અમદાવાદમાં ભ્રષ્ટાચારના કારણે વિવાદાસ્પદ બનેલ હાટકેશ્ર્વર બ્રિજના આઠ સ્પાન તોડી નખાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં મનપા દ્વારા ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો હાટકેશ્ર્વર બ્રિજ વ્યાપક ભ્રષ્ટાચારને કારણે વિવાદાસ્પદ બન્યો છે અને હલકી ગુણવત્તાના હાટકેશ્ર્વર બ્રિજને તોડી નાંખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાટકેશ્ર્વર બ્રિજના હયાત આઠ સ્પાન તોડી નાંખવામાં આવશે અને જરૂર મુજબના સ્ટ્રક્ચરને ડીમોલીશ કરાશે.
જ્યારે ઉપયોગમાં લઈ શકાય તેવા જરૂર મુજબના હયાત બ્રિજના સ્ટ્રક્ચરને રીટ્રોફીટિંગ રીક્ધસ્ટ્રક્શન કરવામાં આવશે. મનપા દ્વારા બ્રિજને તોડી અને નવો બનાવવા માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં બ્રિજના ઉપરના ભાગ એટલે કે સ્પાનને તોડીને નવા બનાવવામાં આવશે તેવું જણાવાયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના હાટકેશ્ર્વર બ્રિજના ૮ સ્પાન તોડવા માટે રૂ. ૨૪.૮૭ કરોડ રૂપિયાનો ખર્ચ નક્કી કરાયો છે. નવા સ્ટ્રક્ચર બનાવ્યા બાદ કોન્ટ્રાક્ટરની જવાબદારી-ડીફેક્ટ લાયેબિલિટી પિરિયડ ૧૦ વર્ષનો રહેશે. મનપા દ્વારા આખે આખો બ્રિજ તોડવામાં આવશે નહીં. હાટકેશ્ર્વર બ્રિજના મુખ્ય બે સ્પાન અને તેના પિલર સહિત માત્ર આઠ સ્પાન જ તોડવામાં આવશે. હાટકેશ્ર્વર બ્રિજના બાકીના પિલ્લર, સબ સ્ટ્રક્ચર વગેરેનો ટેસ્ટ કરાવવામાં આવશે અને તેના રિપોર્ટના આધારે જ્યાં જરૂર જણાય ત્યાં તેની ડિઝાઇન તૈયાર કરી અને ત્યારબાદ રિક્ધસ્ટ્રક્શન કરવામાં આવશે. આમ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા આખો બ્રિજ ત્યાંથી પાડી અને નવો કરવાની જગ્યાએ માત્ર ઉપરના જ સ્ટ્રકચરને દૂર કરી અને તેને ફરીથી બનાવવાનો નિર્ણય લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, મનપા કમિશનર એમ. થેન્નારસન દ્વારા લગભગ પાંચ મહિના પહેલાં હાટકેશ્ર્વર બ્રિજ ને તોડી પાડવા અંગે જાહેરાત કરાઈ હતી. મ્યુનિસિપલ દ્વારા જે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. તેમાં શરતો રાખવામાં આવી છે કે આઠ જેટલા સ્પાન છે તેને તોડવામાં આવશે અને તેને ફરીથી નવેસરથી બનાવવામાં આવશે. બ્રિજના અન્ય ભાગો જેમ કે પિલ્લર, પીઅર કેપ, સોલિડ સ્લેબ વગેરે ના ટેસ્ટિંગ બાદ જ જરૂર જણાય તો તેને તોડી અને રિક્ધસ્ટ્રક્શન કરવાના રહેશે. વિવિધ પ્રકારના ટેકનિકલ ટેસ્ટ કરાવ્યા બાદ તેના રિપોર્ટના આધારે અરેન્જમેન્ટ મુજબ તેને ફાઉન્ડેશન કરવાની કામગીરી કરવામાં આવશે.