દારૂના નશામાં કાર ચલાવી વરલીના બિઝનેસમૅને મધરાતે ધિંગાણું મચાવ્યું…
બબ્બે નાકાબંધીમાંથી ભાગેલો આરોપી કારમાં ફસાયેલી બેરિકેડ ત્રણ કિલોમીટર સુધી ઘસડી ગયો: ત્રણ વાહનને ટક્કર મારતાં રાહદારીઓએ ફટકાર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દારૂના નશામાં કાર ચલાવી વરલીના બિઝનેસમૅને અંધેરી પરિસરમાં ભારે ધિંગાણું મચાવ્યું હતું. બબ્બે નાકાબંધી તોડીને ભાગેલો આરોપી કારમાં ફસાયેલી બેરિકેડ ત્રણ કિલોમીટર સુધી ઘસડી ગયો હતો. ત્રણ વાહનને ટક્કર મારનારા આરોપીને રાહદારીઓએ સીપ્સ ક્વાર્ટર્સ નજીક રોકી ફટકાર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : પનવેલ-કર્જત કોરિડોરનું ક્યારે થશે ‘કલ્યાણ’, જાણો પ્રોજેક્ટની મહત્ત્વની અપડેટ
અંધેરી પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ સબ્યસાચી નિશાંક (32) તરીકે થઈ હતી. વરલીના મોતીલાલ સાંગી માર્ગ પરની ટર્ફ વ્યૂ હાઉસિંગ સોસાયટી ખાતે રહેતા નિશાંક સાથે કારમાં એક યુવતી પણ હતી. ઘટના સમયે તે પણ નશામાં હોવાનો દાવો પોલીસે કર્યો હતો.
સહાર ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જયવંત મોરેની ફરિયાદને આધારે અંધેરી પોલીસે આ પ્રકરણે ગુનો નોંધ્યો હતો. અકસ્માત સમયે નિશાંક દારૂના નશામાં હોવાનું તપાસમાં જણાયું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર અંધેરી પૂર્વમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ગોખલે બ્રિજ ખાતે નાકાબંધી કરી પોલીસ વાહનોની તપાસ કરી રહી હતી. શંકાને આધારે પોલીસે નિશાંકની કારને રોકવાનો ઇશારો કર્યો હતો. કાર ઊભી રાખ્યા પછી એકાએક નિશાંકે કાર પૂરપાટ વેગે દોડાવી મૂકી હતી, જેને પગલે લોખંડની એક બેરિકેડ કારના બમ્પરમાં ફસાઈ ગઈ હતી. બેરિકેડ સાથે જ કાર દોડાવી નિશાંક લગભગ ત્રણ કિલોમીટર દૂર એમઆઈડીસી પોલીસની હદમાં પહોંચ્યો હતો. તે સમયે ટ્રાફિક પોલીસે બાઈક પર નિશાંકની કારનો પીછો કર્યો હતો.
એમઆઈડીસી પોલીસની નાકાબંધીમાં પણ આરોપીએ કાર રોકી નહોતી. ત્યાંની બેરિકેડ્સ ઉડાવી આરોપીએ કાર પૂરપાટ દોડાવી મૂકી હતી. આ દરમિયાન તેણે ત્રણ કારને ટક્કર મારી હતી, જેને પગલે કારમાં હાજર લોકોએ બાઈકસવારોની મદદથી તેનો પીછો કર્યો હતો.
આ પણ વાંચો : EDએ પોર્ન રેકેટ કેસમાં રાજ કુન્દ્રાની મિલકતો પર પાડ્યા દરોડા
અધિકારીના જણાવ્યા મુજબ કારને જેવીએલઆર સર્વિસ રોડ પર સીપ્સ ક્વાર્ટર્સ નજીક રોકવામાં આવી હતી. આરોપીએ કારનો દરવાજો ન ખોલતાં રાહદારીઓએ કાચ તોડ્યો હતો અને આરોપીને ધિબેડી નાખ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આરોપીને તાબામાં લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.