ઝારખંડના મુખ્યપ્રધાન તરીકે હેમંત સોરેને ચોથી વખત લીધા શપથ, આ દિગ્ગજો રહ્યા હાજર
રાંચીઃ હેમંત સોરેને ઝારખંડના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ ઝારખંડના 14માં મુખ્યપ્રધાન બન્યા હતા. તાજેતરમાં યોજાયેલી ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ માર્ચાએ 81માંથી 34 સીટ જીતી હતી. ઝારખંડ મુક્તિ મોર્ચાએ રાજ્યમાં ગઠબંધનમાં માત્ર 43 સીટ પર જ ચૂંટણી લડી હતી.
JMM executive president Hemant Soren takes oath as the 14th Chief Minister of Jharkhand, in Ranchi. pic.twitter.com/6TuvwQ5LYf
— ANI (@ANI) November 28, 2024
કયા કયા નેતાઓ રહ્યા ઉપસ્થિત
હેમંત સોરેનના શપથ સમારોહમાં મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડી કે શિવકુમાર, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, આરજેડી નેતા તેજસ્વી યાદવ, પપ્પુ યાદવ, તમિલનાડુના ડેપ્યુટી સીએમ ઉદય સ્ટાલિન, અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
હેમંત સોરેને ક્યારે ક્યારે શપથ લીધા
હેમંત સોરેને ઝારખંડના મુખ્યપ્રધાન તરીકે ચોથી વખત શપથ લીધા હતા. આ પહેલા તેમણે 13 જુલાઈ 2013ના રોજ ઝામુમો, કોંગ્રેસ અને આરજેડી ગઠબંધનના સહયોગથી બનેલી સરકારમાં સીએમ પદના શપથ લીધા હતા. આ સરકારનો કાર્યકાળ 23 ડિસેમ્બર 2014 સુધીનો હતો. બીજી વખત તેમણે 29 ડિસેમ્બર 2019ના રોજ શપથ લીધા હતા. 31 જાન્યુઆરી 2024ના રોજ ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમણે સીએમ પદેથી રાજીનામું આપ્યું હતું. જામીન પરથી બહાર આવ્યા બાદ તેમણે 4 જુલાઈ, 2024ના રોજ ત્રીજી વખત સીએમ પદના શપથ લીધા હતા.
આ પણ વાંચો: ખુદ પીએમ અને અમિત શાહના પ્રચાર છતાં ઝારખંડમાં કેમ હાર્યું ભાજપ? આ છે તેના કારણો…
ઝારખંડના સીએમ તરીકે સૌથી વધુ દિવસ ખુરશી પર બેસવાનો રેકોર્ડ અર્જુન મુંડાના નામે છે. અર્જુન મુંડા 2210 દિવસ સુધી ઝારખંડના સીએમ રહ્યા છે. હેમંત સોરેને 2169 દિવસ સુધી ઝારખંડના સીએમ તરીકે વ્યતીત કર્યો છે. હેમંત સોરેન ચોથી વખત મુખ્યપ્રધાન બન્યા બાદ માત્ર 40 દિવસનો કાર્યકાળ પસાર કરશે કે તરત જ તેઓ સૌથી વધુ સીએમની ખુરશી પર બેસનારા ઝારખંડના મુખ્યપ્રધાન બની જશે.