મેટિનીસ્પેશિયલ ફિચર્સ

વકફ બોર્ડમાં સુધારા મુદ્દે મોદી સરકાર મક્કમતા બતાવે

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

સંસદનું સત્ર સોમવારથી શરૂ થયું એ પહેલાંથી એવી વાતો ચાલી હતી કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આ સત્રમાં જ વકફ બિલમાં સુધારો કરવાનો ખરડો રજૂ કરી દેશે. સંસદના સત્ર પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખોંખારો ખાઈને કહેલું કે, બંધારણમાં વકફ બોર્ડને કોઈ સ્થાન નથી. આ કારણે પણ એવું લાગતું હતું કે, મોદી સરકાર વકફ બોર્ડને લગતા કાયદામાં સુધારો કરવા મક્કમ છે, પણ આ ધારણા ખોટી પડી છે.
વકફ સુધારા વિધેયક પર રચાયેલી સંસદની સંયુક્ત સમિતિ (જેપીસી)નો કાર્યકાળ બજેટ સત્રના છેલ્લા સપ્તાહ સુધી લંબાવી દેવાયો છે તેથી સંસદના ચાલુ સત્રમાં વકફ કાયદામાં સુધારો નહીં થાય એ નક્કી છે.
બજેટ સત્ર જાન્યુઆરીમાં શરૂ થશે ને ફેબ્રુઆરી સુધી ચાલશે તેથી બીજા કમ સે કમ ત્રણ મહિના તો જેપીસીને તેનો રિપોર્ટ સોંપતાં લાગશે.

કેન્દ્ર સરકારને તેના આધારે ખરડો બનાવીને રજૂ કરવામાં કેટલો સમય લાગશે એ ખબર નથી એ જોતાં બીજા છ મહિના ગણી જ લેવાના.

જેપીસીનો રિપોર્ટ તૈયાર ના થયો ને તેની મુદત પાછી લંબાવવી પડે એવું પણ બને. એ સંજોગોમાં વકફ બોર્ડમાં સુધારાને લગતો કાયદો ટલ્લે ચડી ગયો હોય એવું અત્યારે તો લાગી રહ્યું છે.
વકફ બોર્ડને લગતા કાયદામાં સુધારા માટે રચાયેલી જેપીસીની મુદત લંબાવવી પડી તેનું કારણ કૉંગ્રેસ સહિતના વિપક્ષો છે એ કહેવાની જરૂર નથી.

એ લોકો નથી ઇચ્છતા કે વકફ બોર્ડને લગતા કાયદામાં સુધારો થાય એટલે કંઈક ને કંઈક વાંધા કાઢીને ઊભા રહી જાય છે.
વકફ સુધારા વિધેયક પર રચાયેલી ૩૧ સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિનો કાર્યકાળ શુક્રવારે એટલે કે ૨૯મી નવેમ્બરે સમાપ્ત થતો હતો.

સમિતિની રચના થઈ ત્યારે નક્કી કરાયેલું કે, ૨૯મી નવેમ્બર પહેલાં જેપીસી તેનો રિપોર્ટ આપી દેશે, પણ આ વાંધા વચકાઓના કારણે રિપોર્ટ જ તૈયાર ના થયો તેમાં જેપીસીની મુદત લંબાવવા સિવાય વિકલ્પ રહ્યો નહોતો.

વિપક્ષો પણ કદાચ એવું જ ઇચ્છે છે કેમ કે પહેલી બેઠકથી જ તેમનો ઈરાદો ગમે તે રીતે આ કાયદાને ઘોંચમાં નાખવાનો જ છે. જેપીસીની ૨૨મી ઑગસ્ટે પહેલી બેઠક મળી ત્યારે જ સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે કહ્યું હતું કે, બિલ પર વિચારણા દરમિયાન તમામ ૪૪ સુધારા પર ચર્ચા કરવામાં આવશે અને દરેકને સાંભળવામાં આવશે.

લઘુમતી બાબતો અને કાયદા મંત્રાલયના અધિકારીએ ડ્રાફ્ટ કાયદા અંગે સમિતિને માહિતી આપી હતી. એ રીતે જેપીસી માટે ઝડપથી કામ આટોપવાનો તખ્તો ત્યારે જ તૈયાર કરી દેવાયેલો, પણ વિપક્ષનો ઈરાદો કામ આટોપવાનો હતો જ નહીં તેથી ૩૦મી ઑગસ્ટે બીજી બેઠક મળી ત્યારે જ ડખા શરૂ કરી દેવાયેલા.

બીજી બેઠક લગભગ ૮ કલાક ચાલી હતી અને ઑલ ઈન્ડિયા સુન્ની જમિયતુલ ઉલેમા અને ઇન્ડિયન મુસ્લિમ ફોર સિવિલ રાઈટ્સ, રાજસ્થાન મુસ્લિમ વક્ફ, દિલ્હી અને યુપી સુન્ની વક્ફ બોર્ડનાં મંતવ્યો સાંભળવામાં આવ્યાં હતાં.

આ દરમિયાન રજૂઆતની યોગ્ય તક નથી અપાતી એવો વાહિયાત મુદ્દો ઊભો કરીને વિપક્ષી સભ્યોએ થોડી વાર માટે સભામાંથી વોકઆઉટ કરી દીધો હતો.

Also Read – Yogi Adityanath સરકારના મંત્રીમંડળની વિસ્તરણની અટકળો તેજ, અનેક મંત્રીઓના પત્તા કપાવાની શકયતા

ત્રીજી બેઠક ૫મી સપ્ટેમ્બરે મળી ત્યારે બિલ સાથે સંકળાયેલા મંત્રાલયોના અધિકારીઓએ વકફ બિલ પર પ્રેઝન્ટેશન આપ્યું ત્યારે અધિકારીઓની વિપક્ષી સાંસદો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિપક્ષી સાંસદોએ આક્ષેપ કરેલો કે સરકારી અધિકારીઓ પ્રેઝન્ટેશન દરમિયાન બિલની સંપૂર્ણ માહિતી આપી રહ્યા નથી અને વિગતો છુપાવી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ અને તૃણમૂલ કૉંગ્રેસ સાંસદ કલ્યાણ બેનરજી વિરોધમાં મોખરે હતા.

૬ઠ્ઠી સપ્ટેમ્બરની ચોથી બેઠક શાંતિપૂર્ણ હતી કેમ કે આર્કિયૉલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (ASI)એ રજૂઆત કરવાની હતી. સર્વેએ જૂના કાયદા સામે વાંધો ઉઠાવીને રજૂઆત કરેલી કે, જૂનાં સ્મારકોની જાળવણી માટે નવું સુધારા બિલ જરૂરી છે. વકફ બોર્ડ જૂની સંપત્તિઓ પર કબજો કરીને બેસી જાય પછી તેની જાળવણી માટે કશું કરાતું નથી તેથી સુધારો કરીને આ સંપત્તિઓ સર્વેને મળે એ જરૂરી છે.

પાંચમી બેઠક ૧૪મી ઓક્ટોબરે મળી ત્યારે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામે વકફ સંપત્તિ હડપ કરવાનો આક્ષેપ મુકાતાં વિપક્ષી સાંસદોએ બેઠકનો બહિષ્કાર કર્યો હતો.

૨૯મી ઓક્ટોબરે મળેલી બેઠકમાં વિપક્ષી સાંસદો અને દિલ્હી વક્ફ બોર્ડના સભ્યો વચ્ચે બરાબરની જામી હતી કેમ કે દિલ્હી વક્ફ બોર્ડને દિલ્હી સરકારની મંજૂરી વિના પ્રેઝન્ટેશન આપવાની મંજૂરી આપી દેવાઈ હતી.

વિપક્ષી સભ્યોએ આ મુદ્દે હંગામો મચાવી દીધેલો. આ બધી ધમાલોના કારણે રિપોર્ટ તૈયાર ના થયો તેથી છેવટે જેપીસીની મુદત લંબાવવી પડી.

૫મી નવેમ્બરની બેઠકમાં દાઉદી બોહરા સમુદાયની રજૂઆત હતી તેથી વિપક્ષો ઇચ્છે તોપણ ધમાલ કરી શકે તેમ નહોતા, પણ બુધવારે બેઠક મળી ત્યારે પાછો એ જ ખેલ શરૂ થઈ ગયો.

વિપક્ષના સાંસદોએ બુધવારની બેઠકનો જ બહિષ્કાર કરી નાખ્યો. વિપક્ષી સાંસદોનો આક્ષેપ હતો કે જગદંબિકા પાલ ૨૯મી નવેમ્બરની સમયમર્યાદા સુધીમાં કાર્યવાહી સમાપ્ત કરવા માગે છે એટલે યોગ્ય પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના ડ્રાફ્ટ રિપોર્ટ લોકસભામાં રજૂ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

જગદંબિકા પાલે દિલ્હી, જમ્મુ-કાશ્મીર, પંજાબ સરકારોની વાત સાંભળી નથી અને બિહાર તથા પશ્ર્ચિમ બંગાળની મુલાકાત જ લીધી નથી.

ઘણા સ્ટેકહોલ્ડર્સને પણ નથી સાંભળ્યા તેથી જેપીસીની મુદત લંબાવવી જોઈએ. પહેલાં તો ભાજપ સરકારે આ વાત ના માની પણ છેવટે કજિયાનું મોં કાળું કરીને વાત સ્વીકારી લીધી.

વિપક્ષો વકફ ઍક્ટમાં સુધારો કેમ નથી ઇચ્છતા એ જગજાહેર છે. મુસ્લિમ સંગઠનો અને મુસ્લિમ મતોના બની બેઠેલા કહેવાતા નેતાઓ વકફ ઍક્ટમાં સુધારા માટે તૈયાર નથી.

તેમની દલીલ છે કે, સરકાર તેમની ધાર્મિક બાબતોમાં દખલ કરી રહી છે, પણ વાસ્તવમાં તેમને પોતાનો ગરાસ લૂંટાઈ જવાનો ડર છે એટલે એ લોકો વિરોધનો ઝંડો ઝાલીને ઊભા થઈ ગયા છે.

કૉંગ્રેસ સહિતના વિપક્ષોને મુસ્લિમોના મતો જોઈએ છે એટલે તેમના વિરોધને મુસ્લિમોનો વિરોધ માનીને કૉંગ્રેસ સહિતના વિપક્ષો રોડાં નાખી રહ્યા છે.

વકફ બોર્ડ ઍક્ટમાં સુધારા દેશહિતમાં જરૂરી છે તેથી મોદી સરકારે આ વિરોધને ખાળીને મક્કમતા બતાવવાની જરૂર છે, રાજકીય ઇચ્છાશક્તિ બતાવવાની જરૂર છે.

બાકી આ રીતે ચાલ્યા કરે તો જેપીસીનો રિપોર્ટ જ નહીં તૈયાર થાય ને વકફ ઍક્ટમાં સુધારા જ નહીં થાય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button