આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહાયુતિનું કોકડું વધુ ગૂંચવાયુંઃ આજની મહત્ત્વની બેઠક રદ્દ, એકનાથ શિંદે ગામ રવાના થયા

મુંબઇઃ મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામોના એક અઠવાડિયા પછી હજુ પણ મુખ્ય પ્રધાનપદ અને કેબિનેટનું કોકડું દિવસે દિવસે ગૂંચવાતું જાય છે. ભાજપ, શિવસેના અને અજિત પવારની એનસીપી મુખ્ય પ્રધાનપદ માટે નક્કર નિર્ણય લઈ શક્યા નથી, ત્યારે આજે એવા સમાચાર જાણવા મળ્યા છે કે આજની મહત્ત્વની બેઠક રદ્દ કરવામાં આવી છે, જ્યારે એકનાથ શિંદે પોતાના ગામ સાતારા રવાના થયા છે.

મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા એને લગભગ અઠવાડિયાનો સમય વીતી ગયો છે, પણ છતાંય શિવસેના, શિંદેસેના અને અજિત પવારની એનસીપી વચ્ચે મુખ્ય પ્રધાન પદને લઈને અંતિમ નિર્ણય લઇ શકાયો નથી. અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે આજે સાંજે મહાયુતિની બેઠક યોજાશે, પણ હવે આ બેઠક રદ કરવામાં આવી છે.

હવે એમ જાણવા મળ્યું છે કે પહેલા ભાજપના વિધાનસભ્યોની બેઠક થશે, જેમાં ભાજપના વિધાનસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે અને ત્યાર બાદ મહાયુતિની સંયુક્ત બેઠક યોજવામાં આવશે. દિલ્હીથી બે નિરીક્ષકો આવશે, જેની હાજરીમાં પહેલી અથવા બીજી ડિસેમ્બરના રોજ મુખ્ય પ્રધાનના નામની જાહેરાત થઇ શકે છે.

આ પહેલા ગુરુવારે રાત્રે એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે લગભગ અઢી કલાક સુધી બેઠક કરી હતી. ત્યાર બાદ એકનાથ શિંદે અડધા કલાક સુધી શાહને એકલા મળ્યા હતા. એમ પણ જાણવા મળ્યું છે કે શિંદેને કેન્દ્રમાં ડેપ્યુટી સીએમ અથવા મંત્રી પદની ઓફર કરવામાં આવી છે.

જો તેઓ તેનો સ્વીકાર કરે છે તો તેમના જૂથમાંથી કોઇ અન્ય નેતાને ડે. સીએમ બનાવવામાં આવી શકે છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે શિંદેએ અમિત શાહને પોર્ટફોલિયો વિતરણની યાદી સોંપી છે અને હવે તેઓ ભાજપને નિર્ણય લેવા માટે સમય આપવા માંગે છે, તેથી જ તેઓ ગામ જવા રવાના થયા છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાનનું સસ્પેન્સ યથાવત શાહના ઘરે 3 કલાકની મેરેથોન બેઠકમાં, કોઈ નિર્ણય ન લઈ શકાયો…

શિંદેસેનાના નેતા સંજય શિરસાટે જણાવ્યું હતું કે તેમને નથી લાગતું કે એકનાથ શિંદે ડેપ્યૂટી સીએમપદ સંભાળે. જો એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ પદ નહીં સ્વીકારે તો પક્ષનો કોઇ બીજો નેતા ડે. સીએમ પદ સંભાળશે, તેથી ડેપ્યુટી સીએમ શિવસેનાના જ હશે.

288 સભ્યોવાળી મહારાષ્ટ્રની વિધાનસભામાં મરાઠા સમુદાયના વિધાન સભ્યોની સંખ્યા મોટી હોવાથી મુખ્ય પ્રધાન પદ માટેની હરિફાઇમાં જાતિગણિત મહત્વનો ભાગ ભજવી શકે છે. ફડણવીસ બ્રાહ્મણ છે, તેથી પાર્ટી હાઇ કમાન્ડ મુખ્ય પ્રધાન પદ કોઇ મરાઠા નેતાને પણ સોંપી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button