વિધાનસભાની ચૂંટણીના પરિણામ પારદર્શકતાના અભાવનું પ્રતિબિંબ: પટોલે…
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીના પરિણામ પારદર્શકતાના અભાવનું પ્રતિબિંબ હોવાનો દાવો કરતા મહારાષ્ટ્ર કૉંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ શનિવારે કહ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા અંગેની લોકોની શંકાનો ઉકેલ સરકાર અને ચૂંટણી પંચે લાવવો જોઇએ.
આ પણ વાંચો : બહુચર્ચિત સબમરીન પ્રોજેક્ટ આખરે સિંધુદુર્ગને મળ્યો, કેન્દ્ર દ્વારા 47 કરોડ મંજૂર
તેમણે મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામોને ‘લોકશાહીની હત્યા’ તરીકે લેખાવ્યા હતા.
રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ (ઇવીએમ)ના કથિત દુરુપયોગ સામે પુણેમાં વિરોધ કરનારા સામાજિક કાર્યકર બાબા આધવ સાથે પોતે ચર્ચા કરી હોવાનું પટોલેએ ‘એક્સ’ પર જણાવ્યું હતું.
૯૦ વર્ષના આધવે સામાજિક સુધારક જ્યોતિબા ફુલેના નિવાસસ્થાન ફુલે વાડા ખાતે ત્રણ દિવસ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.
‘મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પારદર્શકતાનો અભાવ જોવા મળ્યો હતો. અમારું માનવું છે કે આ પરિણામ લોકશાહીની હત્યા સમાન છે. લોકો જ્યારે ચૂંટણી પ્રક્રિયા પર શંકા કરી રહ્યા છે ત્યારે સરકાર અને ચૂંટણી પંચની જવાબદારી છે કે તેઓએ લોકોની શંકા દૂર કરવી જોઇએ’, એમ પટોલેએ વધુમાં જણાવ્યું હતું.
‘ડૉ. બાબા આધવ પુણેના મહાત્મા ફુલે વાડામાં આ અંગે વરોધ કરી રહ્યા છે ત્યારે લોકશાહીના રક્ષણ માટે અમે પણ તેમની સાથે છે’, એમ પટોલેએ વધુમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : ખુદ નેતાના ખુલાસા બાદ પણ મુખ્ય પ્રધાનપદ માટે આ ચહેરાની ચર્ચાઃ ફડણવીસને પક્ષ ફરીથી આપશે ઝટકો?
વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષોને મળેલી જોરદાર માત બાદ ઇવીએમ સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાના આક્ષેપો તેમના તરફથી કરાઇ રહ્યા છે.