મહારાષ્ટ્રની કેબિનેટમાં કોને કેટલાં પ્રધાનપદ મળશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાનપદનો ગુંચવાડો હજી સુધી ઉકેલાયો નથી ત્યારે રાજ્યની આગામી કેબિનેટ અંગેની જાણકારી સામે આવી રહી છે. સૂત્રોની વાત માનવામાં આવે તો મુખ્ય પ્રધાનપદ સહિત ભાજપ પાસે કુલ 23 પ્રધાનપદ હોઈ શકે છે, એકનાથ શિંદે પાસે અજિત પવાર કરતાં વધુ એટલે કે 10ની સરખામણીમાં 11 કે 12 પ્રધાનપદ હોઈ શકે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શિવસેનાએ મુખ્ય પ્રધાનપદ ભાજપ માટે છોડ્યું હતું અને તેને કારણે આ ત્યાગને જોતાં તેમની પાર્ટીને વધુ ખાતાં મળી શકે છે. ભાજપ એવો સંદેશ આપવા માગે છે કે તેમણે શિંદેનું સન્માન જાળવી રાખ્યું છે. વિધાનસભાની ચૂંટણી પણ તેમના જ ચહેરા પર લડવામાં આવી હતી, એ બાબતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર પછી હવે અજિત પવારની નજર દિલ્હીની ચૂંટણી પર
સૂત્રોના જણાવ્યા મુજબ આનું મોટું કારણ એ પણ છે કે રાજ્યમાં આગામી દિવસોમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ઉદ્ધવ ઠાકરેને વધુ મત ન મળે તે માટે શિંદેનું સન્માન જાળવી રાખવું આવશ્યક છે. ભાજપનું માનવું છે કે શિંદે આગામી મનપાની ચૂંટણીઓમાં શિવસેના (યુબીટી)ને ટક્કર આપવા સક્ષમ છે.
મહારાષ્ટ્રમાં બે નાયબ મુખ્ય પ્રધાન રહેશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબલ અજિત પવારની સાથે એકનાથ શિંદે અથવા તેમની પાર્ટીના કોઈ નેતાને પણ નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે. ભાજપ પોતાની પાસે ગૃહપ્રધાનપદ જાળવી રાખશે એવું કહેવાઈ રહ્યું છે. બીજી તરફ નાણાં ખાતું અને જાહેર બાંધકામ ખાતું (પીડબ્લ્યુડી) અજિત પવાર પાસે રહે તેવી શક્યતા છે, જ્યારે નગરવિકાસ ખાતું એકનાથ શિંદેના ફાળે જાય તેવી શક્યતા છે. મહિલા કલ્યાણ ખાતું અજિત પવારની પાર્ટીને મળે છે કે શિંદેની પાર્ટી પાસે તે જોવાનું રહેશે.