સમાજસેવક અને ડોક્ટરની પરોપકાર વૃતિએ ભચાઉના પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરને ગુમાવેલી દૃષ્ટિ પાછી આપી
ભુજઃ કચ્છના બંદરીય માંડવી શહેરના અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીની આર્થિક મદદથી ભચાઉના ચોબારી ગામના પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરે પોતાની આંખની દૃષ્ટિ પાછી મેળવી છે.
આ માનવતાના કાર્યમાં મહત્વનું યોગદાન આપનારા મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ચંદ્રકાંત ચોથાણીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ચોબારી ગામના પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટર એવા દશરથ વાલા આહીરના ચક્ષુમાં મોતિયાબિંદુ અને જન્મજાત પડદાની તકલીફના લીધે માત્ર ૨૦ ટકા જ વિઝન બચ્યું હતું. ક્રિકેટરના પિતા વાલાભાઇ પણ પ્રજ્ઞાચક્ષુ છે.
અમદાવાદમાં વાલાભાઇ એકાદ મહિના સુધી જુદી જુદી હોસ્પિટલના આંખના તબીબો પાસે ગયા હતા, પણ તમામે ઓપરેશનના એકથી દોઢ લાખ રૂપિયા માગ્યા હતા. તેમણે વોટ્સએપમાં સેવાકીય પ્રવૃત્તિમાં કાર્યરત ગ્રુપમાં મદદ માટે વાયરલ કરેલો મેસેજ માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના સહમંત્રી સુલતાન મીરને મળતાં તેમણે મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી તથા માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપપ્રમુખ ડો. ચંદ્રકાંત ચોથાણી સુધી આ વાત પહોંચાડી હતી.
આ પણ વાંચો : ગાંધીનગર બાદ હવે ભુજમાં સરકારી ભવનમાં આગઃ જાનહાની ટળી
ત્યારબાદ ચોથાણીએ અમદાવાદની આઇ કેર હોસ્પિટલના આંખના નિષ્ણાત તબીબ ડો.શશાંક રાઠોડનો સંપર્ક કરતાં તેઓએ આંખની આ જટિલ શસ્ત્રક્રિયાને એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર કરી આપી હતી, અલબત્ત આંખમાં સ્થાપિત કરાયેલા લેન્સના ૧૦૦૦૦ રૂપિયા માંડવીની આ સંસ્થાએ હોસ્પિટલને ચૂકવ્યા હતા.
દ્રષ્ટિ મેળવનારા આશાસ્પદ ક્રિકેટર દશરથ આહીર અને તેના પરિવારે સહયોગીઓનો આભાર માન્યો હતો