બોરીવલીમાં બે બાળકી સાથે દુષ્કર્મ કરવા પ્રકરણે પિતાની ધરપકડ
મુંબઈ: બોરીવલીમાં માણસાઈને કલંક લગાડનારી ઘટનામાં પિતાએ જ નવ અને 10 વર્ષની બે બાળકી સાથે કથિત દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું હતું. પુત્રીઓ સાથે છેલ્લાં પાંચ વર્ષથી આચરતા કુકર્મની ફરિયાદ આખરે માતાએ કરતાં પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી હતી.
બોરીવલી પશ્ર્ચિમમાં આઈસી કોલોની નજીક રહેતી 33 વર્ષની મહિલાએ નોંધાવેલી ફરિયાદને આધારે બોરીવલી પોલીસે બળાત્કાર સહિત પોક્સો ઍક્ટ હેઠળ ગુનો નોંધી મહિલાના 40 વર્ષના પતિની ધરપકડ કરી હતી. બુધવારે વિશેષ પોક્સો કોર્ટે આરોપીને પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી તેની વધુ પૂછપરછ ચાલી રહી છે.
આ પણ વાંચો : Good News: બોરીવલી-થાણે ટ્વિન ટનલ પ્રોજેક્ટે પકડી ‘બુલેટ’ ગતિ
પોલીસ ફરિયાદ અનુસાર આરોપી રિક્ષા ડ્રાઈવર 2019થી નવ અને 10 વર્ષની બે પુત્રી સાથે કથિત દુષ્કર્મ કરતો હતો. છેલ્લાં પાંચ વર્ષથી કુકર્મ કરનારો આરોપી પત્નીને જાનથી મારવાની ધમકી પણ આપતો હતો. વારંવારના અત્યાચારથી કંટાળી આખરે પત્નીએ મંગળવારે પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
મહિલાએ નોંધાવેલી ફરિયાદની વરિષ્ઠ અધિકારીઓએ ગંભીર નોંધ લીધી હતી. ફરિયાદને આધારે બુધવારે આરોપીને તેના ઘરેથી પકડી પાડવામાં આવ્યો હતો. બન્ને બાળકીને પાલિકા સંચાલિત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની તબીબી તપાસ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.