સ્ટાર-યાર-કલાકાર -સંજય છેલ
મલ્હાર રાગથી કોઈ વરસાદ વરસાવી શકે, દીપક રાગથી દીવા પ્રગટાવી શકે, પણ એક ગીતને કારણે કોઈક જેલમાં જતાં બચી શકે?
જી હા, જો એ ગીત ‘ખૈયામ’નું હોય તો…!
૧૯૯૭નો સમય હતો. મારી લખેલી ફિલ્મ ‘રંગીલા’ સુપરહિટ નીવડી પછી નિર્દેશક રામગોપાલ વર્મા (રામુ) સાથે હું બીજી ફિલ્મ ‘દૌડ’ લખી રહ્યો હતો. આ ‘દૌડ’ના મેડ-મેડ સંવાદો-પાત્રો આજેય લોકોને યાદ છે. એ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનના રણથંભોર જંગલમાં થઈ રહ્યું હતું ને હું ત્યાં હાજર હતો. એક દિવસ જંગલની વચ્ચોવચ્ચ ઝરણામાં ઊર્મિલા-સંજત દત્તનું દૃશ્ય ફિલ્માવાઈ રહ્યું હતું.
અચાનક પોલીસની જીપ સાથે ફૉરેસ્ટ ઑફિસરો આવ્યા. શૂટિંગની પરમિશનને લઈને રામુને અને મને પણ હિરાસતમાં લીધો.
આગળ પોલીસની જીપ અને પાછળ રામુની કારમાં હું, રામુ ને ફૉરેસ્ટ ઑફિસર. થોડી વાર ટેન્શન થયું, પણ પછી મેં કાર-સ્ટિરિયો પર ‘ઉમરાવ જાન’ ફિલ્મનાં ગીતો વગાડ્યાં.
રામુને ઉર્દૂ-હિંદી ખાસ આવડે નહીં એટલે હું ‘દિલ ચીઝ ક્યા હૈ, આપ મેરી જાન લીજીયે’ જેવી ગઝલનાં શેર રામુને સમજાવી રહ્યો હતો. ગીતોની બંદિશ, એમાં તબલાંની થાપ, આશાજીની મુરકીઓ, સારંગીના શાર્પ ઉપયોગ વિશે વિસ્તારથી કહેવા માંડ્યો. રામુ પણ નિર્માતા-દિગ્દેર્શક તરીકે ઘડીભર ભૂલી ગયા કે આમ અચાનક શૂટિંગ અટકવાથી લાખોનું નુકસાન થઈ રહ્યું છે.
કલાકારોની તારીખો બરબાદ થશે, ૨૦૦ લોકોનું યુનિટ નવરું બેઠું છે, પણ પછી રામુએ ખૈયામનાં ગીતો અને એ.આર. રહેમાનના ‘રોજા’નાં ગીતો વચ્ચે સરખામણી શરૂ કરી એમાં મારી અને રામુ વચ્ચે જામી ગઈ. પેલો ફૉરેસ્ટ ઑફિસર અમને બેઉને ચૂપચાપ જોઈ-સાંભળી રહ્યો હતો અને અમને છોડી દેવા માટે ના તો અમે બેઉએ એને વિનંતી કરી કે ના તો સંજય દત્તને કહીને મિનિસ્ટર પિતા સુનીલ દત્ત દ્વારા દિલ્લીથી કોઈ પાસે ફોન કરાવ્યો કે ના તો ઑફિસરને ૧૦-૧૫ હજાર આપીને છૂટવાનો પ્રયત્ન કર્યો.
Also read: અહા, કેટકેટલી યાદ?! ‘ખૂબસૂરત’ ફિલ્મની રિલીઝને પચીસ વર્ષ થયાં
આખરે ફૉરેસ્ટ ઑફિસરથી ના રહેવાતાં એણે ડ્રાઇવરને કહ્યું : ‘ઓયે..ગાડી રોક. મુઝે ઉતરના હૈ..’
મેં પૂછ્યું : ‘ક્યા હુઆ, સાબ?
