નવી દિલ્હીઃ ભારતીય અર્થતંત્રને લઈ મોટા સમચાર છે. મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરે બીજા ત્રિમાસિકમાં જીડીપી દર 5.4 ટકા રહ્યો તેને નિરાશાજનક ગણાવ્યો હતો. તેમ છતાં તેમણે ચાલુ નાણાકીય વર્ષ માટે 6.5 ટકાનો આર્થિક વૃદ્ધિનો અંદાજ ખતરામાં નથી તેમ કહ્યું હતું. આર્થિક સમીક્ષા અનુમાન મુજબ, નાણાકીય વર્ષ 2024-25માં જીડીપી 6.5 થી 7 ટકાના દરે વધશે. જે ગત વર્ષના 8.2 ટકાના દરથી ઓછો છે.
2 વર્ષના નીચલા સ્તર પર આર્થિક વિકાસ
સત્તાવાર આંકડા મુજબ, બાંધકામ અને ખનન ક્ષેત્રમાં ખરાબ પ્રદર્શન છતાં નબળી માંગના કારણે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં આર્થિક વૃદ્ધિ દર લગભગ બે વર્ષના નીચલા સ્તર 5.4 ટકા પર આવી ગયો છે. જે એક વર્ષ પહેલાના સમાન ગાળામાં 8.1 ટકાના દરે વધ્યો હતો. તેમણે કહ્યું, જીડીપી દર 5.4 ટકો હોવો ખરેખર નિરાશાજનક છે.
Also read:તમામ દેશી આયાતી તેલમાં ઉછાળો: આ એક તેલમાં ઘટાડો
કૃષિ ક્ષેત્રનું પ્રદર્શન
કૃષિ ઉપરાંત તેની સાથે જોડાયેલા ક્ષેત્રોનું પ્રદર્શન આ ત્રિમાસિકમાં સારું રહ્યું છે. ખરીફ ખાદ્ય પાકનું રેકોર્ડ ઉત્પાદન અને રવી પાકની આશાજનક સંભાવના કૃષિ આવક અને ગ્રામીણ માંગ માટે શુભ સંકેત છે. મુખ્ય આર્થિક સલાહકારે કહ્યું, બીજા ત્રિમાસિકના આંકડાના આધારે એવું ન કહી શકાય કે અર્થતંત્ર પર મોટો ખતરો છે. આગામી સમયમાં સ્થિર માંગ અને સર્વિસ ક્ષેત્રની ગતિવિધિ દ્વારા અર્થતંત્રને મજબૂતી મળવાનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.