કેન્દ્ર સરકારને વિપક્ષ સામે ઝૂકવું પડ્યુંઃ JPCનો કાર્યકાળ લંબાવ્યો, જાણો Waqf Bill ક્યારે આવશે?
નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રનો ચોથો દિવસ પણ વિપક્ષના હંગામાના કારણે વેડફાઈ ગયો હતો. જોકે ગૃહ મુલતવી રહ્યું તે પહેલા એક મોટી ઘટના બની હતી. આ પહેલા લોકસભામાં વક્ફ સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ના વિસ્તારનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો હતો. સત્રના પ્રથમ સપ્તાહના અંતિમ દિવસ એટલેકે શુક્રવારે જેપીસી વક્ફ બિલ પર તેમનો રિપોર્ટ સંસદમાં રજૂ કરવાની હતી. જે આ સત્રના એજન્ડામાં સામેલ હતો. પરંતુ જેપીસીમાં સામેલ વિપક્ષના સાંસદો કાર્યકાળ વધારવાની માંગ કરી રહ્યા હતા. જોકે સમિતિનું નેતૃત્વ કરી રહેલા ભાજપ સાંસદ જગદંબિકા પાલનો દાવો હતો કે અમારો રિપોર્ટ તૈયાર છે.
ગુરુવાર સંસદની કાર્યવાહી પ્રશ્નકાળથી શરૂ થઈ પરંતુ અદાણી લાંચ અને સંભલ બબાલ મુદ્દે ચર્ચાની માંગને લઈ વિપક્ષી દળોએ હંગામો શરૂ કર્યો. હંગામો જોઈને લોકસભા સ્પીકરે ગૃહની કાર્યવાહી બપોરે 12 કલાક સુધી સ્થગિત કર્યું હતું. 12 વાગ્યા બાદ ગૃહની કાર્યવાહી ફરી શરૂ થઈ હતી. આ દરમિયાન જેપીસીએ પ્રમુખ જગદંબિકા પાલે વધુ સમયની માંગ કરતાં કાર્યકાળ વધારવા સંબંધિત પ્રસ્તાવ લોકસભામાં રજૂ કર્યું, જેને પસાર કરી દેવામાં આવ્યું હતું. જેપીસી હવે શિયાળુ સત્રના પ્રથમ સપ્તાહના અંતિમ દિવસ 29 નવેમ્બરના બદલે બજેટ સત્રના અંતિમ દિવસે રિપોર્ટ ગૃહમાં રજૂ કરશે.
આ પણ વાંચો :શિયાળુ સત્રના પ્રથમ દિવસે જ લોકસભામાં હંગામો: પહેલા દિવસે શું થયું ગૃહમાં?
કિરણ રિજિજુએ વિપક્ષની નિંદા કરી
વિપક્ષી દળોના હંગામા વચ્ચે વક્ફ બિલ પર બનેલી જેપીસીનો કાર્યકાળ વધારવા સંબંધિત પ્રસ્તાવ પાસ થયા બાદ સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ વિપક્ષના વ્યવહારની નિંદા કરી હતી. તેણે કહ્યું કહ્યું કે, તમામ વિપક્ષના નેતા અને બિઝનેસ એડવાઇઝરી કમિટીના સભ્યો બિલમાં આવવાના છે તેમના માટે સમય નિર્ધારીત કરવામાં આવ્યો હતો. અમે તેમને બિલ આવે ત્યારે ચર્ચા માટે યોગ્ય સમય આપ્યો હતો. તેમણે કહ્યું કે, આ ઉપરાંત જે અલગ અલગ મુદ્દા આવવાના છે તેના પર પણ ચર્ચા માટે અલગ નિયમો બનેલા છે. કોંગ્રેસ પાર્ટી અને તેના સાથીઓ હંગામો કરીને તેમના જ બનાવેલા નિયમો તોડી રહ્યા છે, તેની હું નિંદા કરું છું.