હૅઝલવૂડ ભારત સામેની બીજી ટેસ્ટમાં નહીં રમે, પણ ઑસ્ટ્રેલિયાને સારો વિકલ્પ મળી ગયો
ઍડિલેઇડઃ પર્થની પ્રથમ ટેસ્ટમાં માત્ર 34 રનમાં કુલ પાંચ વિકેટ લેનાર ફાસ્ટ બોલર જૉશ હૅઝલવૂડ કમરના ડાબી બાજુના સ્નાયુઓના દુખાવાને કારણે ઍડિલેઇડની બીજી ટેસ્ટમાં નથી રમવાનો એટલે તેના સ્થાને 35 વર્ષના રાઇટ-હૅન્ડ ફાસ્ટ બોલર સ્કૉટ બૉલેન્ડને રમવાનો મોકો મળશે. જોકે શૉન અબૉટ અને બે્રન્ડન ડૉગેટને પણ ઑસ્ટ્રેલિયાની સ્ક્વૉડમાં સમાવવામાં આવ્યા છે. આ ત્રણેયમાં બૉલેન્ડ પર પસંદગીનો કળશ ઢોળાશે એવી વધુ સંભાવના છે.
બૉલેન્ડ અગાઉ શુભમન ગિલને એક ટેસ્ટના બન્ને દાવમાં અને વિરાટ કોહલીને એક દાવમાં આઉટ કરી ચૂક્યો છે. એ જોતાં, ગિલ અને વિરાટે બૉલેન્ડના બૉલનો સામનો કરવામાં ખાસ તકેદારી રાખવી પડશે.
બૉલેન્ડનો ઑસ્ટ્રેલિયાની ધરતી પર બહુ સારો રેકૉર્ડ છે. તે છ મૅચમાં 12.21ની ઉત્કૃષ્ટ બોલિંગ સરેરાશે 28 વિકેટ લઈ ચૂક્યો છે. તેણે ટેસ્ટ-કરીઅરમાં કુલ 10 મૅચમાં 35 વિકેટ લીધી છે. ટેસ્ટ સહિતની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તે 107 મૅચમાં 384 વિકેટ લઈ ચૂક્યો છે.
આપણ વાંચો: ENG vs NZ: ટેસ્ટ મેચ દરમિયાન દર્શકો મેદાનમાં દોડી આવ્યા, પોતાની રીતે ક્રિકેટ મેચ રમવાનું શરૂ કર્યું
ભારત-ઑસ્ટ્રેલિયાની બીજી ટેસ્ટ છઠ્ઠી ડિસેમ્બરથી ઍડિલેઇડમાં રમાશે. આ પિન્ક બૉલ ડે/નાઇટ ટેસ્ટ જીતીને પાંચ મૅચની સિરીઝમાં 2-0થી સરસાઈ લેવાનો ભારતીય ટીમને મોકો મળશે. જોકે ઍડિલેઇડની પિન્ક બૉલ ડે/નાઇટ ટેસ્ટમાં કાંગારૂઓનો 100 ટકા સફળતાનો રેકૉર્ડ છે. તેઓ આ સ્થળે તમામ સાત ડે/નાઇટ ટેસ્ટ જીત્યા છે.
ઑસ્ટ્રેલિયાએ ગઈ સીઝનમાં પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડિઝ અને ન્યૂ ઝીલૅન્ડ સામેની સિરીઝમાં કુલ મળીને સાત ટેસ્ટમાં એકસરખી પ્લેઇંગ-ઇલેવન રાખી હતી. હૅઝલવૂડ પર્થની ભારત સામેની ટેસ્ટ હૅઝલવૂડની સતત 10 મૅચ હતી જેને લીધે તે કમરના સ્નાયુઓની ઈજાનો શિકાર થયો છે.
આપણ વાંચો: ભારત-ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ વચ્ચે આવ્યા દુખદ સમાચાર, યુવા ક્રિકેટરનું નિધન થયું…