યા હતા અને પછી એક જાણીતી સ્પોર્ટ્સ ચૅનલ પર પોતાના મંતવ્યો આપવા ગયા હતા.
ઍન્થની ખરેખર તો આ પ્રૅક્ટિસ-મૅચમાં થોડી કૉમેન્ટરી આપવા માગતા હતા, પરંતુ મૅચ શરૂ જ નહોતી થઈ શકી. દરમ્યાન તેમણે ચૅનલ પર એટલું જરૂર કહ્યું હતું કે બહોળી વસતી ધરાવતા ભારતમાં ક્રિકેટનો જબરદસ્ત ક્રેઝ છે. આઇપીએલની જ વાત કરીએ…આ ટૂર્નામેન્ટ વૈશ્વિક ક્રિકેટનો બહુ મોટો હિસ્સો છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હું ટેસ્ટ મૅચ જોવા ગયો હતો ત્યારે હજારો પ્રેક્ષકોનો ઉત્સાહ અદ્દભુત હતો. વિશ્વના કોઈ પણ સ્ટેડિયમ કરતાં અમદાવાદના આ સ્ટેડિયમમાં સૌથી વધુ પ્રેક્ષકો બેસી શકે એટલી સીટ છે. લોકોમાં ક્રિકેટ પ્રત્યેનું તેમનું પૅશન લાજવાબ છે.
ઍન્થનીએ ભારત-ઑસ્ટ્રેલિયા ક્રિકેટ પર વધુ કહ્યું હતું કેઅમે (ઑસ્ટ્રેલિયન ટીમ) લંડનમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં સામસામે રમ્યા હતા અને અમે એમાં જીતવામાં સફળ પણ થયા હતા, પરંતુ વર્તમાન સિરીઝની વાત જ જુદી છે.
આ પણ વાંચો : પાકિસ્તાનને આઇસીસીએ આપી દીધી મહેતલ…
બન્ને ટીમ વચ્ચેની ખરી હરીફાઈ આ સિરીઝમાં જોવા મળી રહી છે. મારા મતે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેનો મુકાબલો (ઇંગ્લેન્ડ સામેની) ઍશિઝ કરતાં પણ વધુ ઉગ્ર હોય છે. આવી લાંબી સિરીઝ વધુ રમાય એવું મારું સૂચન છે. અગાઉ ત્રણ ટેસ્ટની સિરીઝો રમાતી હતી, પણ આ પાંચ મૅચની શ્રેણી છે. 26મી ડિસેમ્બરની બૉક્સિંગ-ડે ટેસ્ટ વખતે મજા પડી જશે. એ મૅચ જોવા 1,00,000 જેટલા લોકો આવશે. ઑસ્ટ્રેલિયન પર્યટન ક્ષેત્ર માટે એ બહુ સારા સંકેતો છે.
ભારત-ઑસ્ટ્રેલિયાની 26મી ડિસેમ્બરની બૉક્સિંગ ડે ટેસ્ટ મેલબર્નમાં રમાવાની છે.