જુઓ તો ખરા…નારાયણના મૅજિક બૉલમાં ચાર્લ્સ કેવી રીતે ક્લીન બોલ્ડ થયો!
અબુ ધાબીઃ વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર ઑલરાઉન્ડર સુનીલ નારાયણ વિશે પરિચય આપવાની કોઈ જરૂર નથી. કૅરિબિયન ટીમ ઉપરાંત દુનિયાભરની પ્રીમિયર લીગમાં અને ખાસ કરીને આઇપીએલમાં તે ભલભલા બૅટરને ચક્કર ખવડાવી ચૂક્યો છે. તાજેતરમાં અબુધાબી ટી-10 ટૂર્નામેન્ટમાં ન્યૂ યૉર્ક સ્ટ્રાઇકર્સ વતી તે જાદુ ફેલાવી રહ્યો છે. આ સ્પર્ધાની 27મી મૅચ 28મી નવેમ્બરે નૉર્ધર્ન વૉરિયર્સ સામે હતી જેમાં નારાયણે પોતાના જ દેશના જૉન્સન ચાર્લ્સને જે રીતે ક્લીન બોલ્ડ કર્યો એ જોઈને મેદાન પર અને સ્ટેડિયમમાં હાજર સૌ કોઈ આનંદિત થઈ ગયા હતા.
ન્યૂ યૉર્ક સ્ટ્રાઇકર્સે આ મૅચ 12 બૉલ બાકી રાખીને નવ વિકેટના માર્જિનથી જીતી લીધી હતી.
નૉર્ધર્ન વૉરિયર્સની ઇનિંગ્સમાં છઠ્ઠી ઓવર ખુદ કૅપ્ટન સુનીલ નારાયણે કરી હતી. ચાર્લ્સની આક્રમક બૅટિંગ ધ્યાનમાં લેતાં નારાયણે તેને જાળમાં ફસાવવાનું નક્કી કર્યું હતું. ચાર્લ્સે ક્રીઝની વચ્ચોવચ આવીને બિગ શૉટ મારવાનો ફેંસલો કર્યો હતો. જોકે નારાયણે તેનો મનસૂબો અગાઉથી પારખી લીધો હતો. નારાયણે ક્ષણવારમાં પોતાનો અભિગમ બદલી નાખ્યો અને ચાર્લ્સના પગને નિશાન બનાવીને ફાસ્ટ બૉલ ફેંક્યો હતો. પરિણામ એ આવ્યું કે ચાર્લ્સ જાણે ચિત્ત થઈ ગયો. તેને નારાયણનો બૉલ ચક્કર ખવડાવી ગયો. તે ક્લીન બોલ્ડ થઈ જતાં પૅવિલિયન ભેગો થઈ ગયો હતો.
આ પણ વાંચો : આ ટીમના 11એ 11 ખેલાડીઓએ બોલિંગ કરી, બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ
નૉર્ધર્ન વૉરિયર્સે પ્રથમ બૅટિંગ મળતાં 10 ઓવરમાં ત્રણ વિકેટે 111 રન બનાવ્યા હતા. નૉર્ધર્નની ત્રણમાંથી બે વિકેટ નારાયણે લીધી હતી. ન્યૂ યૉર્ક સ્ટ્રાઇકર્સે ઓપનર કુસાલ પરેરાની (અણનમ 74, 27 બૉલ, સાત સિક્સર, છ ફોર)ની ઇનિંગ્સની મદદથી અને 274.07ના સ્ટ્રાઇક-રેટ સાથે આઠ ઓવરમાં એક વિકેટે 112 રન બનાવીને મૅચ જીતી લીધી હતી.