મધ્યપ્રદેશના ખંડવામાં મશાલ યાત્રા દરમિયાન આગ ફાટી નીકળી, 50 દાઝ્યાં, 12ની હાલત ગંભીર
ખાંડવા: મધ્યપ્રદેશના ખંડવા શહેરમાં યોજવામાં આવેલી મશાલ યાત્રા (Khandwa Mashal Yatra accident) દરમિયાન એક ગંભીર દુર્ઘટના ઘટી હતી. મશાલ યાત્રા દરમિયાન અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી, આગને કારણે 50 લોકો દાઝી ગયા હતા, જેમાંથી 12ની હાલત ગંભીર છે. આગને કારણે ભાગદોડ મચી ગઈ હતી. સળગતી મશાલમાંથી તેલ ઢોળવાને કારણે આગ ફેલાઈ હતી.
અહેવાલ મુજબ 26/11 આતંકવાદી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આ મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવારે રાત્રે ખંડવાના ઘંટાઘર ચોકમાં મશાલ યાત્રા દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. મશાલમાંથી ઓઈલ ઢોળાવાને કારણે આગ અચાનક ફેલાઈ ગઈ હતી, ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ:
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગ લાગતા લોકો આમતેમ દોડતા જોવા મળે છે. આ ઘટનામાં ઘાયલ લોકોને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
Also Read – દિલ્હીમાં પ્રશાંત વિહાર પાસે જોરદાર વિસ્ફોટ થતાં ગભરાટ, પોલીસે કમાન સંભાળી
આ રીતે ભડકી આગ:
ખંડવાના પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હતો. ક્લોક ટાવર પર કાર્યક્રમ પૂરો થઈ રહ્યો હતો. આ દરમિયાન કેટલીક મશાલ મૂકતી વખતે ઊંધી પડી ગઈ હતી, જેના કારણે તેમાં રહેલો લાકડાનો વહેર અને તેલ ઢોળાઈ ગયા હતા જેના કારણે આગ ફાટી નીકળી હતી. જેના કારણે ત્યાં ઉભેલા લોકો દાઝી ગયા હતા. ઘાયલોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. મોટાભાગના લોકોના ચહેરા અને હાથ દાઝી ગયા છે. 50 લોકોને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. બાકીનાને પ્રાથમિક સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા છે.
અહેવાલ મુજબ ખાંડવાના ‘રાષ્ટ્રભક્ત વીર યુવા મંચ’ દ્વારા મશાલ યાત્રા કાઢવામાં આવી હતી. હૈદરાબાદના ગોશામહલ વિધાનસભ્ય ટી રાજા અને ભાજપના મહિલા નેતા નાઝિયા ઇલાહી ખાને પણ આ કાર્યક્રમના સ્ટેજ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો.