આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહાયુતિના નેતાઓ ફરી દિલ્હી જશે! સરકારની સ્થાપનામાં કેમ વિલંબ?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મહાયુતિને સ્પષ્ટ બહુમતી મળ્યાને એક સપ્તાહ વીતી ગયું હોવા છતાં રાજ્યમાં નવી સરકારની રચના થઈ શકી નથી. ભાજપ અને શિવસેનાના શિંદે જૂથ અને એનસીપીના અજિત પવાર જૂથ વચ્ચેની મડાગાંઠ હજી ઉકેલાઈ નથી. આથી રાજ્યમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં વિલંબ થઈ રહ્યો છે તે અંગે સામાન્ય જનતાને પ્રશ્ર્ન થઈ રહ્યો છે. મહાયુતિએ હજુ સુધી વિધાનસભાના નેતાની પસંદગી કરી નથી.

નવી સરકારમાં મુખ્ય પ્રધાનૉપદ કોને આપવામાં આવશે તે નક્કી થઈ શક્યું ન હોવાથી સરકારના શપથગ્રહણ કાર્યક્રમમાં વિલંબ થઈ રહ્યો છે. ગુરુવારે રાત્રે મળેલી મહાગઠબંધનના નેતાઓની બેઠક બાદ ભાજપને મુખ્ય પ્રધાનપદ મળશે તેવું કહેવાય છે અને મુખ્ય પ્રધાનપદ માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ નક્કી કરવામાં આવ્યું છે.

જો કે એવી ચર્ચા ચાલી રહી છે કે ફડણવીસનું નામ મુખ્ય પ્રધાનપદ માટે નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ સવાલ એ ઊભો થયો છે કે ભાજપે હજુ સુધી તેના વિધાનસભા સભ્યોના પક્ષના નેતાની પસંદગી કેમ કરી નથી. તેમજ વિધાનસભાના નવા ચૂંટાયેલા સભ્યો અને પક્ષના નિરીક્ષકોની બેઠક અંગે પણ કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો :વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પરિવારના ઉમેદવારોનો દબદબો, પણ જીત્યા ૩૦ ટકા

સૂત્રોના જણાવ્યા અનુસાર આ શનિવાર અને રવિવારે અમાસ છે. તે દિવસે કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. તેથી તે દિવસે ભાજપના વિધાનસભ્યોની બેઠક થવાની શક્યતા ઓછી છે. રવિવાર બપોર સુધી અમાસ છે. આથી આગામી દિવસોમાં વિધાનસભ્યોની બેઠક બાદ નવી સરકાર શપથ લે તેવી શક્યતા છે.


આમ તો મુખ્ય પ્રધાનપદનો વિવાદ ઉકેલાઈ ગયો છે, પરંતુ કેબિનેટમાં બેઠકો અને વિભાગોની ફાળવણીને લઈને મહાયુતિમાં અણબનાવ સર્જાયો છે. ભાજપ મુખ્ય પ્રધાનપદ સહિત ઓછામાં ઓછા 20 પ્રધાનપદ ઈચ્છે છે. જ્યારે એકનાથ શિંદેની શિવસેનાને 10થી 12 પ્રધાનપદ જોઈએ છે. અજિત પવાર જૂથ પણ 8 થી 10 પ્રધાનપદાં ઈચ્છે છે. તેની સાથે અજિત પવાર જૂથની નજર નાણાં મંત્રાલય પર છે. દરમિયાન, અમાસના અંત પછી, મહાયુતિના નેતાઓ ફરી એકવાર દિલ્હી જાય તેવી શક્યતા છે. એવું પણ કહેવાય છે કે ત્યાં અમિત શાહ સાથે બીજી મુલાકાત થશે અને તેમાં અંતિમ ચિત્ર તૈયાર થયા પછી રાજ્યમાં સરકારનું ગઠન થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button