મોરબીમાં પાટીદાર યુવાનોએ હથિયાર લાઇસન્સની કેમ કરી માંગ? જાણો વિગત
મોરબીઃ મોરબીમાં છેલ્લા થોડા સમયથી પાટીદાર સમાજને વિવિધ મુદ્દે નિશાન બનાવવામાં આવ્યા છે. પાટીદાર યુવાનોને ફસાવીને તેમની પાસેથી ગુંડાતત્વો દ્વારા લાખો રૂપિયા પડાવવામાં આવ્યા છે. જેને લઈ પાટીદાર યુવા સેવા સંઘ-મોરબીના નેજા હેઠળ મોટી સંખ્યામાં પાટીદારો પોતાના સમાજની સામાજિક સુરક્ષા માટે હથિયારની પરવાનગી માંગવા કલેકટર કચેરીએ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને યુવાનોએ પોતાના રક્ષણ માટે કલેક્ટરને અરજી કરીને હથિયાર માટેના લાઇસન્સની માંગણી કરી હતી.
આ પણ વાંચો: મોરબીમાં મમુદાઢી હત્યા કેસમાં આત્મસમર્પણ કરનાર ત્રણ આરોપીને ૧૫ દિવસના રિમાન્ડ
હથિયારની માંગણી કરતાં યુવાનોએ શું કહ્યું?
હથિયારની માંગણી કરતાં યુવાનોએ રજૂઆત કરી હતી કે આવડો મોટો પાટીદાર પરિવાર મોરબી જિલ્લામાં રહેતો હોય ત્યારે છાસવારે વ્યાજખોરી,દાદાગીરી,ગુંડાગીરી, રોમીયોગીરી અને હનીટ્રેપ વગેરેના બનાવો બનતા હોય છે. તેવા સમયે તંત્રની જ મદદના મળે, રક્ષક જ ભક્ષકની ભુમિકા ભજવે ત્યારે આવા ભોગ બનનાર પરિવાર ક્યાં જાય?
મોરબી જિલ્લામાં આશરે 60 હજાર જેટલા પાટીદારો વસે છે. તેમાંથી અનેક પરિવારો વ્યાજખોરી, ગુંડાગીરી, હનીટ્રેપનો શિકાર બન્યા છે અને દિવસેને દિવસે આવા બનાવ વધી રહ્યા છે. કલેકટર કે બી ઝવેરીએ પણ પાટીદાર સમાજે આપેવા આવેદન પત્રને લઈ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.