…તો કચ્છડામાં રણોત્સવ બારેમાસઃ પર્યટન વિભાગ કરી છે આ પ્રકારનું આયોજન
ભુજઃ દરેક ઋતુમાં આહલાદક એવા કચ્છના ગુણગાન સાહિત્યમાં પણ ગાવામાં આવ્યા છે. આખી દુનિયાને કચ્છની મુલાકાતે ખેંચી લાવનાર રણોત્સવ હાલમાં ચાલી રહ્યો છે અને આ પર્યટન સ્થળ પર્યટકોમાં હંમેશાં પ્રિય રહ્યું છે. અત્યાર સુધી અહીં શિયાળાના ચાર કે સાડાચાર મહિના ટેન્ટસિટિ બનાવાતું હતું અને પર્યટકો આવતા હતા, પરતુ હવે બારેમાસ આ સુવિધા રહે તેવું આયોજન રાજ્ય અને કેન્દ્રની સરકાર કરી રહી છે.
આખુ વર્ષ ધમધમશે ધોરડોનું રણ
કચ્છના ભાતીગળ ધોરડો ગામના અદભુત સફેદ રણમાં છેલ્લા ૧૯ વર્ષથી યોજાઈ રહેલા રણોત્સવમાં શિયાળાના માત્ર ચાર મહિના પૂરતી ઊભી થતી તંબુ નગરી હવે સંભવત: આવતા વર્ષથી આખું વરસ ચાલી શકે તે માટે પ્રવાસન વિભાગ અને કચ્છના વહીવટી તંત્રે સંયુક્ત રીતે કામગીરી આરંભી છે.
Tourism: દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષનાર ‘રણોત્સવ’નો રંગારંગ પ્રારંભ; શું છે વિશેષતાઓ..
ભારત સરકારના પર્યટન વિભાગની ટુકડીએ આ વર્ષ દરમ્યાન શ્વેત રણની મુલાકાત લીધા બાદ જિલ્લા સમાહર્તા અમિત અરોરા સાથેના પરામર્શ અને ધોરડોને બારમાસી પર્યટન નગરી તરીકે વિકસાવવું હોય એ માટે નવેસરથી આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
હાલે કચ્છના વહીવટી તંત્રએ રાજ્યના પ્રવાસન વિભાગ સાથે મળીને આ આયોજન માટેની જવાબદારી ભુજના પ્રાંત અધિકારી ડો.અનિલ જાદવને સોંપવામાં આવી છે.
ડો. જાદવે ધોરડોનો રણોત્સવ આખું વરસ ધમધમે તેવા પ્રયાસો શરૂ કરાયા હોવાના અહેવાલોને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, વર્ષ દરમ્યાન બે વાર અહીં મુલાકાત લેવા આવેલી કેન્દ્ર સરકારની પર્યટન ટુકડીએ અહીં સર્વે કરીને સૂચવેલા ફેરફારોના સકારાત્મક પરિણામ આવતા વર્ષે રણોત્સવમાં જોવા મળશે.
યુરોપ, અમેરિકા જેવા પ્રદેશોમાં જે રીતે કોઇ પર્યટન સ્થળનો વિકાસ થાય છે એ જ પદ્ધતિ અહીં અપનાવવામાં આવશે. અત્યારે ૪૦૦ ટેન્ટ્સની તંબુ નગરી ઉપરાંત અન્ય ખાનગી ૨૦૦ જેટલા ટેન્ટ, ૧૦૦થી વધુ કાયમી કચ્છી ભૂંગા ઉપરાંત ૨૦૦થી વધારે ધોરડોની આસપાસના ગામોમાં હોમસ્ટે રૂપે તંબુ તાણવામાં આવ્યા છે. ભાતીગળ પ્રદેશ બન્ની વિસ્તારમાં ભીરંડિયારાથી શરૂઆત અને ધોરડોના અંતિમ ગામ સુધી ચાર મહિના સતત પ્રવાસીઓનું આવાગમન રહેતું હોવાથી કરોડો રૂપિયાની રોજગારીની તકો ખૂલે છે.
આવી હશે પરિવહન સહિતની વ્યવસ્થા
જો આ પ્રકલ્પ કાયમી ધોરણે ચલાવવામાં આવે તો પર્યટકો શિયાળા સિવાયના દિવસોમાં પણ આવી શકે છે એટલે વ્યવસ્થા વધારવામાં આવી રહી છે. રાજ્યનો પર્યટન વિભાગ હયાત તંબુ નગરી ઉપરાંત નજીકમાં જ આવું જ સી-આકારના કલસ્ટરવાળું ૪૦૦ તંબુ સાથેનું નવું ટેન્ટ સિટી બનાવવા માગે છે અને પ્રવાસીઓની સુગમતા અને માળખાંકીય સુવિધા ન બગડે એ દિશામાં પણ કેટલાક નિર્ણય લેવામાં આવી રહ્યા છે.
ડો.જાદવે વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી પ્રવાસીઓ પાસેથી ઊંચો ભાવ વસૂલીને ખાનગી વાહનો વોચ ટાવર સુધી લઇ જતાં હતાં. આ સમસ્યાને હળવી કરવા ધોરડોના સબરસ બસ સ્ટેશન પાસે મોટી અને સિક્યોર્ડ પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
અહીં ખાનગી વાહનો પાર્ક કરી બસ સ્ટેશનથી રણોત્સવ માટે જ ફાળવવામાં આવેલી ૧૦ એસ.ટી. બસમાં સ્ટેશનથી રૂા. ૪૦માં મોટા અને રૂા. ૨૦માં નાનાં બાળકો પાસેથી લઇ એસ.ટી. બસ હોપ ઓન સેવા દ્વારા સફેદ રણ સુધી પ્રવાસીઓ લઇ જશે અને પરત અહીં મૂકી દેશે. સીમા સુરક્ષા દળની ચોકીથી સફેદ રણ સુધી વોચ ટાવર સુધી ત્રણ રસ્તા બનાવવામાં આવ્યા છે. એક માર્ગ એસ.ટી. બસ માટે, એક ઊંટગાડી અને એક પગપાળા જવા માંગતા પ્રવાસીઓ માટે બનાવવામાં આવતાં પોતાની પસંદગી પર્યટકો જાતે જ કરી શકશે, પણ કોઇ ખાનગી વાહન લઇ જવાશે નહીં.
સફાઈ માટે સરકારનો ખાસ પ્લાન
તાજેતરમાં આ રણ વિસ્તાર, ટેન્ટ સિટી, રોડ ટૂ હેવન વિસ્તારમાં પ્લાસ્ટિક ફ્રી ઝોનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવાથી આ કામ માટે સફાઇ વ્યવસ્થા જાળવવા ૧૦૦ સફાઇ કર્મચારી પ્રવાસન વિભાગ ફાળવશે, નિયમિત સફાઇ કરાવવામાં આવશે. એડવેન્ચર ઝોન પણ અલગ પાડવામાં આવ્યા છે. ટિકિટ કાઉન્ટર બેના બદલે ચાર કરી દેવામાં આવ્યા છે. અત્યારે પરમિટ ભીરંડિયારા તો મળે જ છે તેમ છતાં ધોરડોના બસ સ્ટેશન પાસે પરમિટ તુરંત મળી જાય એ વ્યવસ્થા છે, હાઈ ડેફિનેશન સી.સી.ટીવી કેમેરા મૂકવામાં આવશે. માત્ર ચાર મહિના રણોત્સવ સીમિત ન બને એ રીતે આઠ મહિના અથવા વરસાદ ન પડે ત્યાં સુધી યોજાય એવું આયોજન પ્રવાસન વિભાગ કરે છે અને વ્યવસ્થા વહીવટી તંત્ર કરશે એમ પ્રાંત અધિકારીએ ઉમેર્યું હતું.
ચોમાસાની ઋતુમાં મુશ્કેલી
દરમ્યાન, ધોરડોના સરપંચ અને સરકારની સહાયથી બનેલા ગેટ-વે રણ રિસોર્ટનું સંચાલન કરતા મિંયા હુસેન મુતવાએ આ અંગે જણાવ્યું હતું કે, ચોમાસામાં ભારે વરસાદ પડે છે ત્યારે અહીં વ્યવસ્થા જાળવવાનું કામ અશક્ય છે છતાં સાત-આઠ મહિના રણોત્સવ ચલાવી શકાય, જો આયોજન લંબાવાય તો રોજગારી વધી શકે છે. ગરમીના દિવસો ભલે હોય છે પણ જૂન સુધી રણમાં સફેદી જોવા મળે છે. જો રણોત્સવની સમયમર્યાદા વધે તો ફાયદો થઇ શકે એવો તેમણે મત વ્યક્ત કર્યો હતો.
ભીરંડિયારાથી ધોરડો સુધી આવતા હોડકો, ગોરેવલી સહિતના અનેક ગામોમાં ખાનગી હોમસ્ટેની વ્યવસ્થા વધી જતાં એક હજાર પ્રવાસીઓ રોકાઇ શકે છે. ધોરડોના સરપંચ મિંયા હુસેન મુતવાએ વધુમાં જણાવ્યું હતું કે, અંદાજે ૪૫ જેટલા નાના-મોટા ખાનગી રિસોર્ટ હાલ અહીં ધમધમી રહ્યા છે.
ધોરડો ગામની બહાર પણ આવા રિસોર્ટ કમ મોટેલની સંખ્યા પણ સતત વધી રહી હોવાનું મુતવાએ ઉમેર્યું હતું.