ગાઝાપટ્ટી પર ઈઝરાયલના સતત હવાઈ હુમલા
અત્યાર સુધીમાં ૧,૬૦૦થી વધુનાં મોત
જેરુસલેમ: ઈઝરાયલના યુદ્ધવિમાનોએ મંગળવારે ઈસ્લામિક આતંકવાદી જૂથ હમાસનો ગઢ ગણાતા ગાઝા વિસ્તારને ઘમરોળ્યું હતું અને ભારે બૉમ્બમારો કર્યો હતો. હમાસના અંદાજે ૧,૫૦૦ જેટલા આતંકવાદીઓના મૃતદેહ ઈઝરાયલની જમીન પર મળી આવ્યા હતા, એમ તેમણે કહ્યું હતું.
હમાસના આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ ઈઝરાયલના વડા પ્રધાને કહ્યું હતું કે આ હુમલાનો અમે એવો વળતો જવાબ આપીશું જેનો પડઘો પેઢીઓ સુધી પડતો રહેશે.
ચાર દિવસથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછાં ૧,૬૦૦ જણનાં મોત થયા છે.
ઈઝરાયલે દાયકાઓ બાદ પ્રથમ જ વખત સામસામો ગોળીબાર નિહાળ્યો હતો અને પડોશી ગાઝાપટ્ટી પર વળતો હુમલો કરી તેને કાટમાળમાં ફેરવી નાખ્યું હતું. હમાસે પણ ધમકી આપી હતી કે ઈઝરાયલ દ્વારા જો આગોતરી ચેતવણી વિના નાગરિકો પર હુમલો
કરવામાં આવશે તો બાનમાં રાખવામાં આવેલા ઈઝરાયલીઓની હત્યા કરવામાં આવશે. હમાસના આ નિવેદને બંને દેશ વચ્ચેના યુદ્ધને વેગ આપ્યો છે.
ઈઝરાયલની સેનાએ કહ્યું હતું કે સરહદી વિસ્તાર પર અમે સંપૂર્ણ અને દક્ષિણ વિસ્તારમાં અસરકારક અંકુશ મેળવી લીધો છે. દેખીતી રીતે જ હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલની સેના અને ગુપ્તચર સંસ્થાઓને ઉંઘતા ઝડપી લઈ હુમલો કર્યા બાદ ઈઝરાયલની જમીન પરથી ૧૫૦ કરતા વધુ સૈનિકો અને નાગરિકોને બાનમાં લીધા હતા.
હવે ઈઝરાયલ ગાઝાપટ્ટી પર જમીન માર્ગે હુમલો કરે છે કે નહીં તે જોવાનું રહે છે. છેલ્લે વર્ષ ૨૦૧૪માં ઈઝરાયલે ગાઝા પર જમીન માર્ગે હુમલો કર્યો હતો.
ગાઝા નજીકના વિસ્તારમાંથી હજારો ઈઝરાયલીઓને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા અને સરહદી વિસ્તારની સુરક્ષા માટે ટૅન્કો અને ડ્રોન ગોઠવી દેવામાં આવ્યા હતા.
ઈઝરાયલે કરેલા હવાઈહુમલા બાદ ગાઝામાં હજારો લોકો અન્ય સ્થળે સ્થળાંતર કરી ગયા હતા.
ઈઝરાયલના વડા પ્રધાન બૅન્જામિન નૅત્યાન્હૂએ કહ્યું હતું કે હજુ તો અમે માત્ર હમાસના આતંકવાદીઓને નિશાન બનાવીને જ હુમલા કરવાનું ચાલુ કર્યું છે. દુશ્મનો સાથે અમે જે કરીશું તેનો પડઘો આવનારી પેઢીઓ સુધી પડતો રહેશે, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)