‘બાંગ્લાદેશમાં હિંદુઓ સુરક્ષિત છે’ વાસ્તવિકતા પર ઢાંકપિછોડો કરી રહી છે યુનુસ સરકાર
ઢાકાઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને લઈને ભારત સહિત વિશ્વભરમાં ભારે ચિંતા અને રોષ છે. ઈસ્કોન સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ બાદ એક વાત તો ચોક્કસ છે કે શેખ હસીનાની સરકાર ગયા બાદ ત્યાં હિન્દુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે, પણ ત્યાંની રખેવાળ સરકાર આ વાત માનવા તૈયાર નથી. ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે બાંગ્લાદેશના મુહમ્મદ યુનુસ સરકારના પ્રેસ સચિવ શફીકુલ ઈસ્લામે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે બાંગ્લાદેશમાં હિંદુઓ “સુરક્ષિત” છે અને દેશમાં લઘુમતીઓને કોઈ ખતરો નથી.
બાંગ્લાદેશના એક વકીલે એક વકીલે દેશમાં ઈસ્કોનની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધની માંગ કરતી અરજી કરી હતી, જેને બાંગ્લાદેશ હાઈકોર્ટે નકારી કાઢી હતી. શફીકુલ ઈસ્લામે એક ઈન્ટરવ્યુમાં ઈસ્કોન પર પ્રતિબંધ મુકવાના મુદ્દે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ સરકારનો ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા ચેતના (ઈસ્કોન) પર પ્રતિબંધ મૂકવાનો કોઈ ઈરાદો નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ કેસની સુનાવણી વિશે જાણતા નથી, પરંતુ બાંગ્લાદેશમાં ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં.
આ પણ વાંચો…દેશમાં GDP 2 વર્ષના તળિયે, મુખ્ય આર્થિક સલાહકારે કહી આ વાત
બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયો વચ્ચે ફાટી નીકળેલી તાજેતરની હિંસા અંગે પ્રતિક્રિયા આપતા શફીકુલ ઈસ્લામે જણાવ્યું હતું કે બાંગ્લાદેશ વિરુદ્ધ ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અહીં હિન્દુઓ સુરક્ષિત છે. શફીકુલ ઈસ્લામે મીડિયા સંસ્થાઓને બાંગ્લાદેશ આવવા અને વાસ્તવિકતાની ખાતરી કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં શરૂઆતના થોડા દિવસોમાં હિંસા જોવા મળી હતી, પણ હવે સ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે ચિન્મય દાસના કેસમાં ન્યાયી સુનાવણીની વાત કરતા જણાવ્યું હતું કે સરકાર ચિન્મય દાસને ન્યાયી ટ્રાયલ મળે તે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
ભારતે બાંગ્લાદેશ સરકાર સમક્ષ હિંદુઓ અને અન્ય લઘુમતિઓ પર થઇ રહેલા અત્યાચાર અને હિંસાનો મુદ્દો ઉઠાવ્યો છે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં ભરવાની અપીલ કરી છે.