મોરબી જીલ્લામાં વ્યાપક પાણી ચોરી, ૧૨૫ આસામીઓને ૧૨.૯૨ કરોડનો દંડ ફટકાર્યો
મોરબીઃ મોરબી જીલ્લામાં એક તરફ બેરોકટોક પાણી ચોરી થાય છે, તો બીજી તરફ ગામડાઓમાં જરૂરી પાણીનો પુરવઠો પહોંચતો નથી. જેને પગલે પાણી પુરવઠા વિભાગની ટીમે મોરબી અને માળિયા તાલુકાના ૧૪ ગામોમાં ઓચિંતા ચેકિંગ કરતા હોટેલ, બિલ્ડીંગ, પેટ્રોલ પંપ સહિતના ૧૨૫ આસામીઓ પાણી ચોરી કરતા ઝડપાયા હતા. જેને ૧૨.૯૨ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મોરબીમાંથી તલાટી મંત્રી રૂ. 4000ની લાંચ લેતા ઝડપાયો, વકીલે પાડ્યો ખેલ
જીડબલ્યુઆઈએલ દ્વારા પાઈપલાઈન મારફત મોરબી, રાજકોટ, જામનગર તેમજ દ્વારકા જીલ્લામાં પાણી પૂરું પાડવામાં આવે છે. જે પાઈપલાઈનમાં મોરબી નજીક અનેક સ્થળોએ ગેરકાયદે કનેક્શન લઈને પાણી ચોરી કરવામાં આવતી હતી. જેથી જામનગર અને દ્વારકા સુધી પાણી પહોંચતું નહોતું. જેને પગલે પાણી પુરવઠા બોર્ડ અને જીડબલ્યુઆઈએલ દ્વારા મોરબી તાલુકાના અમરેલી, લુંટાવદર, પીપળીયા, જુના નાગડાવાસ, બરવાળા, ખેવારીયા, ધરમપુર, હજનાળી, વીરપરડા અને જેપુર તેમજ માળિયા તાલુકાના ઘાટીલા, ખાખરેચી, વેણાસર, ચાચાવદરડા, સહિતના ૧૪ ગામોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.
જે ૧૪ ગામોમાં હોટેલ, બિલ્ડીંગ બાંધકામ, શાળા, પેટ્રોલ પંપ અને જીનીંગ મિલ સહિતની ૧૨૫ જગ્યાએ ગેરકાયદે પાણી ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાને આવતા તંત્રએ તમામ કનેક્શન કાપી નાખ્યા હતા અને પાણી ચોરી કરનાર પેઢી, સંસ્થા અને શાળાઓને રૂપિયા ૧.૧૮ લાખથી લઈને ૩.૯૭ કરોડ સુધીનો મળીને કુલ ૧૨.૯૨ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.