Fact Check મહારાષ્ટ્ર સરકારે વકફ બોર્ડ માટે ૧૦ કરોડ ફાળવ્યા કે નહીં, જાણો હકીકત
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામોને ઘણા દિવસો વીતવા છતાં હજી સરકારનું ગઠન થયું નથી. હાલ રાજ્યમાં રખેવાળ સરકાર છે. ત્યારે હવે મહારાષ્ટ્ર સરકારે વક્ફ બોર્ડ માટે ૧૦ કરોડના ભંડોળની ફાળવણી માટે જીઆર બહાર પાડ્યો હોવાની ચર્ચા છે. રાજ્યમાં રખેવાળ સરકાર છે ત્યારે આવો જીઆર બહાર પાડવામાં આવ્યો હોવાથી તમામ સ્તરેથી ટીકા થઈ રહી છે.
જૂન મહિનામાં વકફ બોર્ડને દસ કરોડનું ફંડ મંજૂર કરવા બદલ વિવિધ હિન્દુત્વવાદી સંગઠનો દ્વારા રાજ્ય સરકારની ટીકા કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)એ પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. વિશ્વ હિંદુ પરિષદે મહત્ત્વનું નિવેદન આપ્યું છે કે જો આ ભંડોળ વક્ફ બોર્ડને આપવામાં આવશે તો તેનું પરિણામ આગામી ચૂંટણીમાં જોવા મળશે.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રાજ્યમાં રખેવાળ સરકાર છે ત્યારે વકફ બોર્ડને ભંડોળ આપવા અંગે વહીવટીતંત્ર દ્વારા જીઆર બહાર પાડવાનું યોગ્ય નથી, તેથી મુખ્ય સચિવે તરત જ આદેશ પાછો ખેંચી લીધો છે. રાજ્યમાં નવી સરકાર આવતાની સાથે જ યોગ્યતા અને કાયદેસરતાની તપાસ કરવામાં આવશે. ભાજપના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર આની સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વકફ બોર્ડને રૂપિયા ૧૦ કરોડની ચૂકવણી અંગે વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવેલ જીઆર રદ કરવામાં આવે છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન મુદ્દે મહાયુતિની મડાગાંઠ અકબંધ…
ફેક ન્યૂઝ ફેલાઈ રહ્યા છે કે ભાજપ-મહાયુતિ સરકારે મહારાષ્ટ્ર વક્ફ બોર્ડને ૧૦ કરોડનું ફંડ આપ્યું છે. આ ખોટો નિર્ણય વહીવટીસ્તરે અધિકારીઓ દ્વારા પરસ્પર લેવામાં આવ્યો હતો, પરંતુ ભાજપના નેતાઓના જોરદાર વિરોધ બાદ હવે આ નિર્ણય રદ કરવામાં આવ્યો છે. ભાજપ બંધારણમાં વકફ બોર્ડનું કોઈ સ્થાન નથી તેના પર અડગ છે અને રહેશે.
દરમિયાન ભાજપના પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે વકફ બોર્ડને ફંડિંગના સમાચાર હાલમાં ચર્ચામાં છે. હાલમાં મહારાષ્ટ્રમાં રખેવાળ સરકાર છે અને આ સરકાર પાસે નીતિ વિષયક નિર્ણયો લેવાની સત્તા નથી.
જો કેટલાક કટોકટીના નિર્ણયો તાકીદે લેવાના હોય તો જ લઇ શકે છે. એવું લાગે છે કે ભંડોળ અંગેનો નિર્ણય વહીવટી સ્તરે લેવામાં આવ્યો હતો, તેથી અમે આશા રાખીએ છીએ કે વહીવટીતંત્ર તેના નિર્ણયમાં સુધારો કરશે.