શ્રીલંકાને દાઝ્યા પર ડામઃ 42 રનમાં આઉટ અને 100 વર્ષના ઇતિહાસનો સૌથી ખરાબ પર્ફોર્મન્સ
32 રનના સ્કોર પર ચાર વિકેટ પડી, યેનસેને ફક્ત 13 રનમાં લીધી સાત વિકેટ
ડરબનઃ શ્રીલંકાએ ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝ 2-0થી જીતી લીધી ત્યાર પછી એની ટેસ્ટ ટીમે મોટા જુસ્સા સાથે સાઉથ આફ્રિકામાં આગમન કર્યું, પરંતુ પહેલી જ ટેસ્ટમાં શ્રીલંકન ટીમ બે રીતે શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે. એક તો શ્રીલંકા ગુરુવારે ટેસ્ટના ઇતિહાસમાં પોતાના સૌથી નીચા 42 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું અને બીજી તરફ ધનંજય ડિસિલ્વાની ટીમે એટલા ઓછા (માત્ર 83) બૉલનો સામનો કર્યો કે જેને કારણે તેની ટીમ ખરાબ રેકૉર્ડ-બુકમાં આવી ગઈ.
આ પણ વાંચો: ENG vs NZ: ટેસ્ટ મેચ દરમિયાન દર્શકો મેદાનમાં દોડી આવ્યા, પોતાની રીતે ક્રિકેટ મેચ રમવાનું શરૂ કર્યું
શ્રીલંકાના પ્રથમ દાવના 191 રનના જવાબમાં શ્રીલંકાની ટીમ ગુરુવારે પહેલા દાવમાં ફક્ત 42 રનમાં આઉટ થઈ ગઈ હતી.
છેલ્લા થોડા વર્ષોમાં કોઈ ટેસ્ટ ટીમ 100 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હોય એવું ઘણી વાર બન્યું છે. ડરબનમાં તો હદ થઈ ગઈ. શ્રીલંકાની ટીમ 42 રનમાં ઑલઆઉટ થઈ હતી જેમાં પાંચ બૅટરના ઝીરો હતા. ફાસ્ટ બોલર માર્કો યેનસેને 6.5 ઓવરમાં ફક્ત 13 રનમાં સાત વિકેટ લીધી હતી. તેણે ટેસ્ટના એક દાવમાં પહેલી વાર સાત વિકેટનો તરખાટ મચાવ્યો છે.
શ્રીલંકાનો આ પહેલાં સૌથી નીચો ટેસ્ટ-સ્કોર 71 રન હતો જે એણે 1994માં કૅન્ડીમાં પાકિસ્તાન સામે નોંધાવ્યો હતો. ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં ન્યૂ ઝીલૅન્ડનો 26 રનનો સ્કોર લોએસ્ટ છે. 1955માં કિવીઓ ઑકલૅન્ડમાં ઇંગ્લૅન્ડ સામે 26 રનમાં ઑલઆઉટ થઈ ગયા હતા. ભારત અને ઑસ્ટ્રેલિયાનો લોએસ્ટ સ્કોર એકસરખો (36 રન) છે.
આ પણ વાંચો: પંજાબની ₹ સાત કરોડની બોલીનો ડરબનમાં પડઘો, માર્કો યેનસેને લીધી સાત વિકેટ
શ્રીલંકાની ટીમની બીજી નામોશી એ છે કે આ ટીમની ઇનિંગ્સ ફક્ત 83 બૉલ સુધી ચાલી હતી. બીજી રીતે કહીએ તો ધનંજયની ટીમનો 13.5 ઓવરમાં વીંટો વળી ગયો. ટેસ્ટ ક્રિકેટ 147 વર્ષ જૂની છે અને કોઈ ટીમ ફક્ત 83 બૉલમાં ઑલઆઉટ થઈ ગઈ હોય એવું છેલ્લા 100 વર્ષમાં પહેલી વાર બન્યું છે. 100 વર્ષ પહેલાં એટલે કે 1924માં ઇંગ્લૅન્ડ સામે સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 75 બૉલમાં ફક્ત 30 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે શ્રીલંકા અને સાઉથ આફ્રિકા, બન્ને દેશની ટીમ 2023-2025ની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની રેસમાં હજી છે.