બદાયુંના બ્રિજની દુર્ઘટના માટે જવાબદાર કોણઃ ગૂગલ મેપ કે અધિકારીઓ?
બદાયુંઃ કમનસીબે રોજ અકસ્માત થાય છે અને લોકોના જીવ જાય છે. ઘણીવાર ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવું તો ક્યારે બીસ્માર રસ્તા, લાઈટ્સનો અભાવ, રખડતા ઢોર આની માટે જવાબદાર હોવાનુ જાણવા મળે છે, પરંત થોડા દિવસ પહેલા ઉત્તર પ્રદેશના બરેલીમાં થયેલા એક અકસ્માતને સૌનું ધ્યાન ખેંચ્યું છે અને તેની ચર્ચા થઈ રહી છે.
બદાયુંમાં એક અધુરા બ્રિજ પર કાર ચડી હતી અને નીચે ખાબકતા ત્રણ જણના મોત થયા હતા. આ ત્રણેયે ગૂગલ મેપના સહારે પ્રવાસ ખેડ્યો હતો અને મેપમાં બ્રિજ દેખાતા બ્રિજ તો ચડી ગયા, પરંતુ બ્રિજનું કામ અધૂરું હતું, જે રાત્રે ન દેખાતા કાર સીધી નદીમાં ખાબકી હતી.
આ ઘટના બાદ આ અકસ્માતની જવાબદારી કોની તેની ચર્ચા ચાલી રહી છે. ગૂગલ મેપ આ માટે જવાબદાર કે અધૂરા કામ છોડી જનારા, કોઈજાતના સાઈન બોર્ડ કે ચેતવણી ન આપનારા અધિકારીઓ જવાબદાર તે મામલે વિવાદ છેડાયો છે.
જોકે ઉત્તર પ્રદેશ સરકારે સારી કામગીરી કરી છે અને આ માટે ભલે ગૂગલ મેપને જવાબદાર ઠેરવવામાં આવે, પરંતુ એન્જિનિયરો પણ જવાબદાર છે અને તેમણે પાંચ અધિકારી સામે કાર્યવાહી શરૂ કરી છે.
મળતા અહેવાલો મુજબ જિલ્લા વહીવટીતંત્રે પીડબલ્યુડીના બદાયુંના એકમના ચાર એન્જિનિયરો સામે એફઆઈઆર નોંધી છે, તેમના પર અનૈચ્છિક હત્યા એટલે કે કલ્પેબલ હોમિસાઈડનો ગુનો નોંધ્યો છે. જો કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. અધિકારીઓમાં જુનિયર ઈજનેર મોહમ્મદ આરીફ અને અભિષેક કુમાર તેમજ વધારાના ઈજનેર અજય ગંગવાર અને મહારાજ સિંહનો સમાવેશ થાય છે.
અધિકારીઓની બેદરકારીએ લીધો ત્રણનો જીવ?
PWD દ્વારા પ્રાથમિક તપાસમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર નરેશ કુમારને પણ જવાબદાર ઠેરવવામાં આવ્યા છે, જોકે તેમનું નામ FIRમાં નથી. આ બ્રિજનું કામ અધૂરું છે તેવા કોઈ બોર્ડ અહીં લગાડવામાં આવ્યા ન હતા કે કોઈ બેરીકેડ્સ પણ લગાડવામાં આવ્યા નથી. અહીં એક દિવાલ બનાવવામાં આવી હતી જે આંદોલન સમયે પાડી દેવાઈ હતી ત્યાર બાદ ફરી દિવાલ બનાવવાનુ કામ પણ થયું નથી. આથી એક છેડેથી બ્રિજ પર ચડતા લોકોને એ ખબર જ નથી હોતી કે બ્રિજ અધૂરો છે.
એક અધકારીના જણાવ્યા અનુસાર આ પાંચ જણના નામ સાથેનો અહેવાલ લખનૌ હેડક્વાર્ટરને મોકલવામાં આવેલા ઇન્સ્પેક્શન રિપોર્ટમાં મેં તેની સામે વિભાગીય કાર્યવાહીની ભલામણ કરી છે. આ સાથે ચાર સામે એફઆઈઆર નોંધાયેલી છે.
બ્રિજનું બાંધકામ 2018-19માં શરૂ થયું હતું. શરૂઆતમાં UP સ્ટેટ બ્રિજ કોર્પોરેશન અને PWDએ સંયુક્ત રીતે આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેમાં PWD એ એપ્રોચ રોડ બનાવવાની જવાબદારી લીધી હતી. 2021 માં તેનો ભાગ પૂર્ણ કર્યા પછી, બ્રિજ કોર્પોરેશને કામ પૂર્ણ કરવા માટે બ્રિજ PWDને સોંપ્યો.
આ પણ વાંચો…દિલ્હીમાં દરોડા પાડવા પહોંચેલી EDની ટીમ પર હુમલો, એક અધિકારી ઘાયલ
બ્રિજનું કામ આ રીતે રહ્યું અધૂરું
આ સાથે અધિકારીઓ અને સ્થાનિકોનું કહેવાનું એમ પણ છે કે જ્યારે રામગંગા નદીએ પોતાનો માર્ગ બદલી નાખ્યો ત્યારે ફરીદપુર બાજુથી એપ્રોચ રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. PWDના એક અધિકારીએ જણાવ્યું કે લગભગ 14 મહિના પહેલા ફરીદપુર બાજુથી નિર્માણાધીન ભાગ પૂરમાં ધોવાઈ ગયો હતો, જેના કારણે બ્રિજ અધૂરો રહી ગયો હતો.
માત્ર આ એક બ્રિજ નહીં, એવા કેટલાય સરકારી કામો છે જે અધૂરાં છોડી દેવામાં આવે છે અને અવરજવર કરતા લોકો માટે જીવનું જોખમ ઊભું થાય છે.