અંબાજીના પ્રસાદમાં ભેળસેળના મામલે મોહિની કેટરર્સના ત્રણ સહિત ચાર લોકોની અટકાયત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા માટે તૈયાર કરવામાં આવી રહેલા મોહનથાળના પ્રસાદમાં ભેળસેળ મામલે પોલીસે મોહિની કેટરર્સના ત્રણ સહિત ચાર લોકોની અટકાયત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદમાં ડુપ્લિકેટ ઘીનો ઉપયોગ કરવામાં આવતા સાબર દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. નોંધાયેલી ફરિયાદના ૨૫ દિવસ બાદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ભેળસેળ મામલે મોહિની કેટરર્સના ત્રણ લોકો સહિત ચારની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મોહનથાળનો પ્રસાદ તૈયાર કરવા માટે વપરાતા ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં ઘી શંકાસ્પદ જણાતા મંદિર ટ્રસ્ટ અને તંત્ર દ્વારા નવું ઘી મંગાવીને પ્રસાદ બનાવવામાં આવ્યો હતો. આ નમૂના ફેઇલ હોવાનો રિપોર્ટ આવ્યા બાદ મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો હતો. તેમજ મોહિની કેટરર્સને જેની પાસેથી આ ઘી લીધું હતું એ નીલકંઠ ટ્રેડર્સ સામે કાર્યવાહી કરી તેના માલિકની ધરપકડ કરવામાં આવી છે.