ગયા વર્ષની બમ્પર હીટ ‘એનિમલ’ પહેલી ડિસેમ્બરે એક વર્ષની થશે. આ ફિલ્મે તેના પક્ષ અને વિપક્ષમાં જેટલી લાંબી અને જે હદ સુધીની ચર્ચા છેડી હતી તે પણ કદાચ એક રેકોર્ડ હશે.
જાવેદ અખ્તરે આ ચર્ચામાં ‘ઉમળકાભેર’ ભાગ લીધો હતો. એમણે તો ફિલ્મ જોયા વગર જ ફિલ્મનાં અમુક દૃશ્યો વિષે પોતાનું મંતવ્ય આપી દીધું હતું..!
એ સમયે ફિલ્મના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વંગાએ આકરામાં આકરા શબ્દોમાં જાવેદ અખ્તરની ટીકા કરી હતી. એ પછી બધાને થયું : વાત પતી ગઈ, પણ એમ બધું શાંતિથી પતવા દે તો એ જાવેદ અખ્તર શાના?
હાલમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં એમણે ‘એનિમલ’ હીટ થઇ એને માટે ઓડિયન્સને દોષ આપ્યો છે!
જાવેદમિયાંનું માનવું છે કે ‘ચલો, ફિલ્મ બનાવવાવાળાએ તો આવી વિકૃત’ ફિલ્મ બનાવી નાખી. પાંચ-પંદર માણસો આવી ફિલ્મના વખાણ કરે તોય સમજી શકાય છે, પણ જ્યારે લાખો લોકો આ પ્રકારની ફિલ્મને વધાવી લે ત્યારે સમજી લેવું કે આપણું ઓડિયન્સ પણ વિકૃત છે!’
ફિલ્મના ચાલવા- ન ચાલવાને લઈને દર્શકોને દોષ આપવો એ પહેલો કિસ્સો નથી અને છેલ્લો પણ નથી, પરંતુ વાંધો છે ‘માય વે ઓર હાઇ-વે’ પ્રકારના વલણનો. જાવેદજીને પોતાનું મંતવ્ય આપવાનો હક્ક છે, પણ આખું ઓડિયન્સ એમના મંતવ્ય સાથે સહમત ન થાય એટલે એ એ વિકૃત થઇ ગયું?
આ એ જ ઓડિયન્સ છે જેણે ‘લાપતા લેડીઝ’ને ફૂલડે-ફૂલડે વધાવી છે અને આ એ જ જાવેદ અખ્તર છે જેમણે ‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મનું ટાઈટલ અશ્ર્લીલ લાગતા એ ફિલ્મોનાં ગીતો લખવાની ના પાડી દીધી હતી.!
‘બોટલ’ ખુલવા- ના ખુલવાનો નશાયુક્ત વિવાદ…
પંજાબી પોપ-સ્ટાર દિલજિત દોસંજ અને વિવાદને બહુ જૂનો સંબંધ છે. હાલમાં લંડન વગેરે સ્થળોએ ટૂર કરીને દિલજિત હવે ભારતમાં જુદાંજુદાં સ્થળોએ કોન્સર્ટ કરી રહ્યો છે. દિલ્હી અને જયપુરના એના કોન્સર્ટમાં-સંગીત જલસાને એ શરતે મંજૂરી મળી કે એનાં ગીતોમાં જે દારૂ, ડ્રગ્સ અને હિંસાત્મક સંદર્ભો આવે છે તેને કાઢી નાખવા…. દિલજીતે આ શરત માની લીધી એટલે આ કોન્સર્ટ યોજાયો ખરો,
પણ મજા પડે એવી વાત એ છે કે એ બંને કોન્સર્ટમાં દિલજીતે ‘દારૂની બોટલ ખુલી’ની જગ્યાએ ‘કોકની બોટલ ખુલી’ એ વાક્યનો ઉપયોગ કર્યો! ઘણી વાર આપણે જે બોલીએ છીએ એવું થતું હોય છે.
દિલજીતે આ શબ્દો બદલ્યા તો પુણેના તાજા કોન્સર્ટ વખતે ત્યાં ખરેખર દારૂની બોટલ ખોલવા પર પ્રતિબંધ લાગી ગયો.! પુણેના આ કોન્સર્ટની જાહેરાતો જોરશોરથી થઈ પણ એ શરૂ થાય તે પહેલાં સ્થાનિક લોકોના વિરોધ બાદ પ્રશાસને આ કોન્સર્ટમાં દારૂ પીરસવાની મંજૂરી પરત ખેંચી લીધી અને ત્યાં ખરેખર દારૂને સ્થાને કોકની જ બોટલ ખુલી!
વળી આવ્યો સિનેમા લવર્સ- ડે!
આ બોલિવૂડનું તો શું કરવું? નવા વિષયોની શોધ કરતું નથી કે કરવા માગતું નથી ને એક પછી એક રિમેક, યુનિવર્સ અને રિ-રિલીઝની વણઝાર…આમ છતાં કમાણીમાં મેળ નથી પડી રહ્યો.
છેલ્લાં બે વર્ષથી વળી એક નવું ગતકડું ઊભું કર્યું છે, જેનું નામ છે ‘સિનેમા લવર્સ ડે’!
આ ‘સિનેમા લવર્સ- ડે’નો ઉદ્દેશ એ છે કે એ દિવસે દરેક ક્લાસની ટિકિટનો ભાવ એક સરખો રાખવો એટલે વધુને વધુ લોકો થિયેટર્સમાં આવે… ઉદ્દેશ સારો છે. એનો લાભ પણ ફિલ્મોને મળતો જ હશે, પરંતુ જેમ જન્મદિવસ વર્ષમાં એક જ વખત આવે, લગ્નતિથિ વર્ષમાં એક જ વાર આવે, અરે વિવિધ તહેવારો પણ વર્ષમાં એક જ દિવસ આવે એમ આ ‘સિનેમા લવર્સ- ડે’ પણ વર્ષમાં એક જ વખત આવવો જોઈએ ને? પણ જેમ ‘ખિચડી’નો પ્રફુલ્લ કહે છે એમ ઐસા ઝરૂરી નહીં હૈ!’
આજે ફરી એક વાર દેશભરનાં સિનેમાઘરોમાં ‘સિનેમા લવર્સ- ડે’ ઉજવવામાં આવશે. આ વર્ષે આ જ પ્રકારે ચોથી વખત જુદા નામે ઉજવાશે. અગાઉ ૨૩ ફેબ્રુઆરી અને ૩૧ મે ના દિવસોએ આ જ નામે ઉજવણી થઇ હતી.
Also Read – રીલ ને રિયલ લાઈફના દેવદાસ
૯ ઓગસ્ટે ‘નેશનલ સિનેમા- ડે’ના નામે સસ્તામાં ટિકિટો આપવામાં આવી હતી.
આ પ્રકારની ઉજવણી થાય અને દર્શકોને બસ્સો-અઢીસો કે તેનાથી પણ મોંઘી ટીકીટો ફક્ત ૯૯ રૂપિયામાં આખો દિવસ મળે તો એનાથી રૂડું શું? પરંતુ મોટેભાગે, આવા દિવસોએ કોઈ નવી ફિલ્મ રિલીઝ થતી નથી હોતી, અથવા તો એટલીસ્ટ એક વીક જૂની મુવી પણ નથી હોતી. આજે પણ જ્યારે આ દિવસ ઉજવવામાં આવશે ત્યારે ફક્ત ‘ધ સાબરમતી રિપોર્ટ’ સહુથી નવી ફિલ્મ છે, જે બે અઠવાડિયા જૂની થઇ ગઈ છે.
કદાચ પ્રાદેશિક ફિલ્મોને આ પ્રકારના દિવસોએ ફાયદો થઇ શકે છે, કારણકે તેના પ્રોડ્યુસર્સ હિન્દી ફિલ્મ રિલીઝ ન થઇ હોય એવા દિવસોમાં જ પોતાની ફિલ્મો રિલીઝ કરવા માટે તક શોધતા હોય છે