ત્યારે ફૉરેસ્ટ ઑફિસરે કહ્યું: ‘કૈસે પાગલ લોગ હો? તુમ દોનોં કો પુલીસ પકડ કે લે જા રહી હૈ, લાખોં કા નુકસાન હો રહા હૈ ઔર આપ ઢોલક-તબલે મેં લગે હુએ હો?! સાલે, હમ તો ઐસે હી જંગલકી ખાક છાનતે રહેંગે ઝિંદગીભર, કમ સે કમ આપ લોગ તો મસ્ત રહો અપને પાગલપનમેં.. જાઓ, ફિલ્મ બનાઓ!’
ઑફિસર કારમાંથી ઊતરીને પોલીસ વેનમાં જતો રહ્યો. આખી વાતમાં જાદૂ તો સંગીતકાર ખૈયામ સાહેબના ‘ઉમરાવ જાન’નાં ગીતનો છે, જેને બોલિવૂડમાં સૌ આદરથી ‘ખાં-સાહેબ’ કહેતા.
રેખાની ‘ઉમરાવ જાન’ હોય કે યશ ચોપરાની ‘કભી કભી’ કે સાવ સાદી આર્ટ ફિલ્મ ‘બાઝાર’ હોય કે ‘રઝિયા સુલ્તાન’ જેવી ઐતિહાસિક ફિલ્મ હોય કે પછી ‘નૂરી’ જેવી ક્યૂટ નાનકડી ફિલ્મ હોય, પણ ઓછી તોય અનેક યાદગાર ફિલ્મોના સંગીતકાર મહોમ્મદ ઝહૂર ‘ખૈયામ’ ૯૩ વર્ષ સુધી સતત સક્રિય રહ્યા. શંકર-જયકિશન, સચીન દેવ બર્મન, ઓ.પી નૈયર, કલ્યાણજી-આણંદજી, આર.ડી.બર્મન, લક્ષ્મી-પ્યારેથી લઈને છેક બપ્પી લહરીના જમાના સુધી પણ ખૈયામસાહેબ પોતાના ખુશનુમા ક્લાસિકલ સંગીતવાળાં ગીતો સાથે ટકી ગયા, કારણકે બીજા વિશ્ર્વયુદ્ધમાં સૈનિક તરીકે એ લડેલા અને એ લડાકૂ લોહી જ એમને ગળાકાપ બોલિવૂડમાં બીજાની ટક્કર લેવાની તાકાત આપતું.
ખૈયામે, ૧૯૮૦-૮૩માં ‘ઉમરાવજાન’ અને બાઝાર’ જેવી ફિલ્મોમાં શુદ્ધ ગઝલો આપીને હિટ કરાવી (૧૯૮૦-૮૪ સુધી સળંગ બે ‘ફિલ્મફેર’ એવોર્ડ જીત્યા) એ ખરેખર સિદ્ધિ જ કહેવાય, કારણ કે ૮૦ના દાયકામાં ‘રંભા હો-સંભા હો’ જેવા ચાલુ ડિસ્કો-ગીતો છવાયેલાં હતાં. આ તો બૉક્સિગં રિંગમાં કોઈ મોરપિચ્છ લઈને જીતી જાય એવી અદ્ભુત વાત હતી, પણ એની પાછળનું કારણ શું? જવાબ છે:
ખૈયામસાહેબની કવિતાની-સાહિત્યની ઊંડી સમજ. ૫૦ના દાયકામાં સાહિર જેવો શાયર મુંબઈ નવોનવો આવેલો. એક દિવસ કૈફી આઝમીના ઘરે કવિ સાહિર સામે ખૈયામે સાહિરના ‘તલ્ખિયા’ કાવ્યસંગ્રહમાંથી ‘કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ’ અને ‘મૈં પલ દો પલ કા શાયર હૂં’ જેવી રચનાઓ સંભળાવી ત્યારે સાહિરે અવાક થઈને ખૈયામને કહ્યું: ‘લગતા હૈ કિ યે નઝમ મૈંને નહીં આપને હી લિખી હૈ!’ પછી તો સાહિર ને ખૈયામે અનેક ફિલ્મો કરી.
