નવી દિલ્હી: વર્ષ 2025ના ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાનમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી (ICC Champions trophy 2025)નું આયોજન થવાનું છે. BCCIએ આ ટુર્નામેન્ટ માટે ભારતીય ક્રિકેટ ટીમ(Indian Cricket team)ને પાકિસ્તાન મોકલવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે અને ટુર્નામેન્ટ હાઈબ્રીડ મોડલ મુજબ યોજવા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)ને અપીલ કરી છે, બીજી તરફ PCBઆ મોડલ સ્વીકારવા તૈયાર નથી. એવામાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાનમાં રમવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે સ્પોર્ટ્સને રાજકારણને જોડવું ના જોઈએ.
ભારતીય ટીમ છેલ્લે કયારે પાકિસ્તાન ગઈ હતી?
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને કારણે 2008ના એશિયા કપ બાદ ભારતીય ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. બંને ટીમોએ છેલ્લે 2012-13માં ભારતમાં દ્વિપક્ષીય સિરીઝ રમી હતી. ત્યાર બાદ બંને ટીમો માત્ર ICC ટુર્નામેન્ટ અને એશિયા કપ દરમિયાન જ આમને સામને આવે છે. બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI) એ સ્પષ્ટ કર્યું છે કે ટીમના પાકિસ્તાન પ્રવાસ અંગેનો કોઈપણ નિર્ણય ભારત સરકારના નિર્દેશો પર આધારિત હશે.
તેજસ્વી યાદવે શું કહ્યું?
ગુરુવારે પત્રકારો સાથે વાત કરતા, તેજસ્વી યાદવે 2015માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાનની ઓચિંતી મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે “રમતગમતમાં રાજકારણને સામેલ કરવું એ યોગ્ય બાબત નથી. શું ઓલિમ્પિકમાં દરેક ખેલાડી ભાગ નથી લેતો? ત્યાં યુદ્ધ તો નથી થતું ને, ખેલાડીઓ રમવા જાય છે. ભારતે પાકિસ્તાન કેમ ન જવું જોઈએ? જો પીએમ ત્યાં બિરયાની ખાવા જઈ શકે છે તો ભારતીય ક્રિકેટ ટીમ ટૂર્નામેન્ટ માટે કેમ ન જઈ શકે?”
Also Read – પાકિસ્તાનને ભારત માટેનું હાઇબ્રિડ મૉડેલ સ્વીકાર્ય નથીઃ ચૅમ્પિયન્સ ટ્રોફીનું ભાવિ અદ્ધરતાલ
આજે ICC સાથે બેઠક:
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી માર્ચ 2025 વચ્ચે યોજાય તેવી શક્યતા છે, પરંતુ સત્તાવાર શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. ICC આજે BCCI સાથે ભારતીયના ભાગ લેવા અંગે ચર્ચા કરે તેવા અહેવાલો છે, જેમાં ટુર્નામેન્ટના હોસ્ટિંગ મોડલ પર નિર્ણય લેવામાં આવી શકે છે.