મોરબીમાંથી તલાટી મંત્રી રૂ. 4000ની લાંચ લેતા ઝડપાયો, વકીલે પાડ્યો ખેલ
મોરબીઃ એસીબી દ્વારા લાંચિયા લોકો સામે સતત કામગીરી કરવામાં આવી રહી છે, તેમ છતાં કેટલાક સુધવાનું નામ નથી લઈ રહ્યા. રાજ્યમાં અઠવાડિયામાં સરેરાશ બે થી ત્રણ લાંચિયા લોકો એસીબીની છટકામાં ઝડપાઈ રહ્યા છે. મોરબી સિટી મામલતદાર કચેરીમાં કાર્યરત તલાટી મંત્રી રૂપિયા 4000ની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં ઝડપાયો હતો.
ફરિયાદી વકીલ હોવાથી રેવન્યુ સંબંધિત કામ કરતા હતા. તેમના અસીલના નામનું ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર મેળવવા પ્રાંત અધિકારીને અરજી કરી હતી. જે અરજીમાં આરોપી સિટી મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી જયદીપસિંહ કિશોરસિંહ જાડેજાએ ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર આપવા માટે રૂપિયા ૪૦૦૦ની લાંચ માંગી હતી. લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા નહોતા. જેથી એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે એસીબી ટીમે છટકું ગોઠવ્યું હતું. તેમાં સિટી મામલતદાર કચેરી ખાતે તલાટી મંત્રીની ઓફિસમાં રૂપિયા ૪૦૦૦ ની લાંચ લેતા આરોપી જયદીપસિંહ જાડેજા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. તેની પાસેથી એસીબી ટીમે લાંચની રકમ રૂ ૪૦૦૦ રીકવર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો :મોરબીમાં પાટીદાર યુવાનોએ હથિયાર લાઇસન્સની કેમ કરી માંગ? જાણો વિગત
ગઈકાલે સી.જી.એસ.ટી. અને સેન્ટ્રલ એક્સાઇઝની કચેરી, જી.એસ.ટી. ભવન, વાપી ખાતે ફરજ બજાવતા સી.જી.એસ.ટી. ઇન્સ્પેક્ટર, વર્ગ-2 (ગૃપ-બી) યશવંત રાજેન્દ્ર ગેહલોત રૂ.40,000ની લાંચ લેતા ઝડપાયા હતા. લાંચ લેતા ઝડપાયેલા આ અધિકારી મૂળ મધ્યપ્રદેશના થાના-બાણગંગાના રહેવાસી છે. સીજીએસટીમાં ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાં યશવંત રાજેન્દ્ર ગેહલોતનો પગાર 75 હજાર રૂપિયા હતો.