આઝાદી બાદ આપણો દેશ બેકારી ને નિરાશાના દૌરમાં હતો ત્યારે ‘ફિર સુબહ હોગી’ ફિલ્મ માટે હીરો રાજ કપૂરે શરત મૂકેલી કે ફિલ્મનું સંગીત એ જ આપી શકે જેણે દોસ્તોવસ્કીની નવલકથા ‘વોર એન્ડ પીસ’ વાંચી હોય! ખૈયામે વાંચી હતી અને માટે જ ખૈયામને ચાન્સ મળ્યો. એ જમાનામાં ‘સારે જહાં સે અચ્છા હિંદોસ્તા હમારા’ લોકપ્રિય હતું,
પણ વિદ્રોહી કવિ સાહિરે ‘સારે જહાં સે અચ્છા’નું પ્રતિકાવ્ય ચીન-ઓ- અરબ હમારા, હિંદોસ્તા હમારા, રહને કો ઘર નહીં હૈ સારા જહાં હમારા’ લખ્યું અને ખૈયામે ધૂન બનાવી.
Also read: ‘એનિમલ’: ફરીથી જાવેદ અખ્તરનું નવું જ્ઞાન
પછી સેંસર ર્બોડને અને નિર્માતાઓને પણ લાગ્યું કે ગીત બહુ નિરાશાજનક છે માટે બે પોઝિટિવ લાઇન પણ ઉમેરાવી. એ જ ફિલ્મમાં ‘વો સુબહ કભી તો આયેગી’ ગીતમાં ઉદારવાદી, સહિષ્ણુ અને સહુના હિંદુસ્તાનનો અદ્ભુત આશાવાદ છે, જે આજે હવે અસંભવ ભાસે છે.
એ પછી ૧૯૭૫ની આસપાસ કવિ સાહિરની કરિયર ઢળાણ પર હતી ત્યારે એમણે યશ ચોપરાને ‘કભી કભી’ જેવી રોમેંટિક ફિલ્મ માટે ખૈયામનું નામ સૂચવ્યું. સૌએ ના પાડી કે ખૈયામનું મ્યુઝિક ભલે હિટ થાય છે, પણ ફિલ્મો ચાલતી નથી એ અપશુકનિયાળ છે! પણ યશજી વહેમમાં ના પડ્યા ને ‘કભી કભી’નાં યાદગાર ગીત-સંગીત સાથે હિટ ગોલ્ડન જ્યુબિલી ઊજવી! ‘કભી કભી’નાં ગીત સાંભળીને અમિતાભ પોતાના જૂહુના બંગલેથી ચાલીને અડધી રાત્રે ખૈયામને ભેટવા ગયેલા!
ખૈયામ અનોખા સંગીતકાર તો હતા, માણસ પણ એટલા જ સંવેદનશીલ. પોતે મુસ્લિમ, પત્ની શીખ ગાયિકા જગજીત કૌર ને દીકરાનું નામ રાખ્યું ‘પ્રદીપ’ ! પ્રદીપે સમજણા થતા પૂછ્યું: ‘હું હિંદુ ધર્મ પાળું?’; ખૈયામે તરત જ હા પાડી. પ્રદીપ ક્રિસમસને દિવસે જન્મેલો માટે ખૈયામના ઘરના મંદિરમાં ગુરુબાની, ગીતા, કુરાન સાથે બાઇબલ પણ રાખવામાં આવ્યું હતું, જ્યાં રોજ બે વખતની આરતી થતી અને રાત્રે બાઇબલને ચૂમવામાં આવતું!
પાછળથી પુત્ર પ્રદીપ ખૈયામ ૨૦૧૨માં નાની વયે ગુજરી ગયો ત્યાર બાદ ખૈયામે આખી જિંદગીની બચત એવા રૂા.૧૦ કરોડ નવા કલાકારો, સંગીતકારો, સાજિંદાઓ અને ટેક્નિશિયનો માટે ‘ખૈયામ જગજીત કૌર ટ્રસ્ટ’ બનાવીને સમાજને અર્પણ કરી દીધા…! થેંક ગોડ, દેશપ્રેમની ઠાલી વાતો કરનારા લોકો વચ્ચે પણ ખુદા એકાદ ખૈયામ જેવા દરિયાદિલ આદમીને પણ મોકલી આપે છે !