Gujarat માં ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન, આ નામાંકિત ગ્રુપો પર કાર્યવાહી
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) ઇન્કમટેક્સ વિભાગ દ્વારા અનેક સ્થળોએ દરોડા પાડયાની વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં મળતી માહિતી મુજબ મહેસાણાના નામાંકિત રાધે ગ્રૂપ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. રાધે ગ્રૂપના માલિક અને ભાગીદારોને ત્યાં હાલ આ કાર્યવાહી ચાલી રહી છે. અહેવાલો અનુસાર, રાધે ગ્રૂપ સાથે સંકળાયેલા અનેક સ્થળોએ આ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની ચર્ચા છે. મહેસાણા, અમદાવાદ અને મોરબીમાં તપાસની કામગીરી કરવામાં આવી રહી છે.
મોરબીમાં બે સિરામિક કંપનીઓને ત્યાં પણ દરોડાની કાર્યવાહી
મીડિયા અહેવાલ અનુસાર રાજકોટ જિલ્લામાં એક રાજકારણીના જમાઈને ત્યાં પણ આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા છે. જ્યારે મોરબીમાં પેપર મીલ સાથે સંકળાયેલા ગ્રુપ પર પણ આઇટી વિભાગે તવાઇ બોલાવી છે. તીર્થક ગ્રુપમાં સવારે 5.30 વાગ્યાની આસપાસ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Also read: મોરબી જીલ્લામાં વ્યાપક પાણી ચોરી, ૧૨૫ આસામીઓને ૧૨.૯૨ કરોડનો દંડ ફટકાર્યો
ત્રણ રાજ્યમાં ઇન્કમટેક્સના દરોડા
ઉલ્લેખનીય છે કે, ઇન્કમટેકસ વિભાગે ગુરુવારે મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં 23 સ્થાનો પર દરોડા પાડ્યા છે. જેમાં માલ પરિવહન અને કરચોરી સંબંધિત શંકાસ્પદ ગેરકાયદે પ્રવૃત્તિઓના સંદર્ભમાં દરોડા પાડવામાં આવ્યા હતા.એક અધિકારીએ જણાવ્યું હતું કે આ દરોડા ગુરુવારે સાંજે પાડવામાં આવ્યા હતા. જેમાં ઉદેપુર, બાંસવાડા અને જયપુરમાં મુખ્ય પરિસરોને નિશાન બનાવ્યા હતા. રાજસ્થાનના ઉદયપુરમાં 16, બાંસવાડામાં 3 અને જયપુરમાં 1 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુજરાતમાં બે જગ્યાએ અને મુંબઈમાં એક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